Western Times News

Gujarati News

સ્પેનમાં ગ્લોરિયા વાવાઝોડામાં 11નાં મૃત્યુ, પાંચ લાપતા

મેડ્રિડ, સ્પેનમાં ત્રાટકેલા વિનાશક ગ્લોરિયા વાવાઝોડાના કારણે અગિયાર લોકોના મોત થયા હતા, પાંચ લાપતા થયા અને ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા હતા. પૂરના ખારા પાણીના કારણે ખેતરોમાં ઊભા પાકનો નાશ થયો હતો અને મોટા ભાગના ખેતરો સાફ થઇ ગયા હતા, એમ સત્તાવાળાઓએ કહ્યું હતું. ઉત્તર-પૂર્વિય કેટેલોનિયા અને મેડિટેરિયન દેશના બાલેરિક ટાપુમાંથી લાપતા થયેલા લોકોની સંખ્યા વધતા મૃત્યઆંક વધવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી.દરિયામાં મોજા ઉંચા ઉછળતા લોકો કિનારે ફસાયા હતા. અનેક વાહનો તણાઇ ગયા હતા અને  ઇમારતોનો કાટમાળ પાણીમાં વહી જતા શહેરમાં ગંદકીના ઢગલા થયા હતા.

ચાલુ સપ્તાહની શરૂઆતમાં તાપમાનમાં અચાનક જ ઘટાડો થતાં ઓછામાં ઓછી બે ઘરવિહોણી વ્યક્તિઓના હાયપોરમીયાના કારણે મોત થયા હતા. સ્પેનના વડા પ્રધાન પેદ્રો સાંચેજે આજે સૌથી વધુ તારાજ થયેલા કેટલાક વિસ્તાોરની મુલાકાત લીધી હતી. તેમણે બચાવ અને રાહતની કામગીરી કરનાર ટુકડીઓ સાથે મુલાકાત કરી હતી. સૌથી વધુ તારાજ થયેલા દેશના પાંચ વિસ્તારો માટે વધુ ભંડોળની ફાળવણી કરશે એવી તેમણે હૈયાધારણા આપી હતી. વાવાઝોડુ ભારે વરસાદ સહિત લગભગ પાંચ દિવસ સુધી દેશમાં તારાજી કરતો રહ્યો હતો.જો કે હવામાન ખાતાએ કહ્યું હતું કે સૌથી ખરાબ સમય વિતી ગયો છે.

સૌથી વધુ અસર પૂર્વિય કેટેલોનિયામાં થઇ હતી જ્યાં ગુરૂવારે પણ સત્તાવાળાઓ થયેલા નુકસાનની આકરણી કરી રહ્યા હતા તેમજ અનેક નદીઓમાં ફરીથી પૂર આવે ત્યારે શું કરવું તેની સમીક્ષા કરી રહ્યા હતા. ડેલ્ટેબ્રે વિસ્તારના મેયર સોલરે તેમના વિસ્તારને વધુ ભંડોળ ફાળવવાની માગ કરી હતી અને અસરગ્રસ્તોને વળતર આપવાની પણ સત્તાવાળાઓને વિનંતી કરી હતી. સ્પેનના પૂર્વિય કિનારે આવેલા મેડિટેરિયન ટાપુ પૈકીના એક માલોરકામાં ફાયર ફાઇટરો અને બચાવ ટુકડીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. એક વ્યક્તિ પર્વત પર ચઢી રહ્યો હતો ત્યારે લાપતા બનતા કેટલીક ટુકડીઓ તેને શોધવા નીકળી હતી.

એક સ્પનિશ અને એક બ્રિટિશ નાગરિક હજુ પણ લાપતા હતા. સત્તાવાળાઓએ કહ્યું હતું કે તેઓ કદાચ દરિયાના પાણીમાં તણાઇ ગયા હશે. વાવાઝોડાના કારણે કેટેલોનિયામાં દસ હજાર ઘરોને વિજળી પુરવઠો પુરો પાડવાની કામગીરી શરૂ કરાઇ હતી. મોટા ભાગની શાળાઓ બંધ રહેતા 1.30 લાખ વિદ્યાર્થીઓ પર તેની અસર પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.