Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારતના રાજદૂતો અને હાઈ કમિશનના વડાઓ સાથે ચર્ચા કરી

નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજ 5 વાગે દુનિયાભરમાં ભારતની એલચી કચેરીઓ અને હાઈ કમિશનના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. દુનિયાભરમાં ભારતીય એલચી કચેરીઓ માટે આ પ્રકારના પ્રથમ કાર્યક્રમ સમાન આ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કોવિડ-19 રોગચાળા સામેની કામગીરી પર ચર્ચા યોજવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, અસાધારણ સમાધાન મેળવવા માટે અસાધારણ સમય જરૂરી છે, એટલે આ વૈશ્વિકરણના યુગમાં મોટા ભાગની દુનિયા પોતાની રીતે ક્વૉરન્ટાઇન થઈ ગઈ છે. આ રોગચાળા સામે લડવા આ ટાળી ન શકાય એવું પગલું હતું, પણ આ પગલાની મોટી અસર થઈ હતી, કારણ કે વૈશ્વિકૃત વ્યવસ્થા બંધ થવાથી આંતરરાષ્ટ્રીય પરિવહન વ્યવસ્થા, નાણાકીય બજારો અને આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર પર વિસ્તૃત અને દૂરગામી અસર થઈ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે ચાલુ વર્ષે જાન્યુઆરીની મધ્યમાં આ રોગચાળા સામે લડવા અભૂતપૂર્વ અને વહેલાસર પગલાં લીધા હતા, જેથી ઇન્ફેક્શનનું જોખમ ઘટે અને પરિણામે મોટા પાયે રોગચાળો ફાટી ન નીકળે. એમાં વિશ્વના સૌથી મોટો ક્વૉરન્ટાઇન અને લૉકડાઉનનું પગલું સામેલ છે, જેનો ભારતમાં અમલ થઈ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ આ રોગચાળાના કેન્દ્ર બની ગયેલા કેટલાંક વિદેશી શહેરોમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા બદલ ભારતીય રાજદૂતોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે તેમને પાંચ ચોક્કસ પગલાંની પ્રશંસા પણ કરી હતીઃ

i. તેમના, તેમની ટીમના અને તેમના પરિવારજનોના સ્વાસ્થ્ય અને સલામતી સુનિશ્ચિત કરવા;

ii. દુનિયાનાં વિવિધ દેશોમાં ભારતીયો પર ધ્યાન આપવા, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસ પર સતત નિયંત્રણોને પગલે ઊભી થયેલી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને. તેમણે ભારતીય એલચી કચેરીના વડાઓને આ પ્રકારે વિદેશમાં ફસાયેલા ભારતીયોનો જુસ્સો વધારવામાં મદદરૂપ થવા અને વિદેશમાં તેમના બિનઆયોજિત રોકાણથી જે તે દેશની સરકારો સાથે ઊભી થયેલી સમસ્યાઓનું સમાધાન કરવામાં મદદરૂપ થવા અપીલ કરી હતી તેમજ વિદેશમાં ભારતીયોને પડતી અન્ય સમસ્યાઓનું સમાધાન કરવા પણ અપીલ કરી હતી, જેમાં જ્યાં જરૂરી અને વ્યવહારિક હોય ત્યાં રોકાણની વ્યવસ્થા કરવી સામેલ છે;

iii. તેમના દેશોમાં સતર્ક રહેવા અને ભારતની કોવિડ-19 સામેની લડાઈ માટે તેમની શ્રેષ્ઠ પદ્ધતિઓની ઓળખ કરવા, ઇનોવેશન, વૈજ્ઞાનિક સફળતાઓ અને તબીબી ઉપકરણની ખરીદી કરવા. તેમણે રાજદૂતોને વિદેશમાંથી દાન મેળવવા નવરચિત પીએમ-કેર્સ ફંડ વિશેની જાણકારી લોકો વચ્ચે લઈ જવાની સલાહ પણ આપી હતી;

iv. આ કટોકટીથી અર્થતંત્રને પણ અસર થઈ હોવાથી પ્રધાનમંત્રીએ રાજદૂતોને એ સુનિશ્ચિત કરવા પણ ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું કે, વિદેશી ભાગીદારો સાથે તેમના સંકલન દ્વારા આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાના વેપારવાણિજ્ય, લોજિસ્ટિક્સ ચેઇન, રેમિટન્સ વગેરે અસર ન થાય;

v. આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતી રાજકીય અને આર્થિક સ્થિતિ પર સતત ધ્યાન રાખવું, ખાસ કરીને કોવિડ-19 રોગચાળાનાં સંદર્ભમાં.

એના જવાબમાં બેઇજિંગ, વોશિંગ્ટન ડીસી, તેહરાન, રોમ, બર્લિન, કાઠમંડુ, અબુ ધાબી, કાબુલ, માલે અને સીઓલમાં 10 રાજદૂતોએ પ્રધાનમંત્રી અને અન્ય દર્શકો સમક્ષ અભિપ્રાયો રજૂ કર્યા હતા. તેમણે આ રોગચાળા સામે લડવા ભારતે હાથ ધરેલા પગલાંને માન્યતા આપવા તેમના દેશમાં પ્રશંસા સંબંધિત પ્રતિભાવ પણ જણાવ્યાં હતાં.

આ કોન્ફરન્સમાં વિદેશમાં એલચી કચેરીઓના વડાઓએ વિદેશમાં ફસાયેલા લોકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને કામદારોને મદદ કરવાના પ્રયાસો વિશે જાણકારી આપી હતી. તેમણે દવા, તબીબી ઉપકરણો, ટેકનોલોજીઓ, સંશોધન અને અન્ય પગલાંના પ્રયાસો વિશે પણ જાણકારી આપી હતી, જે આ રોગચાળા સામે લડવા ભારતના પોતાના રાષ્ટ્રીય પ્રયાસમાં મદદરૂપ થઈ શકે છે. તેમણએ અન્ય દેશોમાં શીખેલા બોધપાઠો પણ જણાવ્યા હતા અને તેમની શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે જાણકારી આપી હતી, જે કોવિડ-19 સામેની આંતરરાષ્ટ્રીય લડાઈમાં ઉપયોગી છે. આપણા પડોશી દેશોમાં સ્થિત ભારતીય રાજદૂતોએ એ દેશોમાં રાષ્ટ્રીય કામગીરીમાં મદદરૂપ થવા માટેના પગલાં પર ભાર મૂક્યો હતો, કોવિડ-19 સામે લડવા સાર્ક દેશો માટે ભારતની પહેલ પર ઊભા કરવામાં આવેલા વિશેષ ફંડના ઉપયોગ વિશે જાણકારી આપી હતી. આ રાજદૂતોએ તેમના કામ માટે પ્રધાનમંત્રીના માર્ગદર્શન અને પ્રેરણા બદલ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ આ કોન્ફરન્સનાં અંતે ભાર મૂક્યો હતો કે, વિદેશમાં ભારતની એલચી કચેરીઓ ભલે સ્વદેશથી દૂર હોય, પણ તેઓ ભારતની કોવિડ-19 સામેની લડાઈમાં સંપૂર્ણપણે સહભાગી બની રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમામ ભારતીયોની એકતા અને સતર્કતા દેશના ભવિષ્યનું રક્ષણ કરવામાં મદદરૂપ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.