Western Times News

Gujarati News

બેરોજગારોને રોજગારી આપવા માટે બજેટમાં 1,461 કરોડની ફાળવણી

ગાંધીનગર, સરકાર દ્વારા આગવી પહેલ કરી છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની રોજગાર કચેરીઓ મારફત કુલ ૧૭,૮૬,૭૯૭ યુવાનોને રોજગારી આપવાની વાત મુકવામાં આવી હતી. નાણા પ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, વૈશ્વિક કક્ષાના તેમજ ઉદ્યોગોની માંગ આધારિત કૌશલ્ય નિર્માણ માટે નાસ્મેદ, ગાંધીનગર ખાતે ૨૦ એકરમાં પીપીપી ધોરણે ટાટા ગૃપના સહકારથી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલ્સનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના યુવાનો માટે રોજગારીની તકો વઘશે.

મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત એક લાખ એપ્રેન્ટિસોની ભરતી માટે રૂ.૯૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશન મારફતે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અને અન્ય કૌશલ્ય વિકાસ યોજનાઓના માધ્યમથી ૭૦ હજાર યુવાનોને કૌશલ્ય તાલીમ આપવા માટે રૂ.૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

નીતિન પટેલે સ્ટ્રાઈવ પ્રોજેક્ટની વાત મુકતા જણાવ્યું હતું કે, યુવાનોને રોજગાર માટે તાલીમબદ્ધ કરવા ભારત સરકાર દ્વારા સ્ટ્રાઈવ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટમાં રાજ્યની કુલ ૩૦ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ માટે રૂપિયા ૩૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ધોરણે રાજ્યમાં સ્કીલ ઇકો સિસ્ટમને મજબૂત કરવા ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના માટે રૂ.૩૦ કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતના વિદ્યાર્થીઓમાં રહેલી સ્કિલને પ્રોત્સાહન આપવા માટે નાણામંત્રીએ કહ્યું હતું કે, આઇ.ટી.આઇના નવા મકાનો, વર્કશોપ, થીયરીરૂમ અને સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા તેમજ તેને આધુનિક સાધનોથી સુસજ્જ કરવા જેવી માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે રૂ ૨૬૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મહાનગરોમાં કામ કરતાં શ્રમિકોને પ્રાથમિકતા આપવા માટે નીતિન પટેલે કહ્યું કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના અંદાજે ૧,૨૦,૦૦૦ બાંધકામ શ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે જવા આવવા માટે મુસાફરી ખર્ચમાં સહાય આપવામાં આવશે. જેના કારણે કામદારોને મુસાફરી ખર્ચમાં ઘટાડો થશે અને તેમની આવકમાં વધારો થશે. આ સહાય આપવા માટે રૂ.૫૦ કરોડની જોગવાઈ.

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નોંધાયેલ બાંધકામ શ્રમિકોને માત્ર રૂ.૧૦ માં બપોરના ભોજનનો લાભ આપવામાં આવે છે. હવે યુ – વીન કાર્ડ ધારકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. જે માટે કુલ રૂ.૩૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ધન્વન્તરી આરોગ્ય રથ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને આરોગ્ય વિષયક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વધુ ૧૬ આરોગ્ય રથની સુવિધા પૂરી પાડવા રૂપિયા ૨૫ કરોડની ફાળવવામાં આવ્યા છે.

બાંઘકામ શ્રમિકના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને હાલમાં પ્રસૂતિ સહાય પેટે રૂ.૭૫૦૦ની સહાય આપવામાં આવે છે. તેને ઉદાર બનાવતા હવે મહિલા બાંધકામ શ્રમિકોને સગર્ભા અવસ્થા દરમિયાનના છેલ્લા બે માસ અને પ્રસૂતિ બાદના બે માસ, એમ કુલ ચાર માસ સુધી માસિક રૂ.૫ ,૦૦૦ની સહાય આપવામાં આવશે. આમ મહિલા, બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૂતિ સહાય પેટે કુલ રૂ.૨૭, ૫૦૦ આપવામાં આવશે. જે માટે કુલ રૂ.૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સાથે જ બાંધકામ શ્રમિકોને હાઉસિંગ સબસિડી, યોજના હેઠળ બેન્કમાંથી લીધેલ લોન ઉપર પાંચ વર્ષ સુધી, પ્રતિ વર્ષ રૂપિયા વીસ હજારની વ્યાજ સહાય આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.