Western Times News

Gujarati News

સુરતમાં ગેંગવોર : સૂર્યા મરાઠીની હત્યા

અમદાવાદ: સુરતમાં ફરી એકવાર ગેંગવાર અને તેમાં ડબલ મર્ડરની ચકચારી ઘટના સામે આવતાં સુરતમાં ક્રાઇમરેટ ચિંતાજનક હદે વધી રહ્યો હોવાની સ્થિતિ  વધુ એક વાર આજે સ્પષ્ટ થઇ હતી. સુરતના વેડરોડ ખાતે આવેલી માથાભારે શખ્સ સૂર્યા મરાઠી(સુરેશ શ્રીરામભાઈ પવાર)ની ઓફિસમાં આજે સાતેક જેટલા ઈસમો તીક્ષ્ણ છરા, ચપ્પા સહિતના ઘાતક હથિયાર સાથે ઘૂસી આવ્યા હતા.

જેઓએ તલવાર અને ચપ્પુના ઘા મારી સૂર્યા મરાઠીનું ઢીમ ઢાળી દીધું હતું. એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્યા અને હાર્દિક વચ્ચે થયેલા સામ સામેના હુમલામાં સૂર્યાએ પણ હાર્દિક પર બહુ જારદાર રીતે પલટવાર કર્યો હતો, તેમાં હાર્દિકને પણ ગંભીર ઇજાઓ થઇ હતી. બાદમાં ટૂંકી સારવાર દરમ્યાન સૂર્યા અને હાર્દિક બન્નેના મોત નીપજ્યાં હતાં.

હાલ સમગ્ર વિસ્તારમાં તણાવભરી સ્થિતિને  લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ બનાવને લઇ ફિલ્મની સ્ટોરીની જેમ સમગ્ર વિસ્તારમાં દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. પોલીસના ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ અને સૂર્યા મરાઠી વચ્ચે કંઈક બાબતે ઝઘડો સર્જાયો હોઇ શકે અને બાદમાં સામ સામે હુમલો કર્યો હતો. જેમાં ચપ્પુના ઘાથી એકબીજાના મોત નીપજ્યાં હતાં. હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ આદરી છે. આ હુમલામાં અન્ય લોકો પણ સામેલ હોવાની આશંકા સેવવામાં આવી રહી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, એક સમયના બન્ને મિત્રો સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલ વચ્ચે કોઈ બાબતે વાત વણસી હતી અને તેમાં બન્નેએ સામ સામે હુમલો કર્યો હતો. બન્નેના સારવાર દરમિયાન મોત થયાં હતાં. ઉલ્લેખનીય છે કે, કતારગામ વેડરોડ વિસ્તારમાં રહેતો અને ઓફિસ ધરાવતો સૂર્યા મરાઠી ગેંગવોરને લઈને ચર્ચામાં આવતો રહેતો હતો. માથાભારે મનુ ડાહ્યા ગેંગ સાથે અથડામણને લઈને ઘણી વાર જાહેરમાં બનાવો પણ બન્યા હતા.

અગાઉ મનુ ડાહ્યાની હત્યા કરી દેવાઇ હતી. જેમાં સૂર્યા મરાઠીને આરોપી બનાવવામાં આવ્યો હતો. પરંતુ થોડા દિવસો પહેલાં સૂર્યા મરાઠીને મનુ ડાહ્યા કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યાના પાંચ દિવસમાં આજે વેડરોડ ખાતે આવેલી ઓફિસમાં સૂર્યા મરાઠી હાજર હતો.

તે દરમ્યાન સાત જેટલા ઈસમો ઘૂસી આવ્યા હતા અને તલવાર-ચપ્પુથી હુમલો કરી દીધો હતો. એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્યા અને હાર્દિક વચ્ચે થયેલા સામ સામેના હુમલામાં બંનેને ગંભીર ઇજા પહોંચી હતી. જેના કારણે બંનેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. સૂર્યા મરાઠીના શરીર પર ૩૦ ઘા અને હાર્દિકના શરીર બે ઘા મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા કતારગામ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.