Western Times News

Gujarati News

લગ્નની લાલચે ૩ વર્ષ સુધી યુવતી ઉપર કરાયેલું દુષ્કર્મ

અમદાવાદ: રાજકોટ શહેરમાં વધુ એક યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાનો બનાવ પ્રકાશમાં આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. એકાંત પળોનો વીડિયો પરિવારને મોકલવાની ધમકી આપી ત્રણ વર્ષ સુધીમાં અનેકવાર દુષ્કર્મ આચરનાર યુવકના તાબે નહીં થતા યુવતી સાથેનો અશ્લીલ વીડિયો પરિવારને મોકલી દેતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ઘટના સામે આવતાં પ્રદ્યુમ્નનગર પોલીસે ઠક્કરબાપા વિસ્તારમાં રહેતા મયુર ગોરધન ઘાવરી નામના શખ્સ સામે ગુનો નોંધી ઝડપી લીધો છે અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.


બનાવનો ભોગ બનનાર યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, છ વર્ષ પહેલા લગ્નપ્રસંગે મયુર ઘાવરી સાથે ઓળખાણ થઇ હતી. મોબાઇલ પરની વાતચીત બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારે બંનેએ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું. દરમ્યાન દોઢેક વર્ષ પહેલા સાતમ આઠમના તહેવાર પર મયુરે તેના ઘરે ઠક્કરબાપા વિસ્તારમાં બોલાવી હતી.

ત્યાં પોતે જતા તેને શરૂઆતમાં લગ્ન કરી લેવાની વાત કરી પોતાને ભોળવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સમયે મયુરે તેના મોબાઇલમાં અંગત પળોનું શૂટિંગ તેમજ ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ મયુરે લગ્ન ટૂંકમાં જ કરી લઇશુની મીઠી મીઠી વાત કરી અનેક વખત બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. તે પછી મયુર જૂના બસ સ્ટેન્ડ પાછળ આવેલા એક ગેસ્ટહાઉસમાં લઇ ગયો હતો. ત્યારે હવે લગ્ન અંગેની પરિવારને વાત કરી લેવા કહ્યું હતું.

જેથી મયુરે ઉશ્કેરાય જઇ હવે લગ્ન કરવા જ નથી અને હવે લગ્નની વાત કરીશ તો આ વીડિયો ફોટા તારા પરિવારને મોકલી આપીશની ધમકી આપી હતી. એટલું જ નહીં મયુરે હું કહુ ત્યારે તારે મારી પાસે આવી મારી ઇચ્છા પૂરી કરવી પડશે તેમ કહી બ્લેક મેઇલ કરી વારંવાર તેની પર દુષ્કર્મ આચરતો હતો. દરમિયાન મયુરની વારંવારની ધમકીથી કંટાળી મયુરને આવવાની ના પાડી દેતા તેણે ઉપરોકત વીડિયો અને ફોટા ભાઇને મોબાઇલથી સેન્ડ કરી દીધા હતા. ભાઇએ પિતાને વાત કરતા પિતાએ સમગ્ર વિગતો જાણી પોલીસ ફરિયાદ કરવાનું કહેતા પ્રદ્યુમ્નનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ આર.એ.કપાસીએ દુષ્કર્મ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને સમગ્ર મામલે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.