Western Times News

Gujarati News

નાગરિકો માટે 6.45 લાખ મે.ટન અનાજ જથ્થો FCI ગોડાઉનમાં ઉપલબ્ધ

લોકડાઉનની આ સ્થિતીમાં રાજ્યના નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો નિયમીત મળી રહે તેવી પૂરતી વ્યવસ્થાઓ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં સુનિશ્ચિત કરવામાં આવી છે.

આ અંગેની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીના સચિવે કહ્યું કે, રાજ્યમાં રવિવારે સવારે ર૦પ.૮૯ લાખ લીટર દૂધની આવક અને ૪૪.૮૮ લાખ લીટર દૂધ પાઉચ વિતરણ થયું છે.   રાજ્યની શાક બજારોમાં રવિવારે ૯૦૦૮૬ કવીન્ટલ શાકભાજીની આવક થઇ છે. તેમાં બટાટા-ર૮૧૪૪ કવીન્ટલ, ડુંગળી-ર૦૧૬૬ કવીન્ટલ, ટામેટા-૭૧૦પ કવીન્ટલ અને ૩૪૬૭૦ કવીન્ટલ અન્ય લીલા શાકભાજીનો આવરો થયો છે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં રવિવારે ૧૧ હજાર કવીન્ટલ ફળો પૈકી પપ૪ કવીન્ટલ સફરજન, ૬૬ર કવીન્ટલ કેળાં અને ૯૮૭૩ કવીન્ટલ અન્ય ફળોની આવક રહી છે.  મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વસવાટ કરતા નિરાધાર, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા વૃદ્ધોને તથા નિરાધાર વ્યકિતઓને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં સ્વૈચ્છિક સંગઠનો દ્વારા ભોજન આપવાની જે ટહેલ નાખી છે તેને પગલે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં આવા પ લાખ ૩૯ હજાર ૧૯ ફૂડ પેકેટસનું જિલ્લા તંત્રવાહકોએ સેવા સંગઠનોના સહયોગથી વિતરણ કર્યુ છે.

શનિવારના એક જ દિવસમાં આઠ મહાનગરોમાં ૮ર૧ર૩ ફૂડપેકેટસ ૧ર૬ જેટલી સંસ્થાઓના સક્રિય સહકારથી વિતરણ થયા છે એમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું.   શ્રી અશ્વિનીકુમારે રાજ્ય સરકારે શરૂ કરેલા સ્ટેટ કંટ્રોલરૂમના હેલ્પલાઇન ૧૦૭૦ નંબર ઉપર અત્યાર સુધીમાં ૯૦૮ કોલ્સ મદદ માટેના અને જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ હેલ્પ લાઇન ૧૦૭૭ને ૩૮૬૬ કોલ્સ મળ્યા છે તેની પણ વિગતો આપી હતી.

લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં નાગરિકોને ઘઉં-ચોખા જેવી વસ્તુઓનો પુરવઠો વિના વિઘ્ને મળી રહે તે માટે ૬ લાખ ૪પ હજર મે.ટન અનાજ એફ.સી.આઇ.ના ગોડાઉનમાં છે તેની વિગતો અન્ન-નાગરિક પુરવઠા સચિવ શ્રી મોહમદ શાહિદે આપી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં વધારાનો ૧ લાખ મે.ટન અનાજનો જથ્થો પણ ઉપલબ્ધ છે જ.        અન્ન નાગરિક પુરવઠા સચિવે ઉમેર્યુ કે, ર૦ હજાર મેટ્રિક ટન દાળ પણ નાફેડ પાસેથી ઉપલબ્ધ થાય તેની વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે.

રાજ્યમાં ૧.૦૮ લાખ મે.ટન ઘઉં, પ૧ હજાર મે.ટન ચોખા, ૬પ૦૦ મે.ટન દાળ અને ૧૦ હજાર મે.ટન ખાંડનો જથ્થો પણ એપ્રિલ માસની જરૂરિયાત મુજબ વિતરણ માટે પુરતા પ્રમાણમાં છે તેમ શ્રી શાહિદે જણાવ્યું હતું.

અન્ન નાગરિક પુરવઠા સચિવે એમ પણ કહ્યું કે, હાલની સ્થિતીએ જથ્થો જોતાં રાજ્યમાં ચાર માસ સુધી અનાજના જથ્થામાં કોઇ રૂકાવટ આવે તેમ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.