Western Times News

Gujarati News

જાણો સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જૂદી જૂદી પધ્ધતિઓ

સ્ટેમ્પ ડ્યુટી ભરવાની અલગ-અલગ પધ્ધતિઓ બાબતે લોકોને પુરતી જાણકારી ન હોવાના કારણે તેમજ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની અલગ-અલગ પધ્ધતિઓમાં શું તફાવત છે તેની જાણકારી ન હોવાના કારણે લોકોને મુશ્કેલી પડે છે તેવું ધ્યાન પર આવતાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની મુખ્ય પધ્ધતિઓ નીચે મુજબ છે.

(૧) સ્ટેમ્પ પેપરઃ- સ્ટેમ્પ પેપર માત્ર પરવાનેદાર સ્ટેમ્પ વેન્ડરો તથા પોસ્ટ ઓફીસો પાસેથી ખરીદીને સ્ટેમ્પ ડ્યુટી સ્ટેમ્પ પેપર ધ્વારા ભરપાઇ કરી શકાય છે. સ્પેમ્પ પેપર રૂા. ૧૦, ૨૦, ૧૦૦, ૫૦૦, ૧૦૦૦, ૫૦૦૦, ૧૦૦૦૦, ૧૫૦૦૦, ૨૦૦૦૦ અને ૨૫૦૦૦ના દરમાં મળે છે. સ્ટેમ્પ પેપર ઉપર જરૂરીયાત મુજબનું લખાણ કરી શકાય છે.

(૨) ફ્રેન્કીગ સ્ટેમ્પઃ માત્ર પરવાનેદાર બેંકો (સરકારી/ખાનગી/સહકારી) ધ્વારા ફ્રેન્કીગ મશીનથી છાપ પાડીને ફ્રેન્કીગ સ્ટેમ્પ લગાવી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી શકાય છે. જેટલી રકમની સ્ટેમ્પની જરૂરીયાત હોય તેટલી રકમના ફ્રેન્કીગ સ્ટેમ્પ લગાવી શકાય છે. તથા ફ્રેન્કીગ સ્ટેમ્પ છાપેલા ફોર્મ ઉપર અથવા ટાઇપ કરેલા કે લખાણ/દસ્તાવેજ ઉપર લગાવી શકાય છે.

(૩) ઇ-સ્ટેમ્પીંગઃ ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફિકેટ ધ્વારા પણ સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ થઇ શકે છે. ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફિકેટના વેચાણ માટે સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી. સાથે ગુજરાત સરકારશ્રી ધ્વારા દરેક જિલ્લાઓ/તાલુકાઓમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે તથા અન્ય સ્થળોએ ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રો શરૂ કરેલ છે. આ ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રો ઉપર જઇ નિયત ફોર્મમાં વિગતો ભરીને જેટલી રકમની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય તેટલી રકમની ચુકવણી કરી સ્ટેમ્પની માંગણી કરતાં તેટલી રકમનું કોમ્પ્‍યુટર સિસ્ટમથી જનરેટ થતું ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફિકેટ ઇસ્યુ કરવામાં આવશે.

(૪) ઇ-પેમેન્ટઃ લોકો ગમે તેટલી રકમની સ્ટેમ્પ ડ્યુટી ગમે તે સ્થળેથી ઓનલાઇન સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની એક વધુ સુવિધા રાજ્ય સરકારશ્રી ધ્વારા જાન્યુઆરી- ૨૦૧૯થી અમલમાં મુકવામાં આવેલ છે. તથા જાહેર જનતા garvi.gujarat.gov.in વેબસાઇટ ઉપર જઇ નોંધણીપાત્ર દસ્તાવેજોમાં ભરપાઇ કરવાની સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઇન ભરીને તેના ચલણની પ્રિન્ટ કાઢીને દસ્તાવેજ સાથે નોંધણી સમયે રજૂ કરવાની રહે છે. તેમ બનાસકાંઠા જિલ્લાના સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર, પાલનપુરના નાયબ કલેકટરશ્રીએ જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.