Western Times News

Gujarati News

સુરત ખાતે ડો.શ્યામાપ્રસાદ મુખરર્જીનો નિર્વાણદિન ‘‘બલિદાન દિવસ’’ કાર્યક્રમ યોજાયો

 કાળો દિવસ ‘‘કટોકટી સમય’’ સંદર્ભે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપ્યુંઃ ૨૫ જૂનના દિવસે હિન્દુસ્તાનના આત્માને કચડી દેવામાં આવ્યો હતોઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

સૂરતઃ- ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત ૨૩મી જુન ડો.શ્યામાપ્રસાદ મુખરર્જીનો નિર્વાણદિન ‘‘બલિદાન દિવસ’’ તથા ૨૫મી જુનના રોજ કાળો દિવસ ‘‘કટોકટી સમય’’ના સંદર્ભે કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

કાશ્મીર સત્યાગ્રહની લડતમાં ૨૩ જૂન ના રોજ દેશની એકતા અને અખંડિતતા વાસ્તે બલિદાન આપનાર ભારતીય જનતા પક્ષના આદ્ય સ્થાપક ર્ડા.શ્યામાપ્રસાદ મુખરજીની સ્મૃતિ અને પ્રેરણા હેતુ ‘‘બલિદાન દિવસ’’ તથા દુનિયામાં સૌથી મોટી લોકશાહીની તાકાત ધરાવતા ભારતમાં ૨૫ જૂન ૧૯૭૫ના રોજ કટોકટી દ્વારા લોકશાહીને ગળે ટૂંપો દેવાનો પ્રયાસ સ્વ.શ્રીમતી ઇન્દીરા ગાંધીના નેતૃત્વવાળી સરકારે કર્યો જેને ‘‘કાળા દિવસ’’ તરીકે  ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકજાગૃતિ માટે ઉજવણી કરવામાં આવતો હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આઝાદી બાદ સરદાર વલ્લભભાઈના નેતૃત્વ હેઠળ રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જયારે જવાહરલાલ નેહરૂએ કાશ્મીરની જવાબદારી લઈ ઓફિસમેન્ટની રાજનીતિનો સહારો લઈ કાશ્મીરનો મુદ્દો ગુચવી નાખ્યો હતો. બંધારણમાં ૩૭૦ અને ૩૫ની કલમના માઠા પરિણામો આજે પણ દેશ ભોગવી રહ્યો છે.

આઝાદી બાદ શ્યામા પ્રસાદ મુખર્જીએ જનસંધની સ્થાપના કરીને કાશ્મીર મુદ્દે પ્રચંડ આંદોલન ચલાવ્યું જેમાં એક દેશમાં બે બંધારણ, બે પ્રધાન, બે નિશાન નહી ચલેગા નહી ચલેગાના નારાઓ સાથે આંદોલન કરીને જેલ ભોગવીને બલિદાન આપ્યું હતું. જેના કારણે આજે કાશ્મીર બચ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ૨૫મી જુન ૧૯૭૫ના રોજ તત્કાલિન વડાપ્રધાન સ્વ.ઈન્દિરાગાંધીની કોંગ્રેસ સરકારે લોકશાહીના દિપકને ઓલવી નાખ્યો હતો. લોકશાહીના ચાર સ્તંભોને સ્થગિત કરવાનું પાપ કોગ્રેસે કર્યું હતું. અને આજે લોકશાહીની વાતો તેના મોઢે શોભતી ન હોવાનું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું. કટોકટીના સમયે  તમામ વિરોધ પક્ષના કાર્યકર્તાઓ, સંધના હોદ્દેદારો જેલમાં પુરીને યાતનાઓ આપવામાં આવી હતી. મીસાના કાયદા દ્વારા હજારો લોકોને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ કટોકટીના દિવસોમાં જેલમાં વિતાવેલા દિવસોની યાદ કરીને તે સમયે કાર્યકતાઓના જુસ્સાના દાખલાઓ ટાંકયા હતા.

આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, જનસંધથી માંડીને જનતા મોરચાના નેતૃત્વમાં ચુંટણીઓ લડાય હતી. કટોકટી વેળાએ યાતના ઓથી ભાવનાએ બઢતી હૈના નારાઓ સાથે હજારો કાર્યકતાઓએ જુસ્સાભેર ડગ્યા વગર ઝીક ઝીલી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકતાઓના ત્યાંગ, બલિદાનોના સંધર્ષના કારણે સત્તા પ્રાપ્ત થઈ છે. આ કાર્યકર્તાઓના બલિદાનોને ઠેસ ન પહોચે તે જોવાની આપણા સૌની જવાબદારી છે. લોકતંત્રમાં આપણી પંચ નિષ્ઠાએ આપણી જવાબદારી હોવાનું કહીને જણાવ્યું કે, આપણી પાસે કમિટમેન્ટ સાથે કાર્ય કરનારા કાર્યકર્તાઓ છે. જીવશુ ભાજપમાં મરશુ ભાજપમાં જેવી નિષ્ઠા સાથે કાર્યકર્તાઓ કાર્ય કરી રહ્યા છે. આપણી પાર્ટી સત્તા માટે નહી વિચાર માટે લડનારી પાર્ટી હોવાનું મુખ્યમંત્રીશ્રી જણાવ્યું હતું.

આ વેળાએ મેયરશ્રી જગદીશભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી પૂર્ણેશભાઈ મોદી, મુકેશભાઈ પટેલ, ઝંખનાબેન પટેલ, વિવેકભાઈ પટેલ, કાંતિ બલર, વિનુ મોરડીયા, પ્રવિણ ધોધારી, પ્રદેશ મહામંત્રીશ્રી ભરતસિંહ પરમાર, ભારતીય જનતા પક્ષના શહેર પ્રમુખશ્રી નીતિનભાઈ ભજીયાવાલા, મહામંત્રીશ્રી મદનસિંહ અટોદરીયા, ડે.મેયરશ્રી, શ્રીમતિ દર્શિનીબેન કોઠિયા તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.