Western Times News

Gujarati News

માનવશરીરને નવજીવન બક્ષતી પ્રકૃતિની અનુપમ ભેટઃ વિવિધ કઠોળ

કઠોળ વર્ગનું “મગ” એ માનવી માટે સંજીવની બુટી સમાન- પ્રોટીનયુકત કઠોળ એ માનવજીવનનું જીવનદાતા અને પોષણદાતા- ભારત વિશ્વમાં કઠોળનો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક દેશ છે

ગુજરાત કઠોળના ઉત્પાદનમાં ઉતરોત્તર પ્રગતી કરતું રાજય, કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૭-૧૮માં “કૃષિ કર્મણ એવોર્ડ” એનાયત

( રશ્મિન યાજ્ઞિક, માહિતી ખાતું, રાજકોટ) આપણી પૌરાણિક આયુર્વેદ પધ્ધતીમાં રસચિકિત્સામાં સમતોલ આહારને સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ પરીબળ ગણાવ્યું છે. દૈનીક આહારમાં ચરબીયુકત આહાર, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ફાઇબરયુકત આહાર સાથે સમતોલ આહારને પ્રધાન્ય આપવામાં આવ્યું છે. કઠોળ વિવિધ પ્રકારની વનસ્પતિનાં બીજ છે જે વાર્ષિક ઉપજ છે અને વિવિધ પ્રકારના અલગ દેખાવ અને કદ વાળા હોય છે.

કઠોળ મનુષ્ય અને પશુઓના ખોરાક માટે વપરાય છે. કઠોળ ખોરાકમાં જરૂરી છે કારણ કે તેમાં પ્રોટીન અને એમીનો એસીડની માત્રા વધારે હોય છે. તુવેર, ચણા, અડદ, મગ, મઠ, ચોળી, વટાણા, રાજમા, સોયાબીન, કળથી, મસુર સહિત અનેક પ્રકારના કઠોળનો રોજબરોજના આહારમાં વપરાશ થાય છે. કઠોળમાં ખાસ કરીને મગને સંજીવની બુટી સમાન ગણાવાયું છે. મગ એ માંદા વ્યક્તિને પણ બેઠું કરવાની ક્ષમતા ધરાવતું અને નવજીવન બક્ષતું કઠોળ પ્રજાતીનું ખેતઉત્પાદન છે. “મગ ચલાવે પગ” એ ઉક્તિ જીવનને સ્વસ્થ અને તંદુરસ્તી માટે મહત્વપુર્ણ હોવાની સાબીતી પુરી પાડતું આયુર્વેદનુ પ્રચલીત વિધાન છે.

ભારતમાં કઠોળની મહિમા પૌરાણીક સમયથી જ ચાલતી આવે છે. જુના પુરાતત્વીય સ્થળોએ પણ કઠોળના અવશેષો પ્રાપ્ત થયા છે. ભારતમાં પણ પુરાતાત્વીક સ્થળોએ મગના કાર્બોદિત દાણાઓ મળ્યા છે. ૃઆ ક્ષેત્રો છે

હડ્ડપન સંસ્કૃતિ ક્ષેત્રનો પૂર્વ ભાગ જે પંજાબ અને હરિયાણામાં આવેલ છે. આ ક્ષેત્રમાં મળેલા દાણા ૪૫૦૦ વર્ષ જુના હોવાનું જણાયું છે. દક્ષીણ ભારતના કર્ણાટક રાજ્યમાં ૪૦૦૦ વર્ષ જુના મગના દાણાં મલ્યાં છે. દક્ષિણ ભારતમાં ૩૫૦૦ થી ૩૦૦૦ વર્ષ જુના મોટા કદના મગના દાણા મળ્યા છે. ૩૫૦૦ વર્ષ પહેલાં સમગ્ર ભારતમાં મગની ખેતી મોટા પાયે થતી હતી. ખેતી કરાયેલ મગ અહીંથી ચીન અને દક્ષિણ એશિયાના અન્ય ભાગોમાં ફેલાયા.

આ ઉપરાંત ધાર્મિકવિધીમાં પણ મગ સહિતના કઠોળનો ઉપયોગએ પ્રાચિન સભ્યતામાં પણ કઠોળ અંગેની મહત્વતા ને દર્શાવે છે. માનવ શરીરમાં કઠોળનું મહત્વઃ- માનવ શરીરમાં અંદાજે ૧૦૦ ટ્રીલીયન કોષનું બનેલું છે. એક ટ્રીલીયન એટલેકે એક અંક પાછળ ૧૨ મીંડા(૧,૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦). આપણી રોજ બરેજની દૈનિકક્રિયામાં અનેક કોષોનો નાશ થાય છે. જેને પુનઃપ્રાપ્ત કરવા આપણે ખોરાક લઇએ છીએ. આ કોષોનું ઉત્પાદન કરવામાં મહત્વપુર્ણ એવુ તત્વ એમીનો એસીડ છે.

આપણા દૈનિક આહારમાં ૨૦ પ્રકારના એમીનો એસીડ હોય છે જે નવા સેલ બનાવે છે. આ એમિનો એસીડ પ્રોટીનમાંથી મળે છે. આપણા ધાન્ય પાકોની સાપેક્ષમાં કઠોળમાં એમીનો એસીડનીમાત્રા પ્રચુર પ્રમાણમાં હોય છે. ધાન્ય પાકોની સાપેક્ષમાં કઠોળમાંથી મળતાં એમિનો એસીડમાં સલ્ફરનું પ્રમાણ ઓછું હોય છે. આથી તે માનવ હદયની રકતવાહિનીઓને બ્લોક થતાં બચાવે છે. આમ માનવશરીર માટે પ્રોટીનએ જીવનદાતા અને પ્રોષણદાતા છે.

કઠોળમાં સોયાબીનને બાદ કરતાં અન્ય ૧૦૦ ગ્રામ કઠોળમાં ૨૫ ટકા જેટલું પ્રેટીન, ૧૪૦ મીલીગ્રામ કેલ્શિયમ,૩૦૦મીલી ગ્રામ ફોસ્ફરસ, ૮ મીલીગ્રામ આર્યન સહિત થાયમીન, રીબોફલેવીન અને નાએસીન જેવા તત્વો કુદરતી રીતે મોજુદ હોય છે. જે માનવશરીર માટે અનિવાર્ય છે.

ટુંકમાં બહુકોષીય સજીવો માટે કઠોળએ આહારમાં આવશ્યક છે. સ્વસ્થ શરીર માટે દરરોજના આહારમાં ૮૦ ગ્રામ કઠોળ આવશ્યક છે. જેની સાપેક્ષે આપણા ભોજનમાં હાલ માત્ર ૪૦ ગ્રામ સરેરાશ કઠોળનો ઉપયોગ કરીએ છીએ.  ભારતએ વિશ્વમાં કઠોળનો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક દેશ પણ છે. દુનિયાના કુલ કઠોળ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૨૫ ટકાથી વધુ છે. આમ છતાં ભારતમાં કઠોળના વપરાશને ધ્યાને લઇને ભારતે દર વર્ષે કઠોળ અન્ય દેશોમાંથી આયાત કરવું પડે છે. આંકડાકિય સર્વે અનુસાર વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન કુલ ૨૬.૩૦ મીલીયન ટન કઠોળનું ઉત્પાદન થવાનો અંદાજ છે. ભુતકાળમાં ૨૦૦૭ થી ૨૦૦૧૨ સુધીના વર્ષોમાં કઠોળનું વાવેતર ૮૪૯૫ હેકટરમાં થયું હતું. જેમાંથી કુલ ૬૭૪૮ મે.ટન કઠોળનું ઉત્પાદન મળ્યું હતુ.

આમ પ્રતિ હેકટર કુલ ૭૯૦ કિ.ગ્રા ઉત્પાદન હતું. પણ સરકારશ્રીની કઠોળના વાવેતરને પ્રોત્સાહક યોજનાઓ અને પોષણક્ષમ ભાવો આપવની યોજનાઓને અનુલક્ષીને ગુજરાતમાં ૨૦૧૯-૨૦ દરમયાન કુલ ૮૬૩ મે.ટન થી વધુ કઠોળનું ઉત્પાદન થવા જાય છે. એટલે કે ગુજરાતમાં અંદાજે સરેરાશ પ્રતિ હેકટર ૧૧૦૦ કિલોગ્રામ કઠોળનું ઉત્પાદન થવા જાય છે. જે વર્ષ ૨૦૧૮-૧૯ના  પ્રતિ હેકટર ૧૦૦૦ કિ.ગ્રા કરતાં પણ વધુ છે.

આમ ગુજરાતએ કઠોળ ઉત્પાદન ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહયું છે. કઠોળક્ષેત્રે ભારત આત્મનિર્ભર બને તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અનેક પ્રોત્સાહક યોજનાઓ અને નિતિઓ અમલી બનાવાઇ છે.  ઉત્તમ કૃષિ ઉત્પાદનમાં કેઠોળના પાકના વાવેતરની અગત્યતા ઃ- જૈવિક ખેતીમાં અને ખેતીના વ્યવસાયને નફાકારક બનાવવા માટે વિવિધ પાકો સાથે કઠોળના પાકનું વાવેતર અનેક રીતે ફાયદાકારક છે. પૃથ્વી આબોહવામાં કુલ ૭૮ ટકા જેટલો નાઇટ્રેજન વ્યાપ્ત છે

પરંતુ વનસ્પતિ કે પ્રાણી આ નાઇટ્રેજનનો સીધો ઉપયેગ કરી શકતા નથી. કઠોળ પાકના વાવેતરથી કઠોળ પાકના મુળમાં પ્રવેશી વાતાવરણમાંથી નાઇટ્રોજનનું શોષણ કરી એમોનીયા સ્વરૂપે સ્થિરીકરણ કરે છે. વિવિધ કઠોળ પાકો તેમના જીવનકાળ દરમિયાન હેકટરદીઠ ૩૭ થી ૨૦૦ કિલો નાઇટ્રેજનનું સ્થીરીકરણ કરે છે. આ નાઇટ્રોજન અન્ય પાકને જરૂરી એવા નાઇટ્રેજનની પૂર્તિ કરે છે. જમીનની સેન્દ્રીયતામાં વધારો કરે છે. ઉત્તમ ઉત્પાદકતા માટે જરૂરી દાણાદાર જમીન બનાવે છે. જમીનની નિતાર અને ભેજ સંગ્રહ શક્તિમાં વધારો કરે છે.

કઠોળ પાકમાં ઝરતા સ્ત્રાવો સાથે વાવેલા અન્ય પાકો અને પછીથી વાવેતર થનાર પાકોની વૃધ્ધીને ઉત્તેજન આપે છે. તુવેર જેવા ટુંકા ગાળાના કઠોળ પાકો ઉત્પાદનનું સારૂ એવું વળતર પણ આપે છે. આમ આંતર પાક તરીકે તથા વિવિધ પાકની ફેરબદલી સમયે, જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા, જમીનજન્ય રોગો ઘટાડવા માટે જમીનના સ્તરનો  કાર્યક્ષમ ઉપયોગ કરી અનિશ્ચિત વાતાવરણના જોખમોને નિવારવા માટે પણ કઠોળ પાકનું વાવેતર ઉત્તમ અને ફાયદાકારક બની રહે છે.

પશુઓ માટે કઠોળયુકત પશુ આહાર દુધ ઉત્પાદકતામાં વધારો કરનાર બની રહે છે. ઉપરાંત પશુના ઉત્તમ આરોગ્યમાં પણ સહાયક બને છે.  કઠોળના ઔષધીય ગુણો.ઃ- કઠોળએ સ્વસ્થ જીવન માટે અતિ આવશ્યક છે. તદઉપરાંત કઠોળના અનેક ઔષધિય ફાયદાઓ પણ છે. જેમાં કઠોળમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી તે પાચનતંત્રને સુધારે છે. કબજીયાતને નિવારે છે. ચરબીનો ભાગ નહિવત છે. સૌદર્યના નિખારમાં પણ ખાસ કરીને વાળને મજબુત અને ચમકદાર બનાવવા અને ચામડીની સુંદરતા વધારવા માટે મગ, અડદ, ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. એજ રીતે કળથી જેવી કઠોળ મુત્રાશયની પથરી દુર કરવામાં અકસીર પુરવાર થયું છે. તે શરદી, ઉધરસ, દમ, પથરી, તાવ, મેદ, કૃમિ, હરસ વગેરેનો નાશ કરનાર છે. કઠોળમાં રેસાઓનું પ્રમાણ વધારે હોવાથી તે કોલેસ્ટ્રેલને નિયંત્રીત રાખવમાં મદદરૂપ થાય છે

આ ઉપરાંત કઠોળમાં આવેલા સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટ ધીમે ધીમે શોષણ થતા હોવાથી મધુપ્રમેહ (ડાયાબિટીઝ) ના દર્દીઓ માટે ઉત્તમ ખોરાક બની રહે છે. ફણગાવેલા કઠોળનો નાસ્તો આયુર્વેદ શાસ્ત્ર મુજબ સર્વોત્તમ ગણાય છે. ફણગાવેલા કઠોળમાં એન્ટીઓક્સીડન્ટ તેમજ વિટામીન એ-બી-સી- ઈ ફોસ્ફરસ અને આર્યન, મેગ્નેશિયમ, ઝિંક જેવા બધા જ પોષક તત્વો આવેલા હોય છે. ફણગાવેલા અનાજ મા પોટેશિયમ તેમજ ફેટી એસિડ પણ આવેલા હોય છે. જે દિલના રોગો માટે ખૂબ જ મહત્વના છે. ફણગાવેલા અનાજ ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે. કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. હાર્ટ એટેકનો ખતરો ઓછો જોવા મળે છે. કઠોળમાં મોટા પ્રમાણમાં ઉત્તમ એન્ટીઓકસીડન્ટ તત્વો રહેલા છે. જે શરીરને અન્ય રોગોથી બચાવ માટે જરૂરી છે. ફણગાવેલા કઠોળના સેવનથી આંખોને તેજ મળે છે. અસ્થમા અને શ્વાસના દર્દીઓ માટે પણ કઠોળ રોગ નિવારક ઔષધી બની રહે છે. મોડલ સ્ટેટ તરીકે ગુજરાત રાજયની સિધ્ધીમાં એક ગૌરવપ્રદ યશકલગીઃ-

ગુજરાત રાજયએ કઠોળ ઉત્પાદનક્ષેત્રે અગ્રીમ સ્થાને છે. ભારત સરકાર દ્વારા ર૦૧૭-૧૮ના વર્ષમાં કઠોળ પાકોના ઉત્પાદન અને ઉત્પાદકતાની ઉત્કૃષ્ટતા માટે રાજ્ય સરકારના કૃષિ વિભાગને ‘કૃષિ કર્મણ એવોર્ડ’ એનાયત થયો હતો. જેમાં રૂ. ૧ કરોડનો પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર રાજય સરકારને એનાયત કરાયા હતા. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યમાં ર૦૧૭-૧૮ના વર્ષ દરમ્યાન કુલ ૯.૦૮ લાખ હેકટર વિસ્તારમાં કઠોળ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વાવેતર વિસ્તારમાં ૯.રર લાખ મેટ્રિક ટન કઠોળનું ઉત્પાદન રાજ્યના ધરતીપુત્રોએ મેળવેલું હતું. એવરેજ પ્રતિ હેકટર ૧૦૧૫ કિ.ગ્રા ઉત્પાદન મેળવેલ હતું. ગુજરાત કઠોળ ઉત્પાદન ક્ષેત્રે સતત આગળ વધી રહયું છે.

આહારમાં કઠોળની ઉપયોગીતા વિશે જાગૃતતા કેળવાય તે માટે હાલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આવકાર અને સત્કાર સમારંભમાં ફુલોના હારને બદલે કઠોળની થેલી દ્વારા સત્કારની પરંપરાને અપનાવવામાં આવેલ છે. આ ઉપરાંત મમતા દિવસ અને પોષણ સપ્તાહની ઉજવણી અન્વયે માતા અને બાળકો તથા કિશોરીઓમાં એનીમીયા નાબુદી અર્થે વિવિધ પોષક આહાર સાથે કઠોળનો ઉપયોગ વધારવા જાગૃતિ કેળવવામાં આવે છે.

આજે વિશ્વ કઠોળ દિવસ છે. હાલના જંક ફુડ અને પોષણવિહિન ખોરાકને કારણે વિશ્વમાં વ્યાપ્ત અનેક રોગો  સામે કઠોળ જેવા ઉત્તમ આહારને જીવનમાં પ્રતિદિન સેવનની આરોગ્યપ્રદ ટેવ અપનાવીએ તો જ સ્વસ્થ ભારત અને તંદુરસ્ત સમાજનું નિમાર્ણ શકય બનશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.