Western Times News

Gujarati News

પોલીસને બદનામ કરવા કરાયેલી જનતા રેડનો પર્દાફાશ

રાણીપમાં દોઢ મહિના પહેલા આરોપીએ મહિલાના ઘરમાં દારૂ મુકી જનતા રેડ નું નાટક કરી ઉહાપોહ મચાવ્યો હતો: રાણીપ પોલીસે ઝીણવટભરી તપાસ કરી આરોપીની કરેલી ધરપકડ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં દારૂ જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર એલર્ટ પર છે ત્યારે શહેરના રાણીપ વિસ્તારમાં બે મહિના પહેલા જનતા રેડ કરી દેશી દારૂ પકડાયો હોવાના મેસેજ પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા જેના પગલે પોલીસતંત્ર ચોંકી ઉઠયું હતું આ એક પૂર્વ આયોજીત ષડયંત્ર હોવાનું પોલીસ અધિકારીઓ માની રહયા હતા જેના પગલે સઘન તપાસ શરૂ કરી પૂર્વ આયોજીત ગુનાહિત કાવતરુ રચી શખ્સોએ મહિલાના ઘરમાં તથા છાપરાના ભાગે દેશી દારૂ મુકીને પોલીસને બોલાવી રેડ પડાવી હતી અને નિર્દોષ નાગરિકો પર કેસો કરાવવામાં આવ્યા હતા અને આ સમગ્ર રેડને જનતા રેડ તરીકે જાહેર કરી પોલીસને પણ બદનામ કરવામાં આવી હતી. આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં દારૂ જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન કરવામાં આવી રહયું છે. તા.૧.૧ર ના રોજ સર્વેલન્સ સ્કવોર્ડને મળેલી બાતમીના આધારે રાણીપ પીએન્ડટી કોલોનીની બાજુમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા સાત ઈસમોને ઝડપી લીધા હતા અને ગુનો દાખલ કર્યો હતો. આ આરોપીઓ પૈકી ભરત બાબુજી ઠાકોર રહે. મગનપુરાની ચાલી રાણીપ અને તેનો મિત્ર અંકિત પરમાર રહે. બોપલ નો સમાવેશ થાય છે. પોલીસે કરેલા જુગારના કેસમાં અદાવત રાખીને પોલીસને બદનામ કરવા માટે ષડયંત્ર રચ્યું હતું આ બંને આરોપીઓએ અન્ય એક મિત્ર આનંદ ઉર્ફે બોડા છારાની મદદથી તા.ર.૧ર.ર૦૧૯ના રોજ દેશી દારૂ મંગાવ્યો હતો અને આ દારૂમાં પાણી ભેળવી દેશી દારૂની કોથળીઓ બનાવી હતી.

આરોપીઓએ દેશી દારૂની કોથળીઓ બનાવ્યા બાદ પીએન્ડટી કોલોનીના છાપરામાં રહેતા લક્ષ્મીબેન ભવાનજી ઠાકોરના મકાનના પાછળના ભાગે તથા બંસતીબેનના ધાબા પર આ કોથળીઓનો જથ્થો મુકી દીધો હતો આ સમયે બંને મહિલાઓ ઘરે હાજર ન હતી. આ ષડયંત્ર રચ્યા બાદ આરોપીઓએ મેસેજ વાયરલ કરી કેટલાક મીડિયા કર્મીઓને બોલાવી લીધા હતા તથા પોલીસ કંટ્રોલ રૂમમાં જનતા રેડની જાણ કરી હતી. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને રેડ દરમિયાન લક્ષ્મીબેનના ઘરની પાછળથી દેશી દારૂ મળી આવ્યો હતો આ સમયે એકત્ર થયેલા ટોળામાં ભરત તથા અંકિત પરમાર હાજર હતા અને તેઓ ટોળાના માણસોની મદદથી બંસતીબેનના ધાબા પર સંતાડી રાખેલો દેશી દારૂ ધાબા પરથી નીચે ઉતારી પોલીસે શોધેલા દેશી દારૂ સાથે ભેળવી દઈ જનતા રેડ બતાવી હતી. પોલીસને બદનામ કરવા માટે જુગાર રમતા પકડાયેલા ભરત ઠાકોર અને તેનો મિત્ર અંકિત પરમારની મદદથી તેના વિરૂધ્ધમાં કરેલા જુગાર કેસની અદાવત રાખી આ સમગ્ર ષડયંત્ર રચ્યું હતું. પોલીસે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી અને તેમાં ઉપરોકત વિગતો ખુલતા જ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં.

પોલીસે ખાનગીરાહે તપાસ શરૂ કરી સંડોવાયેલા બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી આ દરમિયાનમાં અંકિત પરમાર અને ભરત ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને તેઓની પુછપરછમાં સમગ્ર હકીકત બહાર આવતા હવે બંને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.