Western Times News

Gujarati News

કરોડોની નવી કચરા પેટીઓ ધુળ ખાય છે !

File

ર૦૧૯ના સ્વચ્છતા સર્વેક્ષણ માટે લેવામાં આવેલ અણધડ નિર્ણયોના માઠા પરીણામ ર૦ર૦માં જાવા મળ્યા

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન ને સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉચ્ચ ક્રમાંક મળે તે માટે સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીએ અનેક ગતકડા કર્યા છે. પરંતુ અણધડ આયોજનના કારણે સ્વચ્છતા સર્વેક્ષણ ર૦ર૦માં અમદાવાદની પીછેહઠ થઈ છે. તેથી નિષ્ફળ અધિકારીને આબરૂ બચાવવા માટે ચુંટાયેલી પાંખને મોરચો સંભાળવાની ફરજ પડી છે.

સ્વચ્છતા સર્વેક્ષણ ર૦૧૯માં પણ મ્યુનિ. કમીશ્નર અને સોલીડ વેસ્ટ ખાતાના અધિકારીએ વિવિધ નુસખા કર્યા હતા. ઓડીએફમાં નેગેટીવ રીમાર્કસ મળ્યા બાદ ફરીથી સર્વેક્ષણ થાય તે માટે દિલ્હી સુધી દોડધામ પણ કરવામાં આવી હતી. તેમજ પ્રજા પર વિના કારણ રૂ.૮પ કરોડનો આર્થિક બોજ નાંખવામાં આવ્યો છે. શહેરના ન્યુસન્સ સ્પોટ ઓછા કરવાના કારણો દર્શાવી ઈન્દૌરની જેમ જાહેર માર્ગો પરથી કચરા પેટીઓ દુર કરી છે. ચોકાવનારી બાબત એ છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ખરીદ કરવામાં આવેલી કચરાપેટીઓ હાલ ધુળ ખાઈ રહી છે. જયારે ન્યુસન્સ સ્પોર્ટ માં વધારો થયો છે. જેના કારણે તંત્રને સીલ્વર ટ્રોલી મુકવાની ફરજ પડી છે.

કેન્દ્ર સરકારની “સ્વચ્છતા ભારત મિશન” યોજના અંતર્ગત દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ થાય છે.ર૦૧૯ના વર્ષમાં ઉચ્ચ ક્રમાંક મેળવવા માટે મ્યુનિ. કમીશ્નરે અથાક્‌ પરિશ્રમ કર્યા હતો. પરંતુ સોલીડ વેસ્ટ ખાતાના ઉચ્ચ અધિકારીની અણઆવડત અને અણધડ આયોજનના પરીણામે તંત્રને ધાર્યા પરિણામ મળ્યા ન હતા. ર૦૧૯માં “સીટીઝન ફીડબેક” માં અમદાવાદને ર૭મો ક્રમાંક મળ્યો હતો તેવી જ રીતે ઓડીએફ પ્લસમાં પણ નેગેટીવ રીમાર્કસ મળ્યા હતા. મ્યુનિ. કમીશ્નરે દોડધામ કરીને મનપાને ઓડીએફપ્લસ અને ઓડીએફપ્લસના રેન્ક અપાવ્યા હતા.

સોલીડ વેસ્ટ ખાતાના ડાયરેકટરની સલાહ માનીને કમીશ્નરે જાહેર માર્ગ પરથી લગભગ ૧૦૮૦ જેટલી કચરા પેટીઓ દુર કરવા નિર્ણય કર્યો હતો. મ્યુનિ. કમીશ્નરે ન્યુસન્સ સ્પોર્ટ માં ઘટાડો થવાની આશાએ તમામ કચરાપેટીઓ હટાવી હતી. પરંતુ “નકલમાં અકકલ ન હોય”તે કહેવત આ કિસ્સામાં સાબિત થઈ હતી. ઈન્દોરની જેમ કચરાપેટીઓનો દુર કરાવી હતી

પરંતુ તે સ્થળે એકત્રિત થતા કચરા ના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. તેથી પ્રતિ કન્ટેનરો દૂર કરવામાં આવ્યા હોવાની ચર્ચા પણ જે તે સમયે થઈ હતી. ત્યારબાદ સ્પોટ ટુ ડમ્પ ના કોન્ટ્રાકટ આપવામાં આવ્યા હતા. તેમજ લગભગ છ મહીના બાદ ઈન્દૌરની જેમ ત્રણહજાર લીટરબીન મુકવામાં આવ્યા છે. જેની પરિસ્થિતી અત્યંત દયનીય થઈ ગઈ છે. લીટર બીન મુકયા બાદ પણ ગંદકી અને ન્યુસન્સ સ્પોટમાં લેશમાત્ર ઘટાડો થયો ન હતો. તેથી થોડા સમય પહેલા કોમ્પેકટર કોન્ટ્રાકટરોના ખર્ચે સીલ્વર બીન મુકવામાં આવ્યા છે. જયારે રૂ.ત્રણ કરોડ કરતા પણ વધુ કિંમતની કચરાપેટીઓ ધુળ ખાઈ રહી છે !

મ્યુનિ.કોર્પોરેશનના આંતરિક સુત્રોએ જણાવ્યા મુજબ ર૦૧૯ના સ્વચ્છતા સવેક્ષણમાં ઉચ્ચ ક્રમાંક મેળવવાની લ્હાય કેટલાક ખોટાઅને આયોજન વિનાના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં જાહેરમાર્ગો પરથી કચરાપેટીઓ દુર કરવાના નિર્ણય નો પણ સમાવેશ થાય છે. સર્વેક્ષણમાં માત્ર પ૦ માર્કસ મેળવવા માટે લગભગ ૧૦૮૦ કચરા પેટીઓ (કન્ટેઈનરો) દુર કરવામાં આવ્યા હતા. જેમાં પ૦૦ જેટલી કચરાપેટીઓ તદ્દન નવી જ હતી.

મ્યુનિ.સોલીડ વેસ્ટ ખાતાના ઉચ્ચ અધિકારીની માંગણી મુજબ જે તે સમયે પ્રતિ કન્ટેઈનર રૂ.૪૦ હજારના ભાવથી પ૦૦ નંગની ખરીદી કરવામાં આવી હતી. પરંતુ સોલીડ વેસ્ટ ખાતાના અધિકારીઓના તઘલખી નિર્ણયો ના કારણે રૂ.બે કરોડની નવી કચરાપેટીઓનો કોઈ ઉપયોગ થયો નથી તથા હાલ તમામ પ૦૦ કચરા પેટીઓ ધુળ ખાઈ રહી છે. સોલીડ વેસ્ટ ખાતાના અણધડ આયોજનના કારણો તંત્રને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.

ર૦૧૯ માં યેનકેન પ્રકારે સર્વેક્ષણમાં સારા નંબર મળ્યા હતા. પરંતુ ન્યુસન્સ સ્પોટ ઓછા થયા નથી. તેથી ખાનગી કોન્ટ્રાકટરો પાસે ૧૪૦ સીલ્વર ટ્રોલી મુકવામાં આવી છે. સમયાંતરે તેમાં પણ વધારો થઈ શકે છે. સ્વચ્છતા સર્વેક્ષણ ર૦૧૯માં ઉચ્ચ ક્રમાંક મેળવવા જે નિર્ણયો લેવામાં આવ્યા હતા. તે તમામ બુમરેગ સાબિત થયા છે. ભીના-સુકા કચરાની અલગ તારવણી ની શરતે ડોર ટુ ડમ્પ ના કોન્ટ્રાકટરોને ઉંચા ભાવ આપવામાં આવ્યા છે. તેનો અમલ થયો નથી. ડીસેમ્બર ર૦૧૮માં સેગરીગેશન માટે મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ છતાં ખાતાના  અધિકારીઓ નિશ્ચિત પરીણામ આપી શકયા નથી. સ્વચ્છતા સર્વેક્ષણના તાજેતરમાં જાહેર થયેલ પરીણામમાં ભીનો-સુકો કચરો અલગ તારવવા બાબતે તંત્ર એ ૧રપ માર્કસ કલેઈમ કર્યા હતા. જેની સામે ૮૩.૧૩ માર્કસ મળ્યા છે.


તેવી જ રીતે રહેણાંક વિસ્તારોમાં “થ્રી-આર”પર કામ કરવામાં આવ્યું ન હોવાથી પ૦ માર્કસની સામે માત્ર ૧૮.૭પ માર્કસ જ મળ્યા છે. તેવી જ રીતે કન્ટેઈનર ફ્રી કરવાના પ્રયાસોમાં પણ તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. તેમજ ન્યુસન્સ સ્પોટમાં વધારો થયો છે.તેથી તેમાં પણ ૩૦ માર્કસ જ મળ્યા છે. ર૦૧૯ માં લેવામાં આવેલ તમામ નિર્ણયો ખોટા હતા તે બાબત ર૦ર૦ માં સાબિત થઈ રહી છે.

મ્યુનિ.કોગ્રેસ પક્ષ ના પૂર્વનેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ સ્વચ્છતા સર્વેક્ષણના નામે નાગરીકો પર રૂ.૮પ કરોડનું ભારણ નાંખવામાં આવ્યું છે. તથા ડોર ટુ ડમ્પમાં બમણા ભાવ આપવામાં આવ્યા છે. તેમ છતાં ગંદકીમાં ઘટાડો થતો નથી. ડોર ટુ ડમ્પની કામગીરી અત્યંત નબળી છે. શહેરની સડકો પર થી ૧૧૦૦ કચરા પેટીઓ દુર કરવામાં આવી છે. જે પૈકી પ૦૦થી ૬૦૦ નવી કચરાપેટીઓ છે.

જેની બજાર કિંમત રૂ.બે કરોડ કરતા પણ વધારે છે. જયારે જુની ૭૦૦ કચરાપેટીઓની કિંમત પણ રૂ.બે કરોડ જેટલી હોઈ શકે છે. આ તમામ કચરાપેટીઓ હાલ કયાં છે તથા તેનો નિકાલ કેવી રીતે થશે તે બાબત સોલીડ વેસ્ટ ડાયરેકટરે જાહેર સ્પષ્ટતા કરવી જરૂરી છે. અન્યથા તેમની સામે વિજીલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગણી પણ તેમણે કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.