Western Times News

Gujarati News

LRD ની ભરતી પ્રક્રિયામાં કોઈ પણ બહેનને અન્યાય નહીં થાય : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે,  LRD ની ભરતી પ્રક્રિયામાં કોઈ પણ બહેનને અન્યાય નહીં થાય. મુખ્યમંત્રીશ્રી કહ્યું કે આ સમસ્યાનો કાયદાકીય રીતે ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી આગળ વધી રહી છે.

તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસ આ મામલામાં રાજકીય લાભ લેવા માટે દર વખતની જેમ કૂદી પડી છે, પણ ગુજરાતની પ્રજા તેમની મુરાદ બર નહીં આવવા દે. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પોતાનું બળતું ઘર સાચવી શકતી નથી અને આવા આંદોલનોમાં રાજકીય લાભ ખાટવા મેદાને પડે છે.

શ્રી વિજયભાઈએ કહ્યું કે, આ પ્રશ્નમાં કોઈને અન્યાય ન થાય તે માટે રાજ્ય સરકાર કાનૂની પરિપ્રેક્ષ્યમાં વિવિધ રાજ્યોની હાઈકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરીને યોગ્ય નિર્ણય કરશે. તેમણે કહ્યું કે, છેલ્લા 45 દિવસથી વાટાઘાટો ચાલી રહી છે અને સરકાર આ ભરતીમાં 33 ટકા મહિલા અનામત બાબતે કાનૂની રાહે ઉકેલ આણશે.

કોંગ્રેસને આડે હાથ લેતા વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું કે,અગાઉ પણ કોંગ્રેસ માત્ર રાજકીય લાભ લેવા હવાતિયા મારી ચૂકી છે, પણ આંદોલન સાથે જોડાયેલા લોકો કોંગ્રેસને ઓળખી ગયા છે એટલે તે ભરમાશે નહીં અને કોંગ્રેસની મેલી મુરાદ સફળ નહીં થાય. શ્રી વિજયભાઈએ કહ્યું કે, આ અગાઉ 17હજારથી વધુ યુવાનોની પોલીસ દળમાં પારદર્શક રીતે ભરતી કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે રાજ્ય સરકાર સંપૂર્ણ સંવેદનાથી પ્રશ્નોનું નિરાકરણ લાવે છે અને LRD ભરતીમાં પણ આ જ સંવેદનાથી નિર્ણય લેવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.