Western Times News

Gujarati News

યશરાજ ફિલ્મ્સની રણવીર સિંહને ચમકાવતી જયેશભાઈ જોરદાર 2 ઓક્ટોબર, 2020ના રોજ રિલીઝ થશે

રણવીર સિંહ અભિનીત જયેશભાઈ જોરદાર નિશ્ચિંતરૂપે 2020ની સૌથી અપેક્ષિત ફિલ્મમાંની એક છે. સામાજિક સંદેશ ધરાવતી વાઇઆરએફની આ ફિલ્મને ખુદ રણવીરે ચમત્કારી સ્ક્રીપ્ટ ગણાવી છે અને આ ફિલ્મ પ્રેક્ષકોને એવો સ્પષ્ટ સંદેશો આપી રહી છે કે તેઓ એક શક્તિશાળી અને મનોરંજક ફિલ્મની અપેક્ષા રાખી શકે છે. વાઇઆરએફે આજે સત્તાવાર જાહેરાત કરી હતી કે આ ફિલ્મ બીજી ઓક્ટોબર, 2020ના રોજ  (ગાંધી જયંતિની રજાના) દિવસે રજૂ કરવામાં આવશે. આ દરમિયાન મળેલી માહિતી મુજબ ફરહાન અખ્તરની તુફાન હવે 18 સપ્ટેમ્બર, 2020ના રોજ રિલીઝ થશે.

બંને ફિલ્મના હિતમાં અને આદર્શ ફિલ્મની રજુઆતને સુનિશ્ચિંત કરવા માટે આદિત્ય ચોપરા અને રિતેશ સિધવાનીએ તેમની ફિલ્મોને જુદી જુદી તારીખે રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. વાઇઆરએફ તેમની ફિલ્મને બીજી ઓક્ટોબર, 2020ના દિવસે રિલીઝ કરશે અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટ તેમની ફિલ્મને 18 સપ્ટેમ્બર, 2020ના રોજ રિલીઝ કરશે, એવી માહિતી વાઇઆરએફના પ્રવક્તાએ આપી હતી.

વાઇઆરએફના ઘરેલુ નિર્માતા મનીશ શર્મા દ્વારા નિર્માણ કરવામાં આવેલી આ ફિલ્મનું નિર્દેશન નવોદિત લેખક અને નિર્દેશક દિવ્યાંગ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે. જયેશભાઈ જોરદાર એ એક રમુજી મનોરંજક ફિલ્મ છે જે ગુજરાતની પશ્ચાદભૂમિમાં દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમા રણવીર સિંહ ગુજરાતી વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે. વાઇઆરએફ દ્વારા ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો જેણે ઇન્ટરનેટના રેકોર્ડ તોડી નાખ્યા હતા. સુપરસ્ટાર રણવીરે ફરી એકવાર આ ફિલ્મ માટે પોતાનામાં ઘણું પરિવર્તન આણ્યું છે અને ઘણાં કિલો વજન ઘટાડ્યું છે. ગુજરાતી વ્યક્તિના રૂપમાં તે ઓળખાઈ જ નથી રહ્યો. જયેશભાઈ તરીકે રણવીર એ એક અસંભવિત નાયક છે જે વાર્તા કહેવાની સૌથી મનોરંજક રીતમાં મહિલા સશક્તિકરણનું સમર્થન કરતો અને આગળ વધારતો જોવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.