Western Times News

Gujarati News

વડોદરા ખાતે બ્રાઇટ ડે સ્કૂલમાં ક્લાસમાં પંખો પડતા બેને ઇજા

વિદ્યાર્થીને માથાના ભાગમાં ૮ ટાંકા લેવાની ફરજઃ અન્ય વિદ્યાર્થીને હળવી ઇજા
વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલી બ્રાઇટ ડે સ્કૂલમાં ગંભીર બેદરકારી સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ગઇકાલે સાંજે ૫-૩૦ વાગ્યે બ્રાઇટ સ્કૂલમાં સીબીએસઇ ધો-૩ના એફ ક્લાસમાં ચાલુ ક્લાસ દરમ્યાન અચાનક જ પંખો વિદ્યાર્થીઓ ઉપર પડ્‌યો હતો. જેમાં ગુણેશ ગુણેશ નિલેશભાઇ ચિતાલીયા નામનો વિદ્યાર્થીના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને માથામાં આઠ ટાંકા આવ્યા હતા. જ્યારે એક વિદ્યાર્થીને સામાન્ય ઇજા થઇ હતી. જેથી બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાને પગલે વાલીઓમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી. તો, બીજીબાજુ, આ કિસ્સો તગડી ફી વસૂલતી રાજયની અન્ય ખાનગી શાળાઓ માટે પણ ચેતવણી સમાન હોઇ વિદ્યાર્થીઓની સુરક્ષા ફુલપ્રુફ કરવા વાલીઓમાં માંગણી ઉઠી રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરની બ્રાઇટ ડે સ્કૂલમાં તગડી ફી વસૂલ કરવામાં આવે છે, તેમ છતાં સ્કૂલમાં યોગ્ય સુવિધાઓ અપાતી નથી.

પંખાનું સમયસર મેઇન્ટનન્સ નહી કરાતુ હોવાથી ચાલુ ક્લાસમાં પંખો તૂટીને નીચે પડ્‌યો હતો. જેને લઇ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. સ્કૂલમાં મોટી દુર્ઘટના સર્જાવાની પણ શક્યતા છે. બ્રાઇટ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઉપર પંખો પડવાની ઘટનાને પગલે વાલીઓ સ્કૂલમાં દોડી ગયા હતા અને શાળા સંચાલકો સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. દુર્ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગુસ્સો જોવા મળ્યો હતો.

ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ગુણેશના પિતા નિલેશભાઇ ચિતાલીયાએ જણાવ્યું હતું કે, ક્લાસરૂમમાં પંખા બરાબર ફિટીંગ કરેલા નહોતા. જેથી વાઇબ્રેશનના કારણે પંખાનો નીચેનો ભાગ તૂટી પડ્‌યો હતો. જેમાં મારા દીકરા ઉપર પંખો પડતા તેને માથાના ભાગે આઠ ટાંકા આવ્યા છે અને ૬૦ એમ.એમ.નો કાપો પડી ગયો છે. સ્કૂલ સંચાલકોની બેદરકારીને કારણે મારા દીકરા પર પંખો પડ્‌યો હતો.

પંખાનું લોકીંગ પણ બરાબર કરેલુ નહોતુ. આ ઘટનાના આગળના દિવસે જ બીજા ક્લાસના વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે, પંખામાં અવાજ આવે છે, પરંતુ સંચાલકો અને શિક્ષકોએ ગંભીરતા લીધી નહોતી. સંચાલકો લૂલો બચાવ કરતાં જાવા મળ્યા હતા કે, વાલીઓની કમિટીની બનાવવામાં આવશે અને કમિટી સ્કૂલમાં ઓડિટ કરશે. તો, વડોદરા ડીઇઓ કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્વેતાબેન પારધીએ જણાવ્યું હતું કે, આ કેસમાં પ્રાથમિક તપાસમાં સ્કૂલની નિષ્કાળજી જણાઇ આવી છે. સ્કૂલને કારણદર્શક નોટિસ આપવામાં આવશે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રિપોર્ટ કરવામાં આવશે.  દરમ્યાન બ્રાઇટ ડે સ્કૂલના એમ.ડી. શૌમિલ શાહે બચાવ કરતા જણાવ્યું હતું કે, પંખો બંધ હતો, ત્યારે આ ઘટના બની છે. કેવી રીતે પંખો પડ્‌યો છે, તે ખબર પડી નથી. અમે સ્કૂલના તમામ પંખાઓ ચેક કરાવવાનું શરૂ કરી દીધું છે. પેરન્ટ્‌સની કમિટી બનાવી છે. તેમના દ્વારા સ્કૂલના રૂમોનુ ઓડિટ કરાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.