Western Times News

Gujarati News

રાજયના વાતાવરણમાં પલ્ટોઃ ઠેરઠેર માવઠું

File

(પ્રતિનિધિ) અમદાવાદ: અરબી સમુદ્ર પર સર્જાયેલી લો પ્રેશર સીસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી પલ્ટો આવ્યો છે અને અમદાવાદ સહિત રાજયભરમાં આકાશ વાદળછાયુ બની ગયું છે સાથે સાથે ધુમ્મસના કારણે વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રાજયના અરવલ્લી, પાટણ, દ્વારકા, સોમનાથ, તથા ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં માવઠુ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદમાં સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસના કારણે વિઝીબીલીટી સાવ ઘટી જતાં હવાઈ સેવા ખોરવાઈ હતી જાકે બપોર સુધીમાં વિમાની સેવા યથાવત થઈ ગઈ હતી. રાજયમાં હજુ પણ બે દિવસ વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં આવેલા પલ્ટા વચ્ચે ઠંડીમાં ઘટાડો થયો છે પરંતુ બે દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગુજરાતમાં તા.૧૩મીની આસપાસ કેટલાક વિસ્તારોમાં માવઠુ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલ મોડી સાંજથી જ વાતાવરણમાં પલ્ટો આવી ગયો હતો અને આકાશ વાદળોથી છવાઈ ગયું હતું ગુજરાતમાં સતત ત્રીજી વખત માવઠુ થતાં ખેડૂતો ચિંતીત બની ગયા છે. આજે સવારથી જ રાજયના અનેક વિસ્તારોમાં માવઠુ થઈ રહયું છે જેના પરિણામે ઉભા પાકને નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.

રાજયમાં ગઈકાલ રાતથી આવેલા વાતાવરણના પલ્ટાને કારણે ઠેરઠેર ધુમ્મસની ચાદરો છવાઈ ગઈ છે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે ભારે ધુમ્મસ જાવા મળતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં એરપોર્ટ ઉપર પણ વિજીબીલીટી સાવ ઘટી ગઈ હતી જેના પરિણામે સવારે દિલ્હી તથા અન્ય શહેરોમાં જતી પાંચ જેટલી ફલાઈટો મોડી પડી હતી સમય જતાં ધુમ્મસ ઓછુ થયું હતું અને એરપોર્ટ સત્તાવાળાઓના જણાવ્યા મુજબ બપોર સુધીમાં હવાઈ સેવા રાબેતા મુજબ થઈ જવાની છે.

રાજયના મોટાભાગના હાઈવે ઉપર પણ આજ પરિસ્થિતિ  જાવા મળી હતી. રાજુલા- સાવરકુંડલા, એકસપ્રેસ હાઈવે ભાવનગર હાઈવે, અમદાવાદ- સુરત હાઈવે સહિતના રસ્તાઓ ઉપર ધુમ્મસના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે આ પરિસ્થિતિમાં  અકસ્માતના ભયથી અનેક વાહનચાલકોએ સલામત સ્થળે પોતાના વાહનો ઉભા રાખી દીધા હતાં.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજયમાં બે દિવસ સુધી વાતાવરણમાં પલ્ટો જાવા મળશે જેના પરિણામે સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે. વાતાવરણમાં આવેલા પલ્ટાથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે પરંતુ વાદળો વિખરાયા બાદ તા.૧૬મીથી ઠંડીનું પ્રમાણ વધશે તેવી સંપૂર્ણ શક્યતા છે. રાજયમાં વાતાવરણમાં આવેલા પલ્ટાના પગલે ખેડૂતોની ચિંતાને લઈ સરકાર પણ એલર્ટ થઈ ગયેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.