Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુ. કોર્પો.માં ભ્રષ્ટાચારની તમામ સીમા પાર

File

મ્યુનિ.કોર્પોરેશને રોડ કામ માટે રૂ.૧૩૬ કરોડ વધુ ચુકવશે

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદને “ભુવાનગરી” તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસાની સીઝન દરમ્યાન સામાન્ય વરસાદમાં પણ રોડ-રસ્તા બિસ્માર બની જાય છે. જેના રીપેરીંગ માટે કરોડો રૂપિયા ખર્ચ થાય છે. ર૦૧૭ની સાલમાં ૧૩૦ કરતા વધુ રોડ તૂટી ગયા હતા તથા હાઈકોર્ટની લાલ આંખ બાદ જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાકટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે.


ચોમાસામાં પરંપરાગત રીતે રોડ તુટવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે હાઈવેના રોડ કામ કર્યા હોય તેવા કોન્ટ્રાકટરોને કામ સોપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુનિ. રોડ પ્રોજેકટ વિભાગે બે વર્ષના વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ માટે ટેન્ડર મંગાવ્યા હતા. જેમાં અંદાજીત કિમત કરતા રૂ.૧૩૬ કરોડ વધુ ચુકવવામાં આવી રહયા છે. જે બાબત ચર્ચાનો વિષય બની છે.

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવા રોડ બનાવવા તથા તુટી ગયેલા રોડ રીસરફેસ કરવા માટે ઝોન અને પ્રોજેકટ એમ બે વિભાગમાંથી કામ થાય છે. ૬૦ ફૂટ કે તેથી નાના રોડ માટે ઝોન લેવલે કામ થાય છે. જયારે ૬૦ ફૂટ કે તેથી વધુ મોટા રોડ માટે રોડ-પ્રોજેકટ વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે. જેના કારણે રોડ તૂટવા તથા રીપેરીગ સમયે એકબીજા તરફ આંગળી ચીંધવામાં આવે છે.

આ પરિસ્થિતિ દુર કરવા માટે રૂ.એક કરોડ કે તેથી વધુ રકમના રોડ માટે એક જ સંસ્થાને કામ સોપવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જેના માટે રૂ.૪૦૦થી પ૦૦ કરોડના કામનો અનુભવ અને નિયત ડીઝાઈન મુજબ રોડ તૈયાર કરવાની ક્ષમતા તથા નેશનલ હાઈવેના રોડ કામનો અનુભવની શરતો સાથે ટેન્ડર તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં રૂ.૪૦૦ કરોડનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે. રોડ પ્રોજેકટ ખાતા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રોડ પ્રોજેકટ ખાતા દ્વારા બે વર્ષના રેઈટ કોન્ટ્રાકટ માટે જાહેર કરવામાં આવેલ ટેન્ડર ૩૪ ટકા ઉંચા ભાવથી મંજુર કરવામાં આવ્યા છે.

ઈજનેરખાતા દ્વારા જે કામ માટે રૂ.૪૦૦ કરોડનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો હતો તેના માટે રૂ.પ૩૬ કરોડ ચુકવવામાં આવશે.રોડના કામ માટે કોન્ટ્રાકટરને રૂ.૧૩૬ કરોડનો વધારો આપવા મુદ્દે વિવાદ શરૂ થયો છે. મ્યુનિ. રોડ એન્ડ બિલ્ડીંગ કમીટી ચેરમેન રમેશભાઈ દેસાઈના જણાવ્યા મુજબ શહેરમાં એકસમાન ગુણવત્તાના રોડ તૈયાર થાય તે હેતુથી મોટા કામના અનુભવી કોન્ટ્રાકટરોને જ કામ સોપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પાંચ વર્ષની ડીફેકટ લાયેબીલીટી સાથે રોડ નો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.

નવા રોડ બનાવવા માટે જરૂરીયાત મુજબ ટ્રાફિક સર્વે પણ કોન્ટ્રાકટર સ્વ-ખર્ચથી કરશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રોડ રીસરફેસના ના કામ ૧૩ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહયા છે. આ એજન્સીઓ ૪૩ ટેન્ડરના કામ કરી રહી છે. તથા જથ્થાની દ્રષ્ટિએ તેમની કેપેલીટી કરતા પણ વધુ કામ સોપવામાં આવ્યું છે. તે જાતા પણ નવા કામ માટે કોન્ટ્રાકટર આપવો જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મ્યુનિ.કોગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોઈપણ કોન્ટ્રાકટરને રૂ.૧૩૬ કરોડનો ભાવ વધારો આપવામાં આવે તે શંકાસ્પદ બાબત છે. આ કોન્ટ્રાકટરને રાજય કે કેન્દ્ર સરકારના કામમાં આવો વધારો મળતો નથી. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઉંચા ભાવથી કોન્ટ્રાકટ આપવામાં આવ્યા બાદ પણ સુપરવિઝન માટે થર્ડ પાર્ટીની નિમણુંક કરવામાં આવે છે. જેનો મતલબ કે કોન્ટ્રાકટર યોગ્ય કામ કરતા નથી તથા તંત્રને જ તેમની પર વિશ્વાસ નથી.

સતાધારી પાર્ટી પાંચ વર્ષની ડીફેકટ લાયેબીલીટીની વાતો કરે છે. પરંતુ આ લાયેબીલીટી માત્રા ખાડા પુરવાની છે કે પછી નવેસરથી રોડ તૈયાર કરવાની છે તેની સ્પષ્ટતા પણ જવી જરૂરી છે. રોડ કામના તમામ ટેન્ડરમાં ત્રણ કે પાંચ વર્ષની લાયેબીલીટીની શરત હોય છે. ર૦૧૭માં ૧૩૦ રોડ તૂટયા બાદ એકપણ કોન્ટ્રાકટરે સ્વ-ખર્ચથી કામ કરી આપ્યા નથી.આ સંજાગોમાં રૂ.૧૩૬ કરોડનો ભાવ વધારો આપવો યોગ્ય નથી તથા જવાબદાર વિભાગ દ્વારા ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે તે જરૂરી છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.