Western Times News

Gujarati News

ડાંગરની સુગંધિત વેરાયટી GAR-14ના વિકાસમાં ડભોઇના ડાંગર સંશોધન કેન્દ્રનું યોગદાન

વડોદરા: આણંદ કૃષિ યુનિવર્સિટીના નેજા હેઠળ કાર્યરત ડાંગર સંશોધન કેન્દ્ર એ સુગંધિત ચોખાની નવી વરાયટી જીએઆર-૧૪ના વિકાસમાં યોગદાન આપ્યું છે. પ્રાથમિક ચકાસણીમાં આ ડાંગરનું હેકટર દીઠ ૬,૦૦૦ કિગ્રા જેટલું ઉંચુ ઉત્પાદન આવ્યું છે અને દેશમાં પ્રચલિત ચોખાની અન્ય જાતોની સરખામણીમાં તેમાં સુગંધનું પ્રમાણ વધુ જણાયું છે. આ જાત મધ્યમ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે.

ગુજરાતના ધાન્ય વર્ગના મુખ્ય પાકો પૈકી ડાંગર છે. રાજયમાં આશરે ૮ લાખ હેકટર વિસ્તારમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે, જેમાં ૧૯ લાખ ટન જેટલું ઉત્પાદન મળી રહે છે. રાજયનું મુખ્ય ડાંગર સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી નવાગામ દ્વારા ડાંગરના અન્ય સંશોધન કેન્દ્રોના સંકલનથી ડાંગરનું વાવેતર કરવામાં આવતુ હોય તેવી જુદી-જુદી ખેત આબોહવાકીય પરિસ્થિતિ માટે અનુકૂળ હોય તેવી આશરે ૩૩ જેટલી વધુ ઉત્પાદન આપતી સુધારેલ જાતો કરતા સુગંધિત અને ઝીણા દાણાવાળી જાતોનો બજાર ભાવ વધુ મળતો હોવાથી ડાંગરની આવી જાતોનું ઉત્પાદન કરવું ખેડુતો માટે વધુ નફાકારક છે.

મધ્ય ગુજરાતમાં કેનાલ આધારિત પિયત ધરાવતા તથા નીચાણવાળા વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ ધરાવતા અને નીચાણવાળા વિસ્તારોમાં સુગંધિત અને મધ્યમ પાતળો (ઝીણો) દાણો ધરાવતી સુધારેલ જાતોનો વાવેતર વિસ્તાર વધતો જાય છે. હાલમાં મધ્યમ પાતળો (ઝીણો) દાણો અને સુગંધ ધરાવતી ૬ જેટલી સુધારેલ જાતો પૈકી જી.આર.-૧૦૧ તથા નર્મદા (અંબિકા) જાતોનો મધ્ય તથા દક્ષિણ ગુજરાતના મોડી પાકતી જાતો ઉગાડતા વિસ્તારોમાં બહોળા પાયે વાવેતર કરવામાં આવે છે.

જી.આર.-૧૦૧ તથા નર્મદા જાત અનુક્રમે વર્ષ-૧૯૮૪ અને વર્ષ-૧૯૯૧માં મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર નવાગામ ખાતેથી બહાર પાડવામાં આવી હતી. સુગંધિત અને ઝીણો દાણો હોવાને લીધે અને ચોખાની ગુણવત્તાને લીધે ઉપભોક્તા તથા વેપારી વર્ગમાં અને અન્ય સામાન્ય જાતો કરતા વધુ બજાર ભાવ મળતા હોવાથી ખેડુત સમુદાયમાં ખૂબ જ પ્રચલિત થયું છે. આ જાતો મોડી પાકતી (૧૪૦થી વધુ દિવસ) હોવાને લીધે, મોડી પાકતી જાતોનું વાવેતર કરવું આવશ્યક હોય તેવા વિસ્તારોમાં જ વાવેતર કરવામાં આવે છે.

મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર દ્વારા આ જાતો કરતા વહેલી પાકતી અને તેના જેવી સુગંધ અને દાણાની ગુણવત્તા ધરાવતી જાતો વિકાસવવા સારું છેલ્લા દાયકાથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. વર્ષ-૨૦૧૮માં વધુ ઉત્પાદન આપતી, મધ્યમ મોડી પાકતી, ઝીણો દાણો ધરાવતી, રોગ-જીવાત સામે મધ્યમ પ્રતિકારક તેમજ ઢળી પડવા અને પાકટ દાણા ખરી પડવા સામે રક્ષણાત્મક શક્તિ ધરાવતી, સુગંધિત દાણાવાળી જી.એ.આર.-૧૪ જાત ગુજરાત અને મહારાષ્ટ્રના રોપાણ ડાંગર પકવતા ખેડુતો સારું વાવેતર માટે બહાર પાડવામાં આવે છે.

જી.એ.આર.-૧૪ એ ખરીફ-૨૦૦૨માં જીઆર-૭ અને મહીસુગંધા-૨/૧ વચ્ચેસંકરણ કરી વિકાસવવામાં આવેલ છે. ચોખા સંશોધન કેન્દ્ર ખાતે ખરીફ-૨૦૦૮થી પાક સુધારણા પ્રયોગો હેઠળ પરીક્ષણ કરવામાં આવ્યું હતુ. તદ્દઉપરાંત ખરીફ-૨૦૧૪થી ભારતભરના પ્રયોગોમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતુ.

જી.એ.આર.-૧૪નું ખરીફ-૨૦૧૪ થી ખરીફ-૨૦૧૬માં અખિલ ભારતીય ચોખા સુધારણા યોજના (એ.આઇ.સી.આર.પી.) હેઠળ આઇટી-૨૪૬૨૧ નામાભિકરણથી, આઇઇટી-એએસજી અને એવીટી-એએસજી (સુગંધિત અને ઝીણા દાણાવાળી જાતો માટેના પ્રયોગો) હેઠળ સમગ્ર ભારતના જુદાં-જુદાં કેન્દ્રો પર પરીક્ષણ થયું છે. ત્રણ વર્ષ દરમિયાન આ જાતનું રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક સુગંધિત અંકુશ જાતો (ચેક વેરાયટી) જેવી કે બાદશાહ ભોગ, કાલાનમક, આંબેમોહર-૧૫૭ અને કૃષ્ણકમોદ સામે ઉત્પાદન માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતુ. આ જાત દ્વારા અંકુશ જાતો કરતા ૯.૧૧ અને ૧૧૯.૦૬ ટકા જેટલું વધુ ઉત્પાદન આપે છે.

પશ્ચિમ ભારતના ડાંગર પકવતા પ્રદેશો, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ જાત પરીક્ષણ દરમિયાન એક થી ત્રણ ક્રમે આવી ઉત્પાદનમાં અન્ય જાતો કરતા અગ્રેસર રહ્યો છે. પ્રયોગો દરમિયાન આ જાતની ૬૦૦૦ કિગ્રા-હેકટરથી પણ વધુ ઉત્પાદન ક્ષમતા નોંધાયેલ છે.

ઉત્પાદન માટેના અખતરાઓની સાથે સાથે આ જાતનું ઉપરોકત સમયગાળા દરમિયાન રોગ અને જીવાત સામે પ્રતિકારકતા ચકાસણી માટેના પ્રયોગોમાં પણ અખિલ ભારતીય કક્ષાએ પરીક્ષણ કરવામાં આવ્યું હતુ. જેમાં રોગ અને જીવાતથી આ જાત અંકુશ જાતો (ચેક વેરાયટી) કરતા મધ્યમ પ્રતિકારક જોવા મળે છે.

ચોખાની ગુણવત્તા માટેના રાષ્ટ્રીય કક્ષાના પરીક્ષણ હેઠળ જી.એ.આર.-૧૪ જાતમાં એમાયલોઝનું પ્રમાણ મધ્યમ માત્રામાં (૨૩.૪૩ ટકા), આખા ચોખા મળવાની ક્ષમતા (એચઆરઆર) વધુ (૬૪.૯ ટકા) અને રાંધવાની ગુણવત્તા માટેના પરિબળો  જેવા કે જેલ કન્સીસ્ટન્સી (૪૫ મીમી), આલ્કલી સ્પ્રેડિંગ (૪.૦) અને રાંધેલ દાણાની લંબાઇ (ગ્રેન ઇલોન્ગેસન ૧.૬ મીમી) ગ્રાહ્ય માત્રામાં જોવા મળ્યા છે. આ જાત ચકાસણી હેઠળની અન્ય જાતો કરતા સુગંધની માત્રા વધુ જોવા મળી હતી.

વર્ષ-૨૦૧૮માં સેન્ટ્રલ વેરાયટી કમિટી-નવી દિલ્હી દ્વારા જી.એ.આર.-૧૪ જાતની ગુજરાત અને મહારાષ્ટ્રના રોપાણ ડાંગર પકવતા ખેડુતો માટે ભલામણ કરવામાં આવ્યું છે. નોટિફિકેશન નં. એસ.ઓ.-૬૩૧૮(ઇ) ૨૬ ડિસેમ્બર-૨૦૧૮થી બીજ ઉત્પાદન પ્રક્રિયા હેઠળ સમાવિષ્ટ થયેલ છે. જી.એ.આર.-૧૪ની અગત્યની લાક્ષણિકતાઓ, ચોખાની ગુણવત્તા અને વાવેતર અંગેની સંક્ષિપ્ત વિગતો પણ રસપ્રદ છે. આ વિગતો-માહિતી માટે ડાંગર સંશોધન કેન્દ્રનો સંપર્ક સાધી શકાશે.

જી.એ.આર.-૧૪ની અગત્યની લાક્ષણિકતાઓમાં છોડની ઉંચાઇ ૧૦૫-૧૧૭ સેમી, કંટીની ઉંચાઇ ૨૬-૨૮ સેમી, કંટીમાં દાણાની સંખ્યા ૨૦૦-૨૫૦ દાણાઓ, પાકવાના દિવસો ૧૩૦-૧૩૭, છોડનો પ્રકાર સીધો છે અને ઢળતો નથી, ૧૦૦૦ દાણાનું વજન ૧૭ થી ૧૯ ગ્રામ, દાણાની લંબાઇ ૫.૬૬ મીમી, દાણાની પહોળાઇ ૧.૭૮ મીમી છે. હેકટર દીઠ સરેરાશ ૪૯૦૦-૬૦૦૦ કિગ્રા છે અને આ દાણા રાંધવામાં ઉત્તમ છે. મીલીંગ રીકવરી ૭૦.૧ ટકા, આખા ચોખાનું પ્રમાણ ૬૪.૯ ટકા, રાંધેલ પછી દાણાની લંબાઇ ૯.૧ મીમી, એમાયલોઝ ૨૩.૪૩ ટકા, દાણો સુગંધિત અને મધ્યમ પાતળો છે.

બિયારણનો દર ૨૦ થી ૨૫ કિગ્રા હેકટર એક હેકટરની રોપણી માટે ચોમાસામાં જુનનું પ્રથમ પખવવાડીયું અને ફેરરોપણી જુલાઇમાં ૨૫ થી ૩૦ દિવસનું ધરૂ રોપવું, હારમાં રોપણી ૨૦X૧૫ સેમી અથવા ૧૫X૧૫ સેમી છે. ઉનાળું નવેમ્બરના છેલ્લા અઠવાડીયાથી ડિસેમ્બરનું પ્રથમ અઠવાડીયે ૧૦૦૦ ચોમી (૧૦ ગુંઠા) વિસ્તારમાં ધરૂવાડીયું કરવું. ફેરરોપણી ફેબ્રુઆરીમાં ૫૦ થી ૫૫ દિવસમાં ધરૂ રોપવું. યદચ્છ રોપણી એક ચોરસ મીટરમાં ૩૦-૩૫ રોપાઓ રોપવા જોઇએ.

ડાંગરના પાકને જરૂરી પોષકતત્વો જો જમીનમાં પૃથ્થકરણના આધારે આપવામાં આવે તો ખેતી નફાકારક રહે છે. જી.એ.આર.-૧૪માં રાસાયણિક ખાતર વ્યવસ્થાનું ઘણું મહત્વ છે. પાયાના ખાતર (રોપણી પહેલા ધાવવલ કરતી વખતે-પછી) અને કુટ વખતે યુરિયા ૮૭ અને એમોનિયમ સલ્ફેટ ૧૯૪ તથા કંટી નીકળવાના અઠવાડીયા અગાઉ યુરિયા ૪૪ અને એમોનિયમ સલ્ફેટ ૯૭ વાપરવું જોઇએ. ૫૪ કિગ્રા, ડીએપી તથા ૨૦ કિગ્રા ઝીંક સલ્ફેટ પાયાના ખાતર તરીકે ધાવલ કરતી વખતે જમીનમાં આપવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.