Western Times News

Gujarati News

મહામૂલા પશુધનની રક્ષામાટે યોગ્ય પશુ રહેઠાણ ખૂબ જરૂરી

દાહોદ જિલ્લામાં છેલ્લા ૧૦ વર્ષમાં રૂ. ૧૨૧.૪૧ લાખના ખર્ચે ૪૦૪૭ જેટલા કેટલ શેડનું નિર્માણ :  મહેન્દ્ર પરમાર

દાહોદ:  ગુજરાત રાજય ૧૩૫.૬૯ લાખ મેટ્રીક ટન દૂધ ઉત્પાદન સાથે આખા દેશમાં મોખરે છે. દાહોદ જિલ્લામાં પણ છેલ્લા ૧૦ વર્ષમાં દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. ૧૦ વર્ષ અગાઉ માસિક દૂધની આવક ૧૩ થી ૧૪ લાખ લીટર હતી તે વધીને ૩૦ લાખ લીટર જેટલી થઇ છે. જિલ્લાના ખેડૂતો પશુપાલનને વૈકલ્પિક વ્યવસાય તરીકે અપનાવી રહ્યા છે ત્યારે વિવિધ ઋતુઓમાં પશુઓને રક્ષણ મળી રહે તે માટે યોગ્ય પશુ રહેઠાણ બનાવવા ખૂબ જરૂરી છે. દાહોદ જિલ્લામાં પશુઓને વિવિધ ઋતુમાં રક્ષણ મળી રહે તે માટે રાજય સરકારની સહાયથી છેલ્લા ૧૦ વર્ષમાં રૂ. ૧૨૧.૪૧ લાખનો ખર્ચ કરી ૪૦૪૭ જેટલા કેટલ શેડનું બાંધકામ કરવામાં આવ્યું છે ત્યારે પશુઓના રહેઠાણ બનાવતી વખતે પશુપાલકોએ શું ધ્યાન રાખવું જોઇએ તે જોઇએ.

રહેઠાણ હંમેશા જમીન પરના પાણીનો નિકાલ થતો હોય તેવી ઉંચાઇવાળી જગ્યાએ રાખો. રહેઠાણમાં હવાની આવન જાવન (વેન્ટીલેશન) બરાબર થતી હોવી જોઇએ. રહેઠાણની લંબાઇની દિશા પૂર્વ પશ્વિમ રાખવી. દરેક પુખ્ત પશુદીઠ ચાર ચો.મી. જગ્યા પૂરી પાડવી, જે ત્રણ મીટર લંબાઇ અને દોઢ મીટર પહોળાઇની હોવી જોઇએ. દિવાલ, ગમાણ અને ગટરના બાંધકામના છેડા ગોળાકાર બનાવવા જોઇએ.


ગમાણ એક મીટર ઉંચાઇ પર તથા ઉંડાઇ ૨૫ થી ૩૦ સે.મી.ની બનાવવી. રહેઠાણનું ભોંયતળિયું સરખું અને તિરાડ વગરનું હોવું જોઇએ. ૧: ૬૦નો ઢાળ હોવો જોઇએ. પ ફૂટ લંબાઇએ ૧ ઇંચ જેટલું ભોયતળીયું નીચું હોવું જોઇએ. જેથી મુત્રનો નિકાલ તથા સફાઇના પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય.

શિયાળાની ઋતુમાં અતિશય ઠંડા સીધા પવનથી પશુઓને બચાવવા કંતાન કોથળાનો ઉપયોગ કરો. પશુઓના મળમૂત્ર અને પશુઓને નવડાવવા અને ભોયતળિયું ધોવામાં વપરાયેલા પાણીનો સિંચાઇના પાણીમાં ભેળવીને ઉપયોગ કરો અને છાણનો ગોબરગેસ બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે. રહેઠાણમાં જ પશુઓને પીવાના પાણીની વ્યવસ્થા કરો. શિયાળામાં એકદમ ઠંડા પાણીને બદલે હુંફાળું પાણી પીવડાવો અને ઉનાળામાં ઠંડુ પાણી પીવડાવો. વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવાથી દૂધ ઉત્પાદનમાં બમણો વધારો થાય છે. ખેડૂતોએ આર્થિક રીતે સશ્કત થવા માટે પશુપાલન અપનાવવું જોઇએ અને પશુઓની વૈજ્ઞાનિક ઢબે માવજત કરવી જોઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.