Western Times News

Gujarati News

કોર્ટ કાર્યવાહીમાં હાજર નહીં રહેનાર આરોપીઓ, સાક્ષીઓ તથા પક્ષકારો સામે નહીં લેવાય કોઈ વિરૂદ્ધના પગલાં

જિલ્લાની તમામ અદાલતોમાં આગામી તા.૩૧ માર્ચ સુધી કોર્ટ સબંધિત કાર્યવાહી માટે હાજર ન રહેવા જિલ્લા મુખ્ય ન્યાયાધિશ દ્વારા સુચના –કોર્ટ સંકુલમાં દાખલ થતા કોર્ટ સ્ટાફ તથા વકીલોનું ટેમ્પરેચર ગન દ્વારા ચેકીંગ સાથે આરોગ્યપ્રદ ઉકાળાનું વિતરણ, સ્ટાફને માસ્ક અને સેનેટાઈઝર અપાયા

માહિતી બ્યુરો, પાટણ  કોરોના વાયરસ COVID-19 તેમજ રોગ અટકાયત અને નિયંત્રણ માટે તકેદારીના ભાગરૂપે પાટણ જિલ્લાની તમામ કોર્ટમાં આવતા તમામ આરોપીઓ, સાક્ષીઓ, પક્ષકારો તેમજ સબંધિત વ્યક્તિઓને આગામી તા.૩૧ માર્ચ સુધી શક્ય હોય ત્યાં સુધી અદાલતમાં ન આવવા જણાવવામાં આવ્યું છે. કોર્ટ કાર્યવાહીમાં હાજર ન રહેવાના કારણે કોઈના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કે કડક પગલા લેવામાં આવશે નહીં.

ખુબ ઝડપથી ફેલાવાની શક્યતા ધરાવતા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ગુજરાત વડી અદાલત દ્વારા આપવામાં આવેલ સુચના અન્વયે પાટણ જિલ્લા મુખ્ય ન્યાયાલયમાં આરોપીઓ, સાક્ષીઓ, પક્ષકારો તેમજ સબંધિત વ્યક્તિઓને હાજર ન રહેવા જણાવવામાં આવ્યું છે. આગામી તા.૩૧ માર્ચ સુધી જિલ્લાની તમામ કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી માટે હાજર ન રહેનાર કોઈના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કે કાયદાકીય પગલા લેવામાં આવશે નહીં.

વધુમાં કોર્ટ પરીસરમાં કોરોના વાયરસ સંક્રમણની શક્યતાઓ ટાળવા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. આ અંગે વાત કરતાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને જજશ્રી વિશાલભાઈ ગઢવીએ જણાવ્યું કે, નામદાર પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ જજશ્રીની સુચનાથી કોર્ટ સંકુલમાં દાખલ થતા કોર્ટ સ્ટાફ, વકીલશ્રીઓ તથા અન્ય તમામનું ટેમ્પરેચર ગન દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. કોર્ટના તમામ સ્ટાફ તથા અન્ય તમામને આરોગ્યપ્રદ ઉકાળો પીવડાવવાની સાથે સાથે ફેસ માસ્ક અને સેનેટાઈઝર આપવામાં આવ્યા છે. ઉપરાંત કોર્ટ બિલ્ડીંગમાં સ્વચ્છતા જાળવવા સઘન સફાઈકામ હાથ ધરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.