Western Times News

Gujarati News

રાજયને ઉડતા પંજાબ બનતું અટકાવવા સરકાર કટિબધ્ધ

 

રૂપાણી સરકારે કડક પગલાનો આદેશ આપ્યોઃ સીઆઈડી વડાએ રેલવે પોલીસની

સ્પેશીયલ ટીમો બનાવી : એનડીપીએસ શોધક ડોગ સ્કવોડની મદદ લેવાશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : દારૂબંધી ધરાવતાં ગુજરાત રાજયમાં અફીણ, ગાંજા જેવાં અન્ય નશીલા પદાર્થોનું સેવન વધ્યું છે. યુવાનો દેખાદેખીમાં ડ્રગ્સના બંધાણી બની રહયાં છે. તેમનામાં નશીલા દ્રવ્યોની વધુ માંગને પહોચી વળવા દેશનાં કેટલાંક રાજયોમાંથી નશીલા પદાર્થો ગુજરાતમાં ઘુસાડી ને યુવાધનને નશાનાંરવાડે ચડાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહયું છે. અને વિકાસમાં અગ્રેસર ગુજરાત રાજય ઉડતા પંજાબ બનવા તરફ ધપી રહયું છે. ગત કેટલાંક સમયમાં એજન્સીઓ તથા સ્થાનિક પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ દરોડો પાડીને નશાના ધંધામાં સંકળાયેલા કેટલાંય શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.

ઉપરાંત સેકડો કિલો નશીલા દ્રવ્યો ઝડપી પાડવામાં આવ્યા છે. જેની કિંમત કરોડો રૂપિયા જેટલી છે. ટુંકા સમયગાળામાં જ રાજયમાં ખાસ કરીને અમદાવાદ વડોદરા, સુરત જેવા મોટાં શહેરોમાંથી મોટાં પ્રમાણમાં નશીલા દ્રવ્યોનાં જથ્થા મળી આવતાં રાજયનું પોલીસ તંત્ર તથા આઈબી વિભાગ પણ ચોંકી ઉઠયું છે.

તંત્રની આંખ ઉઘડે એ પહેલાં જ નશીલા દ્રવ્યોનાં વેપાર કરતાં શખ્સોએ કોલેજ તથા શાળા ઉપરાંત જયાં અવરજવર તથા ભીડ વધુ હોય એવાં સ્થળોએ યુવાનો તથા યુવતીઓને નશાનાં બંધાણી બનાવી દીધા છે. પકડાયેલા શખ્સોની પુછપરછમાં આવી જ વધુ કેટલીક સ્ફોટક માહિતી બહાર આવતાં સમગ્ર તંત્ર હલી ગયું છે. પ્રાથમિક તપાસમાં ગુજરાત રાજયમાં નશીલા દ્રવ્યોનાં જથ્થા ટ્રેન વાટે દક્ષિણ ભારતમાંથી ઘુસાડવામાં આવી રહયો છે.

આ માહીતીનાં પગલે બરોડા શહેર પોલીસ કમીશ્નર અનુપમસિંહ ગહેલોતે નશાની બદી દુર કરવા માટે સ્પેશીયલ ટીમો બનાવી જે શાળા-કોલેજની બહાર નશીલા દ્રવ્યોનો વેપાર કરતાં ઈસમો પર વોચ રાખી રહયાં છે. તથા તક મળતાં જ તેમને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી રહયાં છે. જેનાં પગલે બરોડામાં નશીલા દ્રવ્યોનાં કારોબારીઓમાં થોડો ફફડાટ ફેલાયો છે.

ઉપરાંત કમીશ્નર ગહેલોતે આશાસ્પદ યુવાનોની કારર્કીદી અને જીવન નશાનો ભોગ ન બને એ માટે યુરોપથી કેટલીક કિટ મંગાવી છે. જેનાં દ્વારા પરીક્ષણ કરીને કોણ નશીલા દ્રવ્યોનું સેવન કરે છે તે જાણી શકાય છે. આ કિટનાં ઉપયોગ દ્વારા કેટલાંક સકારાત્મક પરીણામ મળતાં યુવાધનને નશાના રવાડે અટકાવતાં તંત્રનો પણ ઉત્સાહ વધ્યો છે. અને વધુ યુવાનોને નશેડી બનતાં રોકવા માટે વધુ પ્રયત્નો કરાઈ રહયાં છે. આ પ્રવૃત્તિની કેરળ હાઈકોર્ટે નોંધ લઈને કેરળમાં પણ આવી જ અસરકારક કામગીરી કરવા માટે ગુજરાતનું ઉદાહરણ પોતાની સમક્ષ રાખી કાર્ય કરવા માટે આદેશો આપ્યાં છે.

ઉપરાંત બરોડા પોલીસ કમીશ્નર સક્રિય થતાં હવે ગુજરાતનાં સીઆઈડી વડા પણ હરકતમાં આવ્યાં છે. અને ગુજરાતને પંજાબ બનાવવામાં લાગેલા શખ્સોને ઝડપી લેવા માટે સીઆઈડી વડા આશીષ ભાઈઓએ એસઓજીની ટીમો બનાવી છે. જે ખાસ કરીને દક્ષિણ ભારત તથા ઓરીસ્સાથી આવતી ટ્રેનો ઉપર વોચ રાખી રહયાં છે. જયારે વધુ કેટલીક ટીમો રાજયમાં નશીલા દ્રવ્યોનાં કારોબારીઓ હોય એવાં સ્થળોએ સક્રીય છે.

સીઆઈડી વડા આશીષ ભાટીયાની સુચના અનુસાર રેલવે પોલીસની ટીમો હાવડા-અમદાવાદ એકસપ્રેસ ટ્રેનમાં સ્પેશીયલ એનડીપીએસ શોધક ડોગની મદદ લઈ સઘન કાર્યવાહી આરંભી છે. અગાઉ જણાવ્યું તેમ ગુજરાતમાં ઠલવાતો નશીલા દ્રવ્યોનો મોટાં ભાગનો જથ્થો વાયા ઓરીસ્સા આવી રહયો છે. જેથી તંત્રની નજર એ તરફેથી રાજયમાં આવતાં ટ્રેન સહીત અન્ય વાહન વ્યવહાર પર પણ છે.

અત્રે નોધનીય છે કે, ગુજરાતમાં ચુંટણીનાં સમય દરમ્યાન અચાનક જ કેફી પદાર્થોની હેરાફેરી વધી ગઈ હતી. જે બાબત ધ્યાને આવતાં રાજયનાં મુખ્યમંત્રીએ આવી પ્રવૃત્તિ વધે નહી તે માટે કડક પગલાં લેવા માટે આદેશો આપ્યા છે.

નાર્કોટીકસ સેલ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજયનાં મહત્વનાં રેલવે સ્ટેશન, એસટી-બસ સ્ટેશન, શાળા-કોલેજા ઉપરાંત અન્ય સ્થળોએ નશીલા પદાર્થો અંગેની પત્રિકાઓ વહેચી રહયાં છે. તથા યુવાનોમાં નશાખોરી અંગે જાગૃતિ આવે તે માટે પ્રયત્નશીલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.