Western Times News

Gujarati News

અતિ ગંભીર અવસ્થામાં તરછોડાયેલી બાળકી હોસ્પિટલમાં જઈ મુખ્યમંત્રીએ સારવારની માહિતી મેળવી

બાળકીની સારવારનો બધો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે –બાળકીની સાર સંભાળ અને ઉછેરની જવાબદારી સરકાર અને સમાજની છે- તે ઉદાહરણ રાજકોટના તંત્ર વાહકોએ પૂરું પાડ્યું છે

 સંવેદનશિલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઋજુતાનો લોકોને વધુ એક વાર અનુભવ થયો છે. વાત એમ બની કે, તાજેતરમાં રાજકોટ જિલ્લાના ઠેબચડા ગામ પાસેથી અતિ ગંભીર અવસ્થામાં તરછોડાયેલી બાળકી મળી આવતા તેને ૧૦૮ ની ટીમ દ્વારા પ્રથમ સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.

જેની જાણ રાજ્યના મુ્ખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને થતાં રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ તેમના કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને તેમની ધર્મપત્ની શ્રીમતી અંજલિબેન રૂપાણી સાથે ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલી બાળકીને જોવા પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલે પહોંચી તેની સારવાર કરી રહેલા તબીબો સાથે સારવાર સબંધિત જરૂરી ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ બાળકીની સારવારની માહિતી મેળવી તેની સારવાર પૂરતી ચીવટ સાથે થાય તેમ જણાવી આ બાળકીની સારવાર પાછળ થનાર તમામ ખર્ચ રાજય સરકાર આપશે તેમ પણ જણાવ્યું હતુ.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે બાળકીની સારવારમાં કોઈ કચાસ રહી ન જાય તે માટે તબીબો સાથે પરામર્શ કર્યો છે. સારવાર માટે જેટલો પણ ખર્ચ થશે તે રાજ્ય સરકાર ભોગવશે. આ બાળકીની સાર સંભાળ અને ઉછેરની જવાબદારી સરકાર અને સમાજની છે તે ઉદાહરણ રાજકોટના તંત્રવાહકોએ પુરૂ પાડ્યું છે.  બાળકનો જન્મ એ ઈશ્વરીય દેન છે, જેને આપણે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી પૂર્ણ સહયોગ આપીએ. સરકારનો મંત્ર છે કે વહીવટી વિભાગ પણ સંવેદનશિલ બને. રાજકોટ પોલીસ કમિશનર, કલેકટર તેમજ મ્યુ કમિશનર દ્વારા બાળકીને દત્તક લઈ તેના નિભાવની જવાબદારી સ્વીકારી જે સરકારની સાથે વહીવટી તંત્રની સંવેદનશીલતાના દર્શન કરાવે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ તરછોડાયેલી હાલતમાં મળી આવેલ આ બાળકીનું નામ અંબે રાખવામાં આવ્યું છે. જેની સારવાર માટે સરકારની સાથે સરકારમાં રહેલા ઉચ્ચ અધિકારીશ્રીઓની સંવેદનશીલતાના દર્શન થાય છે. જે સમાજ માટે પ્રેરણારૂપ બની રહયું છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી કરૂણાના પ્રહરી છે. અત્યાર સુધીમાં પ્રત્યેક જીવ માટેની તેઓની સંવેદનશિલતાના અનેક ઉદાહરણ આપણને જોવા મળ્યા છે. ત્યારે આ નવજાત બાળકી અંબે ઝડપથી સાજી થાય તે માટે પણ તેમણે પ્રાર્થના કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.