Western Times News

Gujarati News

ઘરમાં CCTV લગાવવાના મુદ્દે પતિ-પત્નિ વચ્ચે મારામારી

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ઘરેલુ હિંસાની ઘટનાઓ વચ્ચે પોલીસતંત્ર આવા કિસ્સાઓમાં ત્વરિત કામગીરી કરી રહયું છે અને હવે મહિલાઓ પણ હિંમત દાખવીને ફરિયાદો નોંધાવવા લાગી છે આ પરિસ્થિતિ  વચ્ચે શહેરના નવરંગપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં વહેપારીએ પત્નિ સાથે છુટાછેડા લેવા માટે કોર્ટમાં અરજી કરેલી છે.

આ દરમિયાનમાં પોતાની માતા પર ત્રાસ ગુજારાતો હોવા ઉપરાંત ઘરની પરિસ્થિતિ પર નજર રાખવા માટે ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરા પત્નિએ તોડી નાંખ્યા બાદ ફરી વખત કેમેરા લગાવવાની કાર્યવાહી કરાતા પતિ-પત્નિ  વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બંને પક્ષોના પરિચિતો આવી પહોંચતા મામલો ઉગ્ર બન્યો હતો.

વૃધ્ધાએ પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતાં અને તેમની સમજાવટ છતાં મામલો થાળે નહી પડતા આખરે તમામને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા અને આ મુદ્દે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ ચોંકાવનારી અને ચર્ચાસ્પદ ઘટનાની વિગત એવી છે કે શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશન હેઠળના ગુલબાઈ ટેકરા પર આવેલા સમર્પણ ફલેટની સામે ન્યુ વૈભવ ફલેટમાં રહેતા વહેપારી પ્રકાશ અશોક તોતલાણી ફર્નિચરનો વહેપાર કરે છે થોડા સમય પહેલા લગ્ન જીયા નામની યુવતિ સાથે થયા હતા અને લગ્ન જીવન દરમિયાન બે સંતાનો પણ થયા છે

પ્રારંભમાં ગૃહસંસાર સારી રીતે ચાલ્યા બાદ પતિ-પત્નિ  વચ્ચે અણબનાવ વધવા લાગ્યા હતાં અને અવારનવાર ઝઘડા થતાં પ્રકાશ માનસિક રીતે ત્રસ્ત બની ગયો હતો બંને વચ્ચે વધતી જતી તકરારોના પગલે પ્રકાશભાઈએ પત્નિ  જીયાને છુટાછેડા આપવાનો નિર્ણય કર્યો હતો અને આ માટે તેમણે ફેમિલી કોર્ટમાં અરજી પણ કરી હતી.

પતિ-પત્નિ  વચ્ચે અણબનાવના પગલે છુટાછેડા માટેની અરજી કોર્ટમાં કરી હતી અને  પત્નિ જીયા પતિ સાથે જ તેના ઘરમાં રહેતી હતી છુટાછેડા માટેની અરજી થતાં જ જીયાએ તેની સાસુ પર ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે જેના પગલે પ્રકાશભાઈ ખુબ જ વ્યથિત બની ગયા હતાં.

ઘરમાં તેમની ગેરહાજરીમાં સર્જાતી સ્થિતિનો ઉકેલ લાવવા માટે ફલેટના તમામ રૂમોમાં તેમણે સીસીટીવી કેમેરા લગાવ્યા હતાં જેના પરિણામે તે કોઈપણ સ્થળ પર હોય ત્યારે ઘરમાં બનતી તમામ ઘટનાઓ નિહાળી શકતા હતા આ દરમિયાનમાં પત્નિ જીયાએ સીસીટીવી કેમેરા કઢાવી નાંખ્યા હતાં જેનાથી પ્રકાશભાઈએ તેનો વિરોધ કર્યો હતો અને બંને વચ્ચે બોલચાલી પણ થઈ હતી.

પ્રકાશભાઈએ ફરી એક વખત ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો હતો અને આ માટે તેમણે કામ જે તે કંપનીને આપ્યુ હતું ઓર્ડર મળતા જ કંપનીના કર્મચારીઓ ફરીથી કેમેરા લગાવવા ગઈકાલે આવ્યા હતાં. કેમેરા લગાવવા માટે કર્મચારીઓ આવી પહોંચતા જીયા ઉશ્કેરાઈ ગઈ હતી અને પ્રકાશભાઈ સાથે બોલાચાલી કરવા લાગી હતી એટલું જ નહી પરંતુ પતિ પ્રકાશને લાફો પણ મારી દીધો હતો.
ઝઘડો ઉગ્ર બનતા આસપાસના લોકો પણ આવી પહોંચ્યા હતાં ઉશ્કેરાયેલી જીયાએ સીસીટીવી કેમેરા લગાવવા આવેલા કર્મચારીઓને પણ કાઢી મુકયા હતાં ઘરમાં ઝઘડો ખૂબ ઉગ્ર બનતા ગભરાઈ ગયેલી પ્રકાશભાઈની માતાએ તાત્કાલિક પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા હતાં

જાકે તે પહેલા જીયાનો બનેવી જીતુભાઈ તથા તેના પિતા ભગવાનદાસ પણ આવી પહોંચ્યા હતા અને તેઓ પણ પ્રકાશને ધમકીઓ આપવા લાગ્યા હતાં આ દરમિયાનમાં આવી પહોંચેલા પોલીસ અધિકારીઓએ બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મામલો થાળે નહી પડતાં આખરે પોલીસ અધિકારીઓએ તમામને પોલીસ સ્ટેશને લઈ જવાની ફરજ પડી હતી.

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં તમામને લાવવામાં આવતા એકબીજા પર ઉગ્ર આક્ષેપો કરવા લાગ્યા હતાં આ દરમિયાનમાં જીયાની માતા હેમાબહેન પણ આવી પહોંચ્યા હતા અને તેમણે પ્રકાશભાઈની માતાને ધમકીઓ આપવા લાગી હતી.

પ્રકાશભાઈએ ઉપરોકત આક્ષેપો સાથેની ફરિયાદ નોંધાવતા નવરંગપુરા પોલીસે પ્રકાશની પત્નિ જીયા તથા જીતુભાઈ, ભગવાનદાસ અને હેમાબહેન વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ પ્રકાશભાઈની પત્નિ જીયાએ પણ પ્રકાશ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેની સાથે મારઝુડ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

જીયાએ પતિ ઉપરાંત પાડોશમાં રહેતા એક  દંપતી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના પગલે નવરંગપુરા પોલીસે બંને પક્ષો વિરૂધ્ધ સામસામે ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં આ સમગ્ર ઘટના ખૂબ જ ચર્ચાસ્પદ બની ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.