Western Times News

Gujarati News

આગામી વર્ષમાં ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશમાં નંબર વન બનાવીએ : ભુપેન્દ્રસિહ ચુડાસમા

અંબાજી મુકામે શિક્ષણ મંત્રીશ્રી  ભુપેન્દ્રસિહ ચુડાસમાની ઉપસ્થિતીમાં રાજ્ય આચાર્ય સંઘનુ શૈક્ષણિક અધિવેશન યોજાયુ : મૂલ્યનિષ્ઠ શિક્ષણ દ્વારા આદર્શ અને સુખી-સમૃધ્ધ સમાજનુ નિર્માણ કરીએ. પુજ્ય સંતશ્રી નિખીલેશ સ્વરાનંદજી.

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે શિક્ષણ,કાયદો અને ન્યાયતંત્ર તથા વૈધાનિક અને સંસદિય બાબતો વિભાગના મંત્રીશ્રી ભુપેન્દ્રસિહ ચુડાસમાની ઉપસ્થિતીમાં રાજ્ય આચાર્ય સંઘનુ ૫૦ મુ સ્વર્ણિમ  શૈક્ષણિક અને વહિવટી  અધિવેશન યોજાયુ હતુ. આ પ્રસંગે મંત્રીશ્રીએ રાજ્ય આચાર્ય સંઘને અભિનંદન અને શુભેચ્છા પાઠવતા જણાવ્યુ હતુ કે, સમગ્ર રાજ્યમા શિક્ષણ ક્ષેત્રે આમુલ પરિવર્તન આવ્યુ છે.

છેવાડાના અને આંતરિયાળ વિસ્તારો સહિત ઠેર-ઠેર શિક્ષણની વ્યાપક સૂવિધાઓ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે, શાળાઓમાં પુરતી સંખ્યામાં શિક્ષકો અને આચાર્યશ્રીઓની ભરતી કરવામાં આવી છે તેમજ જરૂરી તમામ સૂવિધાઓ  ઉપલબ્ધ બનાવીને  શાળાઓને સૂવિધા-સજ્જ બનાવવામાં આવી છે. પરિણામદાયી પ્રયાસો વડે આગામી વર્ષમાં ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશમાં નંબર વન બનાવવા મંત્રીશ્રીએ ભાર-પૂર્વક અનુરોધ કરતા ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતુ.

શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિહ ચુડાસમાએ જણાવ્યું કે, શિક્ષણ,સંસ્કારો અને જ્ઞાનની વાત ઘેર-ઘેર અને જન-જન સુઘી પંહોચાડવાનુ પવિત્ર કાર્ય શિક્ષકો અને આચાર્યશ્રીઓ કરે છે. વિધાર્થીઓ શિક્ષકો અને આચાર્યશ્રીઓ પાસેથી પ્રેરણા મેળવી અનુસરણ કરે છે.,તેથી પોતાના શ્રેષ્ઠ આચરણ વડે સમૃધ્ધ અને સુખી સમાજના યશભાગી બનવા  આચાર્યશ્રીઓને તેમણે અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિધાર્થીઓને પોતાના શિક્ષકો-આચાર્યશ્રી ઉપર અપાર ભરોસો હોવાથી તેમની સાથે હકારાત્મક અને વાત્સલ્યસભર અભિગમ કેળવી વિધાર્થીઓનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધારી કાળજીપૂર્વક માર્ગદર્શન આપીએ. મંત્રીશ્રી ચુડાસમાએ કહ્યું કે,

વિધાર્થીઓમાં કઇક કરી છુટવાની અપાર ચાહના, ખંત અને ઉત્સાહ હોય છે ત્યારે વિધાર્થીઓમાં છુપાયેલી શક્તિઓ બહાર લાવીને ઉજ્જવળ અને સુખમય કારકિર્દી બનાવે તે માટે મદદરૂપ બનીએ.મંત્રીશ્રી ભુપેન્દ્રસિહ ચુડાસમાએ જણાવ્યું કે, બોર્ડની પરિક્ષા આપતા દરેક વિધાર્થી સાથે સંવેદના-પૂર્વક અભિગમ કેળવી તેનો પરિક્ષાનો ડર દુર કરીએ તેમજ વિધાર્થી અને તેના પરિવારને હિંમત આપીએ કે, એક પરિક્ષાના પરિણામથી જ જીવનની સફળતા,નિષ્ફળતા નથી ગણાતી,

કોઇ  વિધાર્થી જીવનલીલા ન સંકેલે તે માટે વિધાર્થીઓ સાથે સંવેદના-સભર અને વાત્સલ્યભાવનો અભિગમ કેળવવા મંત્રીશ્રીએ આચાર્યશ્રીઓ અને શિક્ષકોને ભારપૂર્વક જણાવ્યું હતુ. નિયમિતતા,નમ્રતા,શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના ગુણો વિધાર્થીઓમાં સારી રીતે કેળવાય તેવુ શ્રેષ્ઠ ઘડતર કરવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

પૂર્વ મંત્રીશ્રી   અને બનાસડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરીએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યુ કે, સમય પ્રમાણે જરૂરી બદલાવ લાવીએ તેમજ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા જ્ઞાન અને માહિતીનો વ્યાપ વધારીને વિધાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવુ ઘડતર કરીએ.

તેમણે કહ્યું કે, માણસને જીવનભર ઉપયોગી થાય તેવુ ઉત્તમ શિક્ષણ આપીએ. પુર્વ મંત્રીશ્રી શંકરભાઇ ચૌધરીએ  કહ્યું કે, આ સરકારના વિરાટ પ્રયાસોને લીધે રાજ્યભરમાં શિક્ષણક્ષેત્રે આમુલ પરિવર્તન આવ્યુ છે. તેમણે કહ્યું કે, બનાસડેરી ભારતમાં જ નહી પરંતુ સમગ્ર એશિયા ખંડમાં પ્રથમ નંબરનુ ગૌરવભર્યુ સ્થાન ધરાવે છે. બનાસડેરી દ્વારા પશુ-પાલકોના બેંક ખાતામાં દર મહિને રૂ.૬૦૦ કરોડની માતબર રકમ જમા કરાવવામાં આવે છે એમ તેમણે કહ્યું હતુ.

 શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના પૂજ્ય સંતશ્રી નિખીલેશ સ્વરાનંદજીએ રાજ્ય આચાર્ય સંઘના પચાસમાં સ્વર્ણિમ  શૈક્ષણિક અને વહિવટી  અધિવેશન પ્રસંગે સંઘને અભિનંદન અને આશિર્વાદ આપ્યા હતા. તેમણે કહ્યું કે, મુલ્યનિષ્ઠ શિક્ષણ દ્વારા આદર્શ અને સુખી-સમૃધ્ધ સમાજનુ નિર્માણ કરીએ. પૂજ્ય સંતશ્રીએ આચાર્યશ્રીઓ અને શિક્ષકોને જણાવ્યું કે, પોતાના આચરણ દ્વારા વિધાર્થીઓને પ્રેરણા આપીએ. તેમણે કહ્યું કે, માહિતીનો સંચય એ કેળવણી નથી પરંતુ શ્રેષ્ઠ સંસ્કારો સાથેનુ ઉત્તમ ઘડતર કરીએ. ઉલ્લેખનિય છે કે, સંતશ્રી   નિખીલેશ સ્વરાનંદજીએ સુધારણા અને મુલ્યનિષ્ઠ શિક્ષણ માટે સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે, તેમજ શિબિરો પણ કરી છે.

પ્રારંભમાં રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખશ્રી જયપ્રકાશભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરતા સંઘની પ્રવૃત્તિઓની  વિગતો આપી હતી. આ પ્રસંગે નવનિત પ્રકાશનના જોઇન્ટ મેનેજીંગ ડીરેક્ટરશ્રી રાજુભાઇ ગાલા ભાવિન પ્રકાશનના શ્રી ગોવિંદભાઇ પટેલ,રાજ્ય આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખો સર્વશ્રી નર્મદભાઇ ત્રીવેદી,શ્રીનારણભાઇ પટેલ,શ્રી એચ.કે.દવે,શ્રી એન.ડી.જાડેજા સહિત આચાર્ય સંઘના વિવિધ હોદ્દેદારશ્રીઓ અને વિશાળ સંખ્યામાં રાજ્યભરના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.