Western Times News

Gujarati News

મ્યુનિ.હોસ્પીટલોમાં હડકવા વિરોધી રસીની તીવ્ર અછત

પાંચ વખત ટેન્ડર જાહેર થયા પર કોઈપણ કંપનીએ રસ દાખવ્યો નથી

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પીટલો અને કોમ્યુનીટી હેલ્થ સેન્ટરોની સેવા ખાડે રહી છે. હોસ્પીટલો અને હેલ્થ સેન્ટરોમાં લાખો રૂપિયાની કીંમત થી ખરીદ કરવામાં આવેલા સાધનો બંધ હોય છે. અથવા ધુળ ખાઈ રહયા છે. તેવી જ રીતે દવાઓની અછત પણ જાવા મળે છે. હાલ મનપાની હોસ્પીટલોમાં “એન્ટી રેબીટ વેકસીન” મતલબ કે હડકવા વિરોધી રસીની તીવ્ર અછત છે. સદ્દર પરિસ્થિતિને નિવારવા માટે તંત્ર દ્વારા ખુલ્લા બજારમાંથી હડકવા વિરોધી રસી ખરીદ કરવામાં આવી રહી છે. શારદાબેન હોસ્પીટલને જ તોડી પાડી તે સ્થળે ગર્લ્સ હોસ્ટેલ બનાવવા માટે વિચારણા ચાલી રહી છે. તેમજ એસવીપી હોસ્પીટલમાં મનપા સંચાલિત મેડીકલ સ્ટોર્સ શરૂ કરવામાં આવશે.


મ્યુનિ.હોસ્પીટલ કમીટીમાં નાગરીકો ને સારી સારવાર મળી રહે તે માટે સઘન ચર્ચા થઈ હતી સાથે સાથે હડકવા વિરોધી રસીની અછત ના ઉકેલ માટે પણ ચિંતા વ્યકત કરવામાં આવી હતી. હોસ્પીટલ કમીટી ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી હડકવા વિરોધી રસીનો પુરતો જથ્થો સપ્લાય થતો નથી. સદ્દર રસીનું ઉત્પાદન બે કંપનીઓ કરતી હતી. પરંતુ હાલ માત્ર એક જ કંપની તેનું ઉત્પાદન કરી રહી હોવાથી અછત જાવા મળે છે.

મ્યુનિ. કોર્પોરેશન આઈ.આઈ.એલ નામની કંપની પાસેથી રૂ.રપ૦થી રૂ.ર૮૦ સુધીના દર થી વેકસીન ની ખરીદી કરવામાં આવે છે. હડકવા વિરોધી રસી માટે પાંચ-પાંચ વખત ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે.

પરંતુ કોઈપણ સંસ્થાએ રસ દાખવ્યો નથી તેથી તંત્ર ખુલ્લા બજારમાંથી હડકવા રસીની ખરીદી થાય છે. હાલ, મુંબઈથી પ્રતિ રસી રૂ.૩પ૦ના ભાવથી એન્ટીરેબીટ વેકસીન ની ખરીદી કરવામાં આવે છે. એક રસીમાંથી ચાર ડોઝ આપી શકાય છે. અગાઉ પ્રતિ વર્ષ ૩પ હજાર રસી ખરીદ કરવામાં આવતી હતી.

પરંતુ કુતરાઓની સંખ્યા અને કુતરા કરડવાના કેસ વધી રહયા હોવાથી રસીના જથ્થામાં પણ વધારો કરવાની ફરજ પડી રહી છે. મનપા દ્વારા ર૦૧૬-૧૭માં ૪૩ હજાર, ર૦૧૭-૧૮ માં ૪૮ હજાર તથા ર૦૧૯-ર૦માં ૪પ હજાર વેકસીન ની ખરીદી કરવામાં આવી છે. ર૦૧૯-ર૦માં અછત ના કારણે જરૂર કરતા ઓછા જથ્થાની ખરીદી થઈ હોવાનું માનવામાં આવી રહયું છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ માટે આયોજન કરવામાં આવ્યું છે. અશોકમીલની જગ્યા પર દસ માળની હોસ્પીટલ તૈયાર કરવામાં આવશે. સદ્દર હોસ્પીટલ કાર્યરત થયા બાદ શારદાબેન હોસ્પીટલને તોડી પાડવામાં આવશે. અથવા તે બિલ્ડીંગમાં જ સુધારા કરીને ગર્લ્સ હોસ્ટેલ બનાવામાં આવી શકે છે. એસવીપી હોસ્પીટલમાં જૈનરિક દવાઓનો સ્ટોર્સ શરૂ કર્યા બાદ ટુંક સમયમાં જ નવો મેડીકલ સ્ટોર્સ પણ શરૂ થશે.

એપોલો ફાર્મસી ની નબળી કામગીરી ને ધ્યાનમાં લઈને દર્દીઓની હાલાકી નિવારવા માટે મનપા દ્વારા જ મેડીકલ સ્ટોર્સ શરૂ થશે. સરકારે અકસ્માતના ૪૮ કલાકમાં વિનામૂલ્યે સારવાર આપવા માટે જાહેરાત કરી છે. જેનો એસવીપીમાં પણ અમલ કરવામાં આવશે. મ્યુનિ.કોર્પોરેશનની તમામ હોસ્પીટલોમાં ખરીદી થતી દવાઓ અને આર કોડની માહિતી અધિકારીઓ પાસેથી માંગવામાં આવી છે. વટવા સીએચસીમાં એક વર્ષથી એકસ-રે મશીન બંધ છે. જે અંગે જવાબદાર અધિકારીને તાકીદ કરવામાં આવી છે. હોસ્પીટલોના મુખ્ય દરવાજા પર વૃધ્ધ તથા અશકત ગાર્ડ મુકવામાં આવે છે. આ મુદ્દે હોસ્પીટલના સુપ્રિ.ને સુચના આપવામાં આવી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.