Western Times News

Gujarati News

સુરત : શરાબ પાર્ટી દરમિયાન દરોડા પડતા 52 ની ધરપકડ

અમદાવાદ: સુરત ડુમસ રોડ પર એરપોર્ટની સામે આશીર્વાદ ફાર્મ હાઉસમાં લીપ યરની પાર્ટીની ઉજવણી દરમ્યાન પોલીસે અચાનક દરોડા પાડી દારૂની મહેફિલ માણતા ૧૩ યુવતી સહિત કુલ બાવન(૫૨) નબીરાઓને ઝડપી લેતાં રાજયભરમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ખાસ કરીને નવી પેઢીના નશાખોરીના રવાડે ચઢવાની માનસિકતા અને રાજયમાં દારૂબંધીના સરકારના દાવાઓ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

પોલીસની રેડમાં પકડાયેલા નબીરાઓમાંથી મોટાભાગના પોશ વિસ્તારમાં રહેતા હોવાથી તેઓને પકડવામાં આવતાં મોટા માથાઓ દોડતા થઈ ગયા હતા. ડુમસ પોલીસ સ્ટેશને ૫૦૦થી વધુ લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. તો, ચકચારભર્યા આ પ્રકરણને લઇને રાજકોટમાં મુખ્યમંત્રીએ સુરતની પાર્ટીમાં ઝડપાયેલા દારૂ અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે,દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી થશે. તો, વિપક્ષ કોંગ્રેસે ભાજપ સરકાર પર ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી હોવાના અને સરકારના દાવાઓ પોકળ સાબિત થયા હોવાનો પ્રહારો કર્યા હતા.

ડુમસના આશીર્વાદ ફાર્મ હાઉસના એક બંગલામાં ગઇકાલે તા.૨૯ ફેબ્રુઆરીએ લીપ યર પાર્ટી ચાલી રહી હતી. જેમાં ડી.જે.ના તાલે સૌ ઝૂમતા હતા. ડુમસ પીઆઈને બાતમી મળતા પોલીસ પહોંચી હતી. સ્થળ પર મોંઘીદાટ કાર પાર્ક હતી અને અંદર મહેફિલ ચાલતી હતી. દારૂની મહેફિલ જમાવીને બેઠેલા ૩૧ નબીરાઓને રંગેહાથે પકડી પાડયા હતા. તેમની સાથે ૫ાંચ કેટરર્સના માણસો અને ૩ બાઉન્સરને પણ પકડી લેવાયા હતા.

નબીરાઓની સાથે ૧૩ યુવતીઓ પણ પાર્ટીમાં સામેલ હતી, જેમાંથી ત્રણથી વધુ યુવતીએ નશો કર્યો હોવાનું સામે આવ્યું હતું. તેમની પાસે ત્રણથી વધુ પેટી બિયર અને દારૂની ત્રણ બોટલ હતી. પોલીસ કુલ ૧૩ યુવતી સહિત ૫૨ નબીરાઓને લઈને પોલીસ સ્ટેશને આવી હતી. નબીરાઓને છોડાવવા ઉઘોગપતિઓ અને તેમના વાલીઓ, ઓળખીતા મોટા માથાઓ પોલીસમથકે પહોંચ્યા હતા. તપાસમાં પારસીનું ફાર્મ હાઉસ ગગન ઢીંગરા નામના ઇસમે પાર્ટી માટે ભાડે લીધું હતું. પીઆઇ આર.એન.પટેલે જણાવ્યું હતું કે, આશીર્વાદ ફાર્મ હાઉસની રેડમાં ૧૩ યુવતી સહિત ૫૦થી વધુને અટક કરી પોલીસ સ્ટેશનમાં લવાયા છે. આગળની તપાસમાં જે કોઈ પણ દારૂ કે કોઈ પ્રકારનું વ્યસન કર્યું હશે તો તે વિશે તપાસ કરી ચોક્કસ કાયદેસરના પગલાં ભરીશું. તમામ ૧૭ થી ૨૫ વર્ષની ઉંમર ના હોવાનું બહાર આવ્યું છે.

૨૯ ફેબ્રુઆરીની લીપ યર પાર્ટીમાં ધનાઢ્ય પરિવારના નબીરાઓએ શરાબની તો વ્યવસ્થા કરી જ હતી પરંતુ આ મહેફિલને વધુ રંગીન બનાવવા માટે બહાર ગામથી ડાન્સરોને પણ બોલાવવામાં આવી હતી. પોલીસે તમામ આરોપીઓની મેડિકલ તપાસ કરાવી હતી. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, દારૂની મહેફિલ માટે સોશ્યલ મીડિયા મારફતે આમંત્રણ અપાયું હતું. જે માટે રૂ.૨૫૦ની એન્ટ્રી ફી રખાઇ હતી તો, દારૂની પાર્ટીમાં ગાંજા અને સફેદ પાવડરની પણ વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું જણાવાયું હતું. પોલીસે તમામ નબીરાઓને આજે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.