Western Times News

Gujarati News

જાપાન પાસેથી ૧૮ બુલેટ ટ્રેન ખરીદવાની તૈયારી છે

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ભારતમાં બુલેટ ટ્રેનને લઈને ઉત્સુકતા પ્રવર્તી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ૭૦ અબજ રૂપિયામાં જાપાન પાસેથી ૧૮ સીનકાસેન બુલેટ ટ્રેન ખરીદશે. સીનકાસેન બુલેટ ટ્રેન સિસ્ટમ વિશ્વની પ્રથમ હાઈસ્પીડ ટ્રેન સિસ્ટમ છે. આ ટ્રેન ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. વડાપ્રધાન મોદી જ્યારે જાપાન ગયા ત્યારે આ ટ્રેનમાં મુસાફરી કરીને આવ્યા હતા. જાપાનના વડાપ્રધાન સાથે મોદીએ આ ટ્રેનમાં મુસાફરી કરી હતી. મોદીનો મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાલમાં ગુજરાતમાં અને કેટલીક અન્ય જગ્યાઓએ જમીન અધિગ્રહણને લઈને અડચણોનો સામનો કરી રહ્યો છે. ભારત ૧૮ બુલેટ ટ્રેન જાપાન પાસેથી ખરીદનાર છે.

આ ટ્રેન ખરીદવા માટેની સમજૂતિમાં લોકલ પ્રોડકશન માટે ટ્રાન્સફર ટેકનોલોજીનો સમાવેશ થાય છે. એક અગ્રણી અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે અમે જાપાન પાસેથી ૧૮ બુલેટ ટ્રેન ખરીદવા જઈ રહ્યા છે. દરેક ટ્રેનમાં ૧૦ કોચ રહેશે અને તેની ગતિ ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

રિપોર્ટ મુજબ સરકાર ટૂંક સમયમાં જ હાઈ સ્પીડ ટ્રેન માટે ટેન્ડર તરતા મુકશે. જેમાં જાપાની કંપનીઓ ભારતમાં બુલેટ ટ્રેન એસેમ્બલી યુનિટો સ્થાપિત કરવા માટે ભાગ લેશે. જેમાં ડિઝાઈનરો પોતાની કુશળતા રજુ કરશે. ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન સુરતથી બિલીમોરા વચ્ચે ૨૦૨૨માં દોડતી કરવાની યોજના છે. ૨૦૨૩ સુધી ૫૦૮ કિલોમીટરના સંપૂર્ણ કોરીડોર પર ટ્રેન દોડતી થશે. ૧૫ મિનિટમાં આ ટ્રેન ૫૦ કિલોમીટરના પટ્ટા પર દોડશે. મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ૧૫મી ઓગસ્ટ ૨૦૨૨ સુધી પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાની યોજના ધરાવે છે. જાપાનમાં સીનકાસેન ટ્રેનને સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

આ ટ્રેનની સિસ્ટમ હાઈસ્પીડ ટ્રેન પૈકીની વિશ્વસની પ્રથમ સિસ્ટમ છે. આ ટ્રેન ખૂબ શાનદાર રેકોર્ડ પણ ધરાવે છે. ૫૦ વર્ષના ઈતિહાસમાં વારંવારના ભૂકંપ છતાં જીરો પેસેન્જર ફેટાલિટી અકસ્માત થયા છે. આટલી જ અસરકારતા સાથે ભારતમાં જાપાન આ ટેકનોલોજીને આગળ વધારવા ઈચ્છુક છે.

વડોદરામાં હાઈ સ્પીડ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટનું નિર્માણ પણ કરવામાં આવનાર છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અખંડ ભાગ તરીકે આ પ્રોજેક્ટ રહેશે. ૬ અબજ ડોલરના આ ઈન્સ્ટીટ્યુટ નિર્માણનો પ્રોજેક્ટ મહત્વપૂર્ણ છે કારણ કે જાપાની સરકાર સાથે સમજૂતી પણ થઈ ચુકી છે. સિસ્ટમને અસરકારક રીતે ચલાવવા કુશળ મેન પાવરની જરૂર હશે. ૨૦૨૩ સુધી પુરતી કુશળતા સાથે ૩૫૦૦ કર્મચારીઓને તૈયાર કરવા પડશે. જાણકાર લોકોનું કહેવું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના હાર્ટમાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ પ્રોજેક્ટ છે. જાપાની સરકાર મોટાભાગે ફન્ડીંગ આપી રહી છે. તેમની ટેકનોલોજી પણ તેમને આપી રહી છે. જાપાની ટ્રેનરો આવશે અને બુલેટ ટ્રેન કઈ રીતે ચલાવવી તે અંગે ટ્રેનિંગ આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.