Western Times News

Gujarati News

પ્રાકૃતિક કૃષિ જ ભારતની શ્રેષ્ઠ  પરંપરાગત કૃષિ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત  
બાયડ  ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી વિષયક ખેડૂત સંમેલન યોજાયું 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત આચાર્યજીએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ જ ભારતની શ્રેષ્ઠ પરંપરાગત ખેતી છે  તેમણે જણાવ્યુ હતુ કે રાસાયણિક કૃષિના દુષ્પરીણામ સામે  સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ડ વિકલ્પ છે. રાજયપાલ શ્રીએ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ગાયત્રી પરીવાર દ્વારા આયોજીત સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી વિષયક ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પ્રાકૃતિક કૃષિ સાથે ૫૦૦ કિસાનોને જોડવા પ્રયાસ કર્યો અને જોતજોતામાં ૧૦ હજાર કિસાનો આ કૃષિ સાથે જોડાઇ ગયા.

તેમણે જણાવ્યું હતું કે, હરિયાણા ગુરૂકુલ કુરૂક્ષેત્રમાં ૨૦૦ એકર જમીન અને ૩૦૦ ગાય સાથે તેમણે જયારે રાસાયણિક ખેતી કરતા  ત્યારે કૃષિ ખર્ચ દર વધતો ગયો અને ઉત્પાદન ઘટ્યું જમીનની ફળદ્રુપતા ઘટી તેથી તેમણે જૈવિક કૃષિ તરફ વળવાનું નક્કી કર્યું. તેમાં પણ ઉત્પાદન વધ્યું નહીં.

ત્યારબાદ સુભાષ પાલેકરજીના સંપર્કમાં આવ્યા બાદ પ્રાકૃતિક ખેતી અપનાવી અને શ્રેષ્ઠ પરીણામો મેળવ્યા.  તેમણે જણાવ્યું હતું કે, ઓર્ગેનિક અર્થાત જૈવિક ખેતીમાં ત્રણ વર્ષ સુધી ઉત્પાદન ઘટે છે કૃષિ ખર્ચ વધે છે. આજે જૈવિક-ઓર્ગેનિકના નામે કેટલાય ધંધા થાય છે. કૃષિની બધી જ પદ્ધતિમાં વિકાસના નામે ખેડૂતોના ખિસ્સામાંથી પૈસા જાય છે. ખેડૂતોની લૂંટ ચાલતી રહે છે.તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોના સંર્વાગી વિકાસ માટે એવી કૃષિ પધ્ધતિ આવશ્યક છે કે જેથી  ગામના પૈસા ગામમાં, શહેરના પૈસા પણ ગામમાં આવે આ માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, બધી કૃષિ પદ્ધતિમાં ખેડૂતોને જ અંતે સહન કરવાનું આવે છે. ખેડૂત દેવાદાર બન્યો અને આત્મહત્યા તરફ વળ્યો. તેમણે ઉમેર્યું કે, પાલેકરજી પધ્ધતિમાં ખેતીમાં એક દેશી ગાય દ્વારા ૩૦ એકરની ખેતી થઇ શકે છે. રાજ્યપાલશ્રીએ દેશી ગાયના છાણ-ગૌ મૂત્ર, ગોળ, બેસન અને માટીના મિશ્રણથી જીવામૃત – ચાર દિવસમાં તૈયાર થાય છે. તેના લાભ પણ દર્શાવ્યા હતા. તેમણે એમ જણાવ્યું હતું કે, દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જીવાણુ હોય છે.

આ જીવાણું જ જમીનની ફળદ્વપતા માટે અગત્યના છે. જીવામૃત – ઘન જીવામૃતમાં આવા કરોડો જીવાણુઓ હોય છે. જે કૃષિ પાકના મૂળ સાથે સહજીવન કરી પાકને પોષણ આપે છે. દુનિયામાં આનાથી શ્રેષ્ઠ પદ્ધતિ કોઇ નથી તેમ જણાવી તેમણે ઉમેર્યુ હતુ કે  પોતાની ૨૦૦ એકર જમીનમાં થઇ રહેલી પ્રાકૃતિક કૃષિ અંતર્ગત એક રૂપિયાનો સામાન બજારમાંથી ખરીદ્યા વિના શ્રેષ્ઠ ઉત્પાદન મેળવવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ જ ભારતની પરંપરાગત કૃષિ હોવાનું તેમજ ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ જ શ્રેષ્ઠ ઉપાય છે. તેમ જણાવી તેમણે આવનારી પેઢીને ઉપજાઉ જમીન વારસામાં આપવા પાણીની બચત, પર્યાવરણની રક્ષા, દેશી ગાયની રક્ષા, રોગમુક્ત સ્વસ્થ જીવન અને ખેતી-ખેડૂતના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક  કૃષિ અપનાવવા રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

આજે પરંપરાગત ખેતી, રાસાયણીક, સજીવ, વૈદિક યોગિક અને પ્રાકૃતિક ખેતીના વિકલ્પ છે. તેમાં હવે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી એક સક્ષમ વિકલ્પ ઉભો થયો છે. રાસાયણિક ખેતીમાંથી ઉત્પન્ન થયેલો ઘાસચારો પશુઓને ખવડાવીએ છીએ તો તેમની વિષ્ટામાંથી પણ ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે આ પરિસ્થિતિ નિવારવા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. આ એવી પદ્ધતિ છે કે જેમાં રાસાયણિક ખાતર, ઝેરી જંતુનાશકો કે બીજી કોઇ વસ્તુની જરૂર નથી પડતી. આ પદ્ધતિમાં ગાયનું છાણ-મુત્ર તથા અન્ય ઘરેલુ વસ્તુઓથી બનતા જીવામૃતનો ઉપયોગ થાય છે. ખેડૂતો એક એકરમાં માત્ર ૧૦ ટકા પાણી હોય તો પણ પ્રતિવર્ષ રૂપિયા ૩ થી ૬ લાખ કમાઇ શકે તેવી આકર્ષક પદ્ધતિ છે, એમ તેમણે ઉમેર્યું હતું.


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની રાજ્ય સરકાર કૃષિ કલ્યાણ માટે અનેકવિધ કાર્યો કરી રહી છે. તેમાં સહભાગી બની પ્રાકૃતિક ખેતીના આ અભિયાનમાં જોડાવા તેમણે ખેડૂતોને આહવાન કર્યુ હતું અને જણાવ્યું હતું કે, ગામે ગામના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને રાસાયણિક ઝેરયુક્ત  ખેતીથી દૂર રહી ધરતીને બંજર બનાવતા અટકે.

તેમણે વધુમાં ઉમેર્યુ  કે, રાષ્ટ્રના નિર્માણમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યુ છે તો પ્રાકૃતિક ખેતીની પહેલ કરી એવા ફળ અને શાકભાજીનું ઉત્પાદન થાય કે વિદેશમાં તેની માંગ ઉભી થાય તે દિશામાં ખેતી કરવા અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીમાં સૂર્ય શક્તિ, વાયુ શક્તિ અને જીવાણુ શક્તિના સંયોજનથી ઓછા ખર્ચે મબલખ ઉત્પાદન અને મબલખ આવકનો નવતર અભિગમ સૌ ખેડૂતો અપનાવશે તો, ખેડૂતો ચોક્કસ સદ્ધર બનશે.

આ પ્રસંગે ડૉ. પ્રણવ પંડ્યાએ જણાવ્યું હતુ કે, ભારતએ વિવિધતાઓથી સભર દેશ છે. જે ખેતી,ધર્મ અને સંસ્કૃતિ આધારીત છે. ભારતીયત સંસ્કૃતિના મૂળમાં ધર્મ છે. આ આધ્યાત્મિક ચિંતનની ભૂમિ છે. તેમણે રાસાયણિક ખાતરના પ્રોત્સાહકનીતિથી જમીનને નુકશાન થઇ રહ્યુ છે તેથી પ્રાકૃતિક ખેતી માટે ધરતીમાતા માટે પવિત્ર ભોજનની વ્યવસ્થા કરવી જરૂરી છે. ગુજરાતએ સંતોની પવિત્ર ભૂમિ છે. જે સમગ્ર દેશને અસર કરે છે. ડેરી ઉધોગથી શરૂ થયેલ દૂધક્રાંતિ આજે દેશભરના ગામે ગામ પહોંચી છે.

ખેડૂત સંમેલનમાં ગુજરાતના પ્રાકૃતિ ખેતીના સંયોજક શ્રી પ્રફૂલભાઇ સેજલીયા, બંસી ગૌ શાળાના શ્રી ગોપાલભાઇ સુતરીયા, જળ વિશેયજ્ઞ શ્રી યોગેન્દ્રગીરી, દેવ સંસ્કૃતિ વિધાલયના ડૉ. આર.કે.ગુપ્તા, ખેડૂત અગ્રણી શ્રી મગનભાઇ પટેલ, ,આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી આર.સી. વ્યાસ , ગાયત્રી પરિવારના ગુજરાત પ્રાંતના સંયોજકશ્રી અશ્વિનભાઇ જાની, જિલ્લાના સંયોજક શ્રી મનહરભાઇ પટેલ, જિલ્લા સમાહર્તા શ્રી અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ.અનિલ ધામેલીયા , જિલ્લા પોલીસ વડા શ્રી મયુર પાટીલ સહિત જિલ્લામાંથી મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.