Western Times News

Gujarati News

કુપોષણ નાબુદ કરવા જનભાગીદારી અનિવાર્ય : અમૃતભાઇ પટેલ

ત્રિદિવસીય પોષણ અભિયાન અંતર્ગત ઝાલોદ તાલુકાના પાવડી ગામે જનજાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

દાહોદ : રાજયમાંથી કુપોષણ નાબુદ કરવા માટે વ્યાપક જનજાગૃતિ આણવા ત્રિદિવસીય પોષણ અભિયાન હેઠળ દાહોદ જિલ્લામાં ગામે ગામ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ત્રિદિવસીય અભિયાનના પ્રથમ દિવસે ગુજરાત રાજય અન્ન અને નાગરિક પુરવઠા આયોગના ચેરમેન શ્રી અમૃતભાઇ પટેલની અધ્યક્ષતામાં ઝાલોદ તાલુકાના પાવડી ગામે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પોષણ અદાલત જેવા નાટક અને પોષણને લગતા વિવિધ કાર્યક્રમો ઉપરાંત મહાનુભાવોએ પ્રાંસગિક ઉદબોધનો દ્વારા લોકોને પોષણ બાબતે સમજ આપી હતી અને મજબુત સમાજના નિર્માણની તક ઝડપી લેવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે ગુજરાત રાજય અન્ન અને નાગરિક પુરવઠા આયોગના ચેરમેન શ્રી અમૃતભાઇ પટેલે જણાવ્યું કે, દાહોદ જિલ્લો મહાત્વાકાંક્ષી જિલ્લો છે અને કુપોષણ નાબુદીમાં દાહોદ જિલ્લો અગ્રણી બને તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પોષણ અભિયાનનો આરંભ દાહોદ જિલ્લાથી કર્યો છે. પોષણ અભિયાનને સફળ બનાવવા માટે સૌથી અગત્યની બાબત જનભાગીદારી છે. તેમાં પાલક વાલીની ભૂમિકા ખૂબ અગત્યની છે. પાલક વાલી દર અઠવાડિયે બાળકની મુલાકાત લે. વાલીની મુલાકાત લે અને તેની ઉંમર પ્રમાણે વજન, ઉંચાઇ છે કે નહી તેની ખાસ કાળજી રાખે. જરૂર જણાય તો યોગ્ય ડોકટરી સારવાર પણ માટે પણ વાલીને સમજાવે. બાળકોને સુપોષિત કરવા એ દેશઘડતરનું ઉમદા કામ છે.

તેમણે આંગણવાડી કાર્યકર્તા પોષણ ત્રિવેણીની અગત્યતા સમજાવતા જણાવ્યું કે, કુદરતે તમને સાચા અર્થમાં માતા યશોદા બનવાની તક આપી છે. પોષણ ત્રિવેણી તેમને સોંપેલ કામગીરી નિયત માપદંડ પ્રમાણે કરશે તો તે સાચી સમાજસેવા ગણાશે. આંગણવાડીના તમામ બાળકોને સુપોષિત કરનાર પોષણ ત્રિવેણીને રાજય સરકાર દ્વારા રોકડ પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવશે. તમને આપવામાં આવેલા સ્માર્ટ ફોનનો પણ યોગ્ય ઉપયોગ કરવો જોઇએ જેનાથી બાળકોની પોષણ બાબતે વ્યક્તિગત ટ્રેકિંગ રાખી શકાય છે.

તેમણે જણાવ્યું કે, સમાજના નાગરિકોએ પણ કુપોષણ બાબતે જાગૃક બનવું ખૂબ જરૂરી છે. બાળકોના નખ કાપીને રાખવા, નિયમિત આંગણવાડી મોકલવા, બાળકોમાં સ્વચ્છતાની સુટેવો વિકસાવવા જેવી બાબતો કુંટુંબમાં જ સંસ્કાર થકી થઇ શકે છે. કુંટુંબના સભ્યોએ બાળકોના પોષણ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઇએ. સરકાર દ્વારા આપવામાં આવતું ટેક હોમ રાશન ખૂબ સંશોધન બાદ તૈયાર કરવામાં આવ્યું છે તેનો બાળકો માટે આગ્રહપૂર્વક ઉપયોગ કરવો જોઇએ. સગર્ભાવસ્થાના ૨૭૦ દિવસથી લઇને બાળકનાં ૨ વર્ષની ઉંમર સુધીનો સમયગાળો એટલે કે ૧૦૦૦ દિવસ પૂરતું પોષણ બાળકના સર્વાગી વિકાસ માટે ખૂબ જ મદદરૂપ છે. માટે આ સમયગાળા દરમ્યાન ખૂબ કાળજી લેવી જરૂરી છે.

જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે.દવેએ આ પ્રસંગે પોષણ અભિયાન સંદર્ભે સમાજ, કુંટુંબ, પોષણ ત્રિવેણી અને પાલક વાલીની ભૂમિકા સમજાવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભૂરિયાએ ગ્રામજનોને રાજય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા પોષણ અભિયાનમાં સહયોગ આપી જાગૃક નાગરિક તરીકેની પોતાની ફરજ સુપેરે નિભાવવી જોઇએ તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે મહાનુભાવો દ્વારા બાળકોની અન્નપ્રાસન વિધિ અને ટેક હોમ રાશનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગુલતોરા અને રૂપાખેડા ગામના પાંચ પાલક વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ૧૪ આંગણવાડીઓ વચ્ચે યોજાયેલી વાનગી હરીફાઇ અને બાળ તંદુરસ્તી હરીફાઇના વિજેતાઓને પણ મહાનુભાવો દ્વારા ઇનામ આપી પોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ખાંટ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકાના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકતાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.