Western Times News

Gujarati News

B.Ed. સુધીનો અભ્યાસ કરેલી રાજેશ્વરી ડ્રગ્સની હેરાફેરીનું કામ કરતી હતી

રાજસ્થાનથી જથ્થો લાવવામાં ભાઈ કરતો હતો મદદઃ વાડજના ભાડાના મકાનમાંથી ડ્રગ્સનો જથ્થો જપ્ત

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સની હેરાફેરી કરતા ચાંપતી કાર્યવાહી કરતા વાડજમાં રહેતા એક દંપતીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચને દંપતીના વાડજના ભાડાના મકાનમાંથી ૩૫,૭૭,૫૦૦ રૂપિયાની કિંમતનો ૩૫૭.૭૫૦ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ ૩૬.૪૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના વાડજમાં અખબારનગર સર્કલ નજીક ખત કોલોનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં ભાડાના મકાનમાં રહેતા ૨૮ વર્ષીય કમલેશ બિશ્નોઈ અને તેની પત્ની ૨૪ વર્ષીય રાજેશ્વરી બિશ્નોઇને ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ દંપતી પાસેથી નેટ ૩૫૭ ગ્રામ ૭૫૦ મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ૩૫,૭૭,૫૦૦ રૂપિયા છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે રોકડા ૨૨,૮૦૦ રૂપિયાના બે મોબાઇલ ફોન, બે આધાર કાર્ડની નકલ, બેટરીવાળો વજનકાંટો, અને ૫૩ નંગ પ્લાસ્ટિકની પારદર્શક ખાલી ઝીપર બેગ સહિત કુલ ૩૬,૪૦,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ પતિ-પત્ની છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદમાં છૂટક ગ્રાહકોને એમ.ડી. ડ્રગ્સનો જથ્થો વેચી રહ્યા હતા. આ સમગ્ર ગેરકાયદે પ્રવૃત્તિમાં પકડાયેલી મહિલાનો મુખ્ય રોલ સામે આવ્યો છે. બીએડ સુધીનો અભ્યાસ કરેલી રાજેશ્વરી ડ્રગ્સની હેરાફેરીનું કામ કરતી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, ‘મારા મામાનો દીકરો સુભાષ આ પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે. સુભાષે મને આર્થિક લાભની લાલચ આપીને આ કામ માટે સહમત કરી હતી.

રાજેશ્વરીએ પોલીસ સમક્ષ કબૂલ્યું કે તે લગભગ પાંચથી છ વખત રાજસ્થાનના સાંચોર ખાતે જઈને ગેરકાયદે એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવેલી છે. તાજેતરમાં જ પાંચ દિવસ પહેલા તે બસમાં સાંચોર ખાતે તેના પિયરમાં ગઈ હતી. ત્યાં તેના મામાના દીકરા સુભાષે ઉત્તર પ્રદેશના લખનઉ ખાતેથી લાવેલો એમડી ડ્રગ્સનો જથ્થો તેને આપ્યો હતો. આ જથ્થો અમદાવાદ લાવીને તે અને તેનો પતિ છૂટક વેચાણ કરતા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે એન.ડી.પી.એસ. એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.