Western Times News

Gujarati News

કેનેડાના વિઝા અપાવવાના બહાને મહિલા સાથે રૂ.૧૪ લાખની છેતરપીંડી

રૂપિયાની ઉઘરાણી કરતા બંને શખ્સોએ હત્યાની ધમકી આપતા સોલા પોલીસે ગુનો દાખલ કરી હાથ ધરેલી તપાસ

(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયમાંથી વિદેશ ભણવા જવા માટે વિદ્યાર્થીઓ દ્વારા કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે પરંતુ આ પરિસ્થિતિનો  લાભ કેટલાક ગઠીયાઓ ઉઠાવતા હોય છે અમદાવાદ શહેરમાં હાલ વિદેશ જવા માટે ઈચ્છુક નાગરિકો માટે વિઝા સહિતની કામગીરી કરતી અનેક એજન્સીઓ કાર્યરત છે તેમ છતાં ભેજાબાજ ગઠીયાઓ આવા નાગરિકો સાથે છેતરપીંડી આચરતા હોય છે.

આવી જ એક ફરિયાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં એક મહિલાને તેના પરિવારજનોને કેનેડાના વર્ક પરમીટ સાથેના વીઝા અપાવવાના બહાને બે શખ્સોએ રૂ.૧૪ લાખ ઉપરાંતની રકમ પડાવી લેતા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના સોલા પોલીસ સ્ટેશન હેઠળના સાયન્સ સીટી રોડ પર હારમનીસ બંગ્લોમાં રહેતા જીગીષાબહેન મુકેશભાઈ રાજપુત નામની મહિલા સીલ્વર ઓક એન્જીનીયરીંગ કોલેજમાં કેન્ટીન ચલાવે છે બે વર્ષ પહેલા આ કેન્ટીનમાં અવારનવાર આવતાર અપૂર્વ દિનેશભાઈ પટેલ નામના યુવક સાથે વાતચીત થઈ હતી જેમાં અપૂર્વએ વિઝાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું.

જીગીષાબહેને પોતાના પરિવારને કેનેડામાં વર્ક પરમીટ સાથેના વિઝા અપાવવા માટે જણાવ્યું હતું. અપૂર્વએ પણ ખાતરી આપી હતી. અપૂર્વની સાથે કબીર મુનીર નામનો યુવક પણ આવતો હતો આ બંને મિત્રોએ જીગીષાબહેનનો વિશ્વાસ મેળવી લીધો હતો. અપૂર્વ રન્નાપાર્ક વિસ્તારમાં રહે છે જયારે કબીર સાયન્સ સીટી રોડ પર રહે છે.

આ બંને મિત્રોએ ર૦૧૮ના વર્ષમાં કેનેડાના વિઝા અપાવવાની ખાતરી આપી આ માટે નોંધણી કરાવવા રૂ.૧૧ હજારનો ચેક લીધો હતો. જીગીષાબહેને તેમના પતિ મુકેશભાઈ તથા બે બાળકોના વિઝા મેળવવા માટે રૂ.૪૭ લાખ આપવાનું નકકી કર્યું હતું. આ દરમિયાનમાં ર૦૧૯ના વર્ષમાં અપૂર્વએ કેનેડાની એક કંપનીનો જાબ લેટર જીગીષાબહેનને બતાવ્યો હતો.

જેના પગલે જીગીષાબહેનને વધુ વિશ્વાસ બેઠો હતો અને તેમણે પ લાખ રૂપિયા રોકડા આપ્યા હતાં જાકે તેની સામે અપૂર્વએ કોરો ચેક પણ આપ્યો હતો. આ દરમિયાનમાં જાબ લેટર નહી આપતા જીગીષાબહેને ઉઘરાણી કરી હતી જેના જવાબમાં અપૂર્વએ જણાવ્યું હતું કે તમારી આઈએલટીએસ પરીક્ષામાં બેન્ડ ઓછા આવ્યા હોવાથી ફરી પરીક્ષા આપવી પડશે આ દરમિયાનમાં કબીરે એક કેનેડાની કંપનીમાં કામ કરતી સીમા નામની મહીલા સાથે વિડીયો કોલ કરી જીગીષાબહેનનો ઈન્ટરવ્યુ લેવડાવ્યો હતો અને ટુંક સમયમાં જ જાષ લેટર મળી જશે તેવી ખાતરી આપી હતી.

આ દરમિયાનમાં બીજી રીતે વીઝા અપાવવાની વાત કરી હતી અને જુલાઈ મહિનામાં ફરી વખત આ બંને યુવકોએ જીગીષા બહેન પાસેથી રૂ.પ લાખ લઈ લીધા હતાં પરંતુ જીગીષાબહેનના પરિવારના કોઈ જાબ લેટર આવ્યા ન હતાં આ દરમિયાન ર૧.૮.૧૯ના રોજ બીજા બે લાખ રૂપિયા આ બંને યુવકોએ પડાવી લીધા હતાં. ત્યારબાદ બંને યુવકોએ જીગીષાબહેનના ઘરે જઈ જણાવ્યું હતું કે તમારા જાષ લેટર આવી ગયા છે અને હવે ટિકિટ કઢાવી પડશે જેના બદલે બે લાખ રૂપિયા આપવા પડશે આવુ કહી બંને યુવકોએ જીગીષાબહેન પાસેથી કુલ રૂ.૧૪ લાખની રકમ પડાવી લીધી હતી.

વિઝા લેટર નહી આવતા જીગીષાબહેને અપૂર્વ અને કબીર પાસે રૂપિયાની ઉઘરાણી કરતા બંને યુવકોએ ધમકીઓ આપવાની શરૂઆત કરી હતી અને અકસ્માત કરી હત્યાની ધમકી આપતા જીગીષાબહેન ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક સોલા પોલીસ સ્ટેશને પહોચી જઈ સમગ્ર હકીકત જણાવતા પોલીસ અધિકારીઓ પણ સતર્ક બની ગયા હતાં સોલા પોલીસે આ અંગે જીગીષાબહેનની ફરિયાદ લઈ અપૂર્વ અને કબીર વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.