Western Times News

Gujarati News

CAA અને NRCના સમર્થનમાં વકીલો દ્વારા રેલી

અમદાવાદ: એકબાજુ, ગુજરાત સહિત દેશભરમાં મુસ્લિમ સમુદાય તરફથી સીએએ, એનઆરસીના વિરોધમાં દેખાવો અને પ્રદર્શન થઇ રહ્યા છે ત્યારે આજે ઇન્કમટેક્ષ સર્કલ પાસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાથી સુભાષબ્રીજ કલેકટર કચેરી સુધી વકીલોએ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ વિશાળ રેલી યોજી હતી અને સીએએ, એનઆરસીને લઇ લોકોમાં સાચી જાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.

ભાજપ લીગલ સેલના પ્રદેશ કન્વીનર અને ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન જે.જે.પટેલ અને બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને ડિસીપ્લીનરી કમીટીના ચેરમેન અનિલ.સી.કેલ્લાની આગેવાની હેઠળ નીકળેલી વકીલોની આ વિશાળ રેલીમાં તમામ બાર એસોસીએશનોના વકીલો ખૂબ મોટી સંખ્યામાં જાડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આગામી દિવસોમાં રાજયના અન્ય જિલ્લા-તાલુકા મથકોએ પણ વકીલો દ્વારા રેલી, મીટીંગો, સેમીનાર સહિતના કાર્યક્રમો યોજી સીએએ, એનઆરસી અંગે નાગિરકોમાં સાચી સમજ અને જાગૃતિ ફેલાવવામાં આવશે.

સીએએ, એનઆરસીના સમર્થનમાં ઇન્કમટેક્ષ ચાર રસ્તા પાસે આજે સેંકડો વકીલો બપોરે ૧-૩૦ વાગ્યે એકત્ર થયા હતા. બાઇક-સ્કુટર પર નીકળેલા વકીલોની આજની વિશાળ રેલીમાં અમદાવાદ ડિસ્ટ્રીકટ કોર્ટ બાર એસોસીએશન, સીટી સિવિલ બાર એસો. ફેમીલી કોર્ટ બાર એસોસીએશન, મહિલા વકીલો, લેબર કોર્ટ બાર એસોસીએશન, ગુજરાત કો.ઓ. બાર એસોસીએશન, ગુજરાત રેવન્યુ બાર એસોસીએશન, સેલ્સ ટેક્ષ બાર એસોસીએશન સહિતના બાર એસોસીએશનના સેંકડો વકીલો ખૂબ મોટી સંખ્યામાં ભારે ઉત્સાહ સાથે જાડાયા હતા. ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન વિજય એચ.પટેલ તેમ જ સભ્યો ભરત ભગત, શંકરસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોની પણ હાજરી નોંધનીય બની રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.