Western Times News

Latest News in Gujarat

આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો સમયસર નાગરિકો સુધી પહોંચાડવા તંત્ર સજજ

સેવાભાવી સંસ્થાઓના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દરરોજ ૪૦૦૦ જેટલા ગરીબ તેમજ મજૂરવર્ગના પરિવારોને ટીફીન સુવિધા પુરી  પાડશે

શાકભાજી , દુધ વિક્રેતાઓ અને  એ.પી.એમ.સી.ના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજવામાં આવી.

આણંદ-: આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાની કોઇપણ પ્રકારની ઘટ્ટ આપણા જીલ્લામાં નથી તેમ જણાવતા કલેક્ટરશ્રીએ કહ્યુ કે દુધ થી લઇને ફળફળાદી સુધીનો મોટા પ્રમાણમાં જથ્થો આપણા જિલ્લામાં ઉપલબ્ધ છે માટે નાગરિકોએ તેને લઇને ગભરાવવાની જરૂર નથી તેમજ પેનિક બાયીંગ કરવાનું ટાળવા અનુરોધ કર્યો છે.

સમગ્ર ભારતમાં જ્યારે કોરોનાના સંક્રમણને રોકવા માટે ૨૧ દિવસનું લોકડાઉન  જાહેર કરવામાં આવ્યુ છે ત્યારે આણંદ જિલ્લાનો કોઇપણ નાગરિકને આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાની ઘટ્ટ ન સર્જાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે હોવાનું તેમજ તેનું સુચારૂ સંચાલન  કરી રહ્યા હોવાનું જિલ્લા કલેક્ટરશ્રી આર.જી.ગોહિલે જણાવ્યુ છે.

જિલ્લા કલેટરશ્રી દ્વારા કરીયાણા, શાકમાર્કેટના વિક્રેતાઓ,  એ.પી.એમ.સી.ના પ્રતિનિધીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. તેમજ જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો ઘટે નહીં અને લોકોને સરળતાથી વસ્તુઓ મળી રહે તે માટેની વ્યુહરચના ઘડવામાં આવી હતી. વેપારી મિત્રો પણ વાજબી ભાવે જ ચીજવસ્તુઓનું વિતરણ કરે તે માટે કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો છે.

આ બેઠકમાં આણંદમાં બપોરના ૨ વાગ્યા સુધી શાકમાર્કેટ કાર્યરત રહેશે તેમ નિર્ણય લેવામાં આવ્યો છે.  તેમજ દુધ તેમજ મેડીકલ સ્ટોર આખોય દિવસ અને અમુલના પાર્લર રાત્રીના ૧ વાગ્યા સુધી કાર્યરત રહેશે. આવશ્યક ચીજ વસ્તુઓનો વેચાંણ કરતી અનાજ, કરીયાણા જેવી દુકાનો પણ બપોરના ૨ વાગ્યા સુધી કાર્યરત રહેવાનું કલેક્ટરશ્રીએ ઉમેર્યુ હતુ.

આણંદમાં  રેકડી કરીને રોજગારી રડતા લોકો દ્વારા વધુમાં વધુ ડોર ટુ ડોર જઇને શાકભાજીની ડીલીવરી થાય તે દિશામાં આયોજન કરવામાં આવ્યુ. જે કારણોસર મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થવા પર અંકુશ મેળવી શકાશે.

કલેક્ટરશ્રીએ ડી-માર્ટ તેમજ બીગબઝાર દ્વારા ડોર સ્ટેપ ડીલીવરીને પ્રાથમિકતા આપવા તેમજ સરળતાથી ઘરે બેઠા આવશ્યક ચીજવસ્તુઓને પહોંચતી કરવા એપ લોન્ચ કરવામાં આવી હોવાનું કહ્યુ હતુ. .

ગંજ બજાર જે જિલ્લાનું હાર્દ ગણાય છે જ્યાં ગામે ગામથી વેપારીઓ ખરીદી કરવા આવે છે તેનો પણ ચોક્કસ સમય ફાળવવામાં આવશે જેથી ત્યાં પણ એક સમયે વધુ પ્રમાણમાં ભીડ એકઠી ન થાય.

આણંદ વિસ્તારની સામાજિક સેવા ભાવી સંસ્થાઓ ગરીબ પરિવારોને મદદ મળે તે માટે આગળ આવી અને કલેકટર શ્રી આર.જી.ગોહિલ સાથે બેઠક યોજીને ૨૫ હજાર ગરીબ પરિવારોને ખાદ્ય સામગ્રીની કીટ જેમાં પાંચ કિલો ચોખા , એક કિલો મગ અથવા તુવેરની દાળ , એક કિલો તેલ, તેમજ મીઠુ, ડ઼ુંગળી, ટામેટા અને બટાકાનું સમાવેશ થાય છે તેના વિતરણ કરવાની વ્યવસ્થા , તેમજ ૪ હજાર રોજમદારો ,શ્રમિકો ,ગરીબોને  તૈયાર ભોજન પહોંચાડવા માટે સંમત થયા હતા. તેમજ ટૂ્ંક સમયમાં જ તેની અમલવારી કરવવાની ખાતરી આપી હતી.

ટૂંક સમય માં જ એની અમલવારી કરવામાં આવશે.કલેકટરશ્રીએ જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્રને સહયોગ આપીને લોકડાઉનનું  સજજ્જડ પાલન કરવા માટે વિનંતી કરીને કહ્યુ કે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવામાં હાથ ઘરવામાં આવેલું કરફ્યુ સામાન્ય કરફ્યુ નથી આ એક ચેપી બીમારીને ડામવા માટેનું કરફ્યુ છે જેનાથી અન્યને પણ નુકસાન પહોંચે તે  માટે સ્વયંમ શીસ્ત જાળવીને પોતાનું તેમજ અન્યનું જીવન જોખમમાં ન મુકાય તે માટે આપણે લોકડાઉનનું ચુસ્ત પણે પાલન કરવું એ આપણી પવિત્ર અને નૈતિક ફરજ છે.

સરકાર દ્વારા સમયાંતરે આપવામાં આવી રહેલા દિશા નિર્દેશોનું આપણે નૈતિક રીતે પાલન કરીશું તો કોરોનાની મહામારી સામેની લડતમાં ચોક્કસ વિજયી થઇશું તેમજ કોરોનાને હરાવી શકીશું તેવી આશા વ્યક્ત કરી હતી.