Western Times News

Gujarati News

દાહોદ જિલ્લામાં અફવા ફેલાવનારા  તત્વો સામે સખત કાર્યવાહી કરાશે

કોરોના વાયરસને લઇને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાયોગ્ય રાખવા માટે દાહોદ જિલ્લાનું પોલીસ તંત્ર સંપૂર્ણપણે તૈયાર
દાહોદ જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે કડક શબ્દોમાં ચેતવણી આપવા જણાવ્યું છે કે, હાલમાં કોરોના વાયરસની સ્થિતિમાં અફવાઓ ફેલાવનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. લોકોને ભ્રમિત કરતા અને ખોટી માહિતી ફેલાવી પેનિક ફેલાવતા તત્વોને નશ્યત કરવામાં આવશે.

એસપીશ્રી જોયસરે કહ્યું કે, કોરોના વાયરસને લઇને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાયોગ્ય રાખવા માટે દાહોદ જિલ્લાનું પોલીસ તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે. દાહોદ જિલ્લામાં મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ૧૪૪ની કલમ લાગુ કરવામાં આવી છે. તેનો પણ પોલીસ દ્વારા ચુસ્તપણે અમલ કરવામાં આવશે.

પત્રકારો સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસથી સલામત રહેવા માટે સરકારના હેલ્થ વિભાગ દ્વારા નિયમિત રીતે માર્ગદર્શન તથા સૂચનાઓ જારી કરવામાં આવે છે. તેનું લોકો સ્વયંભૂ પાલન કરે એ આવશ્યક છે. દાહોદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે ખેભેથી ખભા મિલાવી કામ કરી રહ્યું છે.

સામાજિક પ્રસંગોની બાબતોએ શ્રી જોયસરે ઉમેર્યું કે, કોરોના વાયરસના સંક્રમણના તબક્કાને જો ધ્યાને લેવામાં આવે તો આગામી ૧૫ દિવસ ખૂબ જ મહત્વના છે. તેથી લોકોએ પોતાની રીતે જ સામાજિક પ્રસંગો ટાળવા જોઇએ. ડિસ્કજોકી મ્યુઝિક અને લગ્ન સમારોહ બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે, તેનો દાહોદમાં ચુસ્તપણે અમલ કરાવવા માટે પોલીસ તંત્ર પ્રતિબદ્ધ છે.

આ સમય નાગરિકધર્મ નિભાવવાનો છે, એમ કહેતા એસપીશ્રીએ જણાવ્યું કે, જો આપણે કોરોનાથી સલામત રહીશું તો આપણો પાડોશી સલામત રહેશે. જો આપણો પાડોશી સલામત હશે તો આપણે સલામત રહેશું. એ આ વાયરસ આપણને કોઇને સંક્રમિત ના કરે તે બાબતે ખાસ તકેદારી રાખવી જોઇએ.

એસપીશ્રીએ કહ્યું કે, આંતરરાજ્ય સરહદો ઉપર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતા સ્ક્રિનિંગમાં પણ પોલીસ તંત્ર દ્વારા સહયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસ તંત્ર દ્વારા રિક્ષા એસોસીએશન સહિતના સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠકો કરવામાં આવી છે.
દાહોદના વિવિધ પોલીસ સ્ટેશન ચોવીસેય કલાક કાર્યરત છે. તેમાં પ્રવેશ માટે ફરિયાદ સાથે હવે ફરિયાદી સાથે માત્ર એક-બે વ્યક્તિને જ મંજૂરી આપવામાં આવશે. પોલીસ સ્ટેશન આસપાસ ટોળા પણ થવા દેવામાં નહીં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.