Western Times News

Gujarati News

ખાડિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે આપઘાત કર્યો

File

અમદાવાદ: અમદાવાદ શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભુરાભાઇ પગીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં શહેર પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ છે. થોડા દિવસ પહેલા આસ્ટોડિયા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટની ટીમ સાથેના કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં હોવાનો કથિત વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં પોલીસ કોન્સ્ટેબલ ભુરાભાઇ હતા. આ વીડિયો વાઇરલ થયા બાદ ભુરાભાઇ ડિપ્રેશનમાં હતા.

આ કથિત વીડિયો વાઇરલ થયો હોવાને લઇ તેઓએ આત્મહત્યા કરી હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. ગોમતીપુર પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગોમતીપુર પોલીસ લાઈનમાં રહેતા અને ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભુરાભાઇ પગીએ ગઈકાલે રાતે પોતાના ઘરની બાજુમાં આવેલા રૂમમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ભુરાભાઇ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતા અને સીક લીવ પર હતા. બનાવ અંગે ગોમતીપુર પોલીસ ઘટનાસ્થળે પોહચી હતી.

મૃતકના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે આસ્ટોડિયા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટની ટીમમાં ભુરાભાઇ હતા. ભુરાભાઇ કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં હોવાનો કથિત વીડિયો વાઇરલ થયો હતો. ત્યારબાદ તેઓ રજા પર ઉતરી ગયા હતા અને છેલ્લા કેટલાક દિવસોથી ડિપ્રેશનમાં રહેતા હતા. મૃતક ભુરાભાઇ છેલ્લા કેટલાક વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ આગામી સમયમાં લેવાનારી પીએસઆઇની પરીક્ષાની તૈયારીઓ પણ કરી રહ્યા હતા.

તેઓ તેમના ઘરની બાજુમાં જ એક રૂમ આવેલો હતો તેમાં વાંચવા જતા હતા. ગઈકાલે પણ તેઓ સાંજે રૂમમાં વાંચવાનું કહીને ગયા હતા અને તેઓએ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવને લઇ શહેર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવાની સાથે સાથે અરેરાટીની લાગણી પણ પ્રસરી ગઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.