Western Times News

Gujarati News

સુભાષબ્રિજમાં ૧૦૦ દુકાનો સીલ

અમદાવાદ: સ્વચ્છતા મામલે અમદાવાદ દેશભરમાં છઠ્ઠા નંબર રહ્યું હોવાથી સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોલીડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવી ગયું છે. ઉત્તરાયણના બીજા દિવસથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની અલગ-અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આજે સુભાષબ્રિજ પાસે આવેલા નંદનવન કોમ્પ્લેક્સ અને કાવેરી કોમ્પ્લેક્સમાં પુષ્કળ ગંદકી કરવા બદલ તેમાં આવેલી ૧૦૦ જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી

જેને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. ખાસ કરીને વેપાર-ધંધા અને રોજગાર ધરાવતા લોકો અને એકમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તદુપરાંત, જાહેરમાં ગંદકી કરવા બદલ નૂતન નાગરિક બેંક(લો ગાર્ડન)થી લઈ થાઈ સેન્સેશન સહિતના એકમોને રૂ. ૨૫ હજારથી લઈ રૂ.૧૫૦૦ સુધીના દંડ કરાયો હતો. શહેરમાં ગંદકી અને અસ્વચ્છતા સામે અમ્યુકોના સત્તાધીશો દ્વારા સતત બીજા દિવસે ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે.

બે દિવસ પહેલાં જ અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવાના મક્કમ નિર્ધાર સાથે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ એક ઐતિહાસિક અને આકરા નિર્ણયના ભાગરૂપે હવેથી અમદાવાદ શહેરમાં જાહેરમાં કચરો ફેંકનાર કે ગંદકી ફેલાવનારા તત્વો સામે રૂ.પાંચ હજારથી લઇ પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવાની જાહેરાત કરી હતી. જેને લઇ હવે ગંદકી ફેલાવનારા તત્વોની હવે ખેર નથી.

મ્યુનિસિપલ કમિશનર નેહરાએ સ્પષ્ટ કર્યું હતું કે, અમદાવાદ શહેરમાં જાહેરમાં ગંદકી ફેલાવનારા કે કચરો ફેંકનારા તત્વોને આઇડેન્ટીફાય કરાશે અને તેઓ વિરૂધ્ધ સ્પેશ્યલ ઝુંબેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવશે. અમદાવાદ શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે આ પ્રકારના આકરા નિર્ણય કરવા જરૂરી છે. કમિશનરની આ જાહેરાતના ગણતરીના કલાકોમાં જ અમ્યુકોના અધિકારીઓ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળી પડયા હતા અને ગંદકી મુદ્દે આકરી કાર્યવાહી કરી મસમોટો દંડ વસૂલ્યો હતો. આગામી દિવસોમાં પણ તંત્ર દ્વારા ગંદકી અને અસ્વચ્છતા સામેની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. અમ્યુકોના અધિકારીઓ દ્વારા સતત બીજા દિવસે ઝુંબેશ ચાલુ રાખવામાં આવતાં શહેરમાં ગંદકી ફેલાવતાં એકમો અને તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.