Western Times News

Gujarati News

દક્ષિણ ગુજરાતના વનબંધુ ડાંગ જિલ્લામાં રૂ. ર૬ કરોડના ખર્ચે ર૪ હાઇડ્રોલીક સ્ટોરેજ સ્ટ્રકચર-એકમ નિર્માણ માટે મંજૂરી આપી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વનબંધુ જિલ્લા ડાંગમાં વનવાસી ખેડૂતોને વ્યાપક સિંચાઇ સુવિધા મળી રહે તે માટે ડાંગ પ્રદેશની ૪ મોટી નદીઓ અને તેની પ્રશાખાઓ પર ૨૪ જેટલા મોટા હાઇડ્રોલિક સ્ટોરેજ સ્ટ્રક્ચર ચેકડેમ બનાવવા માટે ૨૬ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

ડાંગ જિલ્લાની પૂર્ણા, ગીરા, ખાપરી અને અંબિકા નદીઓ તેમજ તેની પ્રશાખા ઉપર આ ચેક ડેમ આહવા સુબીર અને વઘઈ તાલુકાના ૨૪ ગામોમાં નિર્માણ પામશે.  અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ડાંગની ભૌગોલિક સ્થિતિને કારણે જળસંગ્રહ સુવિધા નહિવત છે તેમજ ડુંગરાળ અને ઢોળાવવાળા વિસ્તાર હોવાથી પાણી વહી જવાને કારણે ચોમાસા પછી જમીનમાં જળ સ્તર નીચા જતા રહે અને સંગ્રહ થાય તેમ નથી.  એટલું જ નહિ, આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિને કારણે મોટી યોજનાઓ પણ થઈ શકે તેમ નથી.

શ્રી વિજયભાઈ રૂપાણીએ વનબંધુ કિસાનોની આ વ્યથાને પારખીને તેનો સુચારુ ઉપાય શોધવા અધિકારીઓને આપેલી સૂચનાને પગલે સબંધિત વિભાગના અધિકારીઓએ ડાંગની સ્થળ મુલાકાત લઈને આ કામોની શક્યતા ચકાસી આપેલા અહેવાલોને મુખ્યમંત્રીશ્રીએ મંજુરીની મહોર મારી છે.

તદ્દઅનુસાર, અંબિકા અને ખાપરી નદી તથા તેની ડિસ્ટ્રીબ્યુટરી (પ્રશાખાઓ) પર જે કામો હાથ ધરાશે તેમાં વધઇ તાલુકાના આહેરડી, હુંબાપાડા, બોરદહાડ, શિવારીમાળ, ચીરાપાડા અને સુપદહાડ તેમજ આહવાના બીલમાળ, ડોન, પાંડવા અને વાકી (ઉમરીયા) ગામોમાં કુલ ૧૦૭૦.૮૭ લાખના ખર્ચે ૧૦ ચેકડેમ હાઇડ્રોલીક સ્ટ્રકચર બનવાના છે.

આ ઉપરાંત, પૂર્ણા, ગીરા અને ખાપરી નદી અને તેની પ્રશાખાઓ પર જે કામ હાથ ધરાશે તેમાં વધઇના ખોપરીઆંબા, વાંકન, કાલીબેલ, પાંઢરમાળ તથા સુબિર તાલુકાના હારપાડા, ગારખડી, ડુમર્યા, કાટીસ, ધુલધા તેમજ આહવાના ધવલીદોડ અને નાંદનપેડા ગામોમાં કુલ ૧૬૦૩.૧૬ લાખના ખર્ચે આવા ૧૪ હાઇડ્રોલીક સ્ટ્રકચર ચેકડેમ નિર્માણ થશે.

આ યોજનાઓ પૂર્ણ થવાથી સારા પ્રમાણમાં વરસાદી પાણી સંગ્રહિત થવાને કારણે  ડાંગના વનબંધુ ધરતીપુત્રોને વધુ સિંચાઇ સુવિધા મળશે. ઉનાળાની ઋતુમાં પણ પાક લઈ શકશે તેમજ ખેત પેદાશોમાં વધારો થશે અને આર્થિક સ્થિતિમાં સુધાર આવશે.  આ ઉપરાંત, વરસાદની અનિયમિતતા સમયે સંગ્રહ થયેલા પાણીથી પાક બચાવી શકાશે, પશુ પ્રાણીઓને પીવાના પાણીની સગવડ મળશે તેમજ ચેકડેમ બાંધકામથી જળસંગ્રહને પરિણામે આજુબાજુના વિસ્તારના ભૂગર્ભજળ સ્તર ઊંચા આવવાથી ખેડૂતોને સિંચાઇની પરોક્ષ સવલતો મળતી થવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.