ભરબપોરે રૂ.૧૮ લાખની લૂંટ -પૂર્વ-આયોજિત કાવતરું કે પછી…?
AI Image
સીજી રોડ પરથી પોતાના ધંધાના નાણાંની ઉઘરાણી કરીને વેપીર પરત ફરી રહ્યા હતા. તેમણે આ રોકડ રકમ પોતાની કારની ડિકીમાં મૂકી હતી
અમદાવાદ, અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટ પાસે બુધવારે બપોરે એક સનસનાટીભરી લૂંટનો બનાવ બન્યો છે. સ્ટીલ-લોખંડના બ્રોકર પાસેથી અજાણ્યા શખ્સો રૂ.૧૮ લાખ રોકડા લૂંટીને ફરાર થઈ ગયા હતા. ધોળે-દહાડે બનેલી આ ઘટનાને પગલે શહેરમાં ચકચાર મચી ગઈ છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પાસે બની હતી. ફરિયાદી સ્ટીલ-લોખંડની દલાલીનો ધંધો કરે છે, તેઓ સીજી રોડ પરથી પોતાના ધંધાના નાણાંની ઉઘરાણી કરીને પરત ફરી રહ્યા હતા. તેમણે આ રોકડ રકમ પોતાની કારની ડિકીમાં મૂકી હતી.
જ્યારે તેઓ વંદે માતરમ વિસ્તારમાં પહોંચ્યા, ત્યારે એક બાઈકસવારે તેમની કારને આંતરી હતી અને તેમની સાથે તકરાર શરૂ કરી હતી. આ ઝઘડા દરમિયાન, બાઈકસવારે કથિત રીતે કારની ચાવી ઝૂંટવી લીધી અને તેને રસ્તા પર આગળ ફેંકી દીધી.
ફરિયાદી ચાવી લેવા માટે જેવા કારમાંથી બહાર નીકળ્યા, તે જ સમયે બીજી મોટરસાયકલ પર બે વધુ સાગરીતો ત્યાં પહોંચી ગયા હતા. આ શખ્સોએ કારની ડિકીની અંદર રાખેલી રોકડ ભરેલી બેગ લઈને પળભરમાં ફરાર થઈ ગયા. વેપારીએ તાત્કાલિક શાહેરકોટડા પોલીસ સ્ટેશને દોડી જઈ સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, લૂંટારુઓ વેપારીની હિલચાલ પર નજર રાખી રહ્યા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે, આ લૂંટ પૂર્વ-આયોજિત હતી.
ઘટનાની ગંભીરતા જોતાં ઝોન-૩ના ડીસીપી, એસીપી અને શાહેરકોટડા પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. શહેરમાં નાકાબંધી કરવામાં આવી છે અને આરોપીઓને પકડવા માટે આસપાસના વિસ્તારોમાં સર્વેલન્સ વધારી દેવામાં આવ્યું છે.
આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે આરોપીઓને ઓળખવા માટે અનેક ટીમો કામ કરી રહી છે.
પોલીસ સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, આ મોડસ ઓપરેન્ડી જોતાં આમાં કોઈ ગેંગનો હાથ હોઈ શકે છે, જેની પાસે રોકડ વ્યવહારની અગાઉથી બાતમી હતી.
