Western Times News

Gujarati News

Health: પિત્ત પ્રકોપને કારણે શરીરમાં ૪૦ જેટલા રોગ થાય છે

( ડો. શ્રીરામ વૈદ્ય Mob:9825009241) પિત્ત પ્રકોપના ૪૦ રોગ આયુર્વેદમાં દર્શાવાયા છે. શરીરના કોઈ અવયવમાં ક્ષત-વ્રણ ઉત્પન્ન થાય તો એ જખમને મટાડવા માટે દેહાગ્નિ પ્રબળ થાય છે. આ પ્રક્રિયા વખતે જે પિત્તપ્રકોપ થાય છે, તેને લીધે જ્વર, દાહ-બળતરા, તરસ, સ્વેદાધિક્ય, રક્તક્ષય વગેરે લક્ષણો ઉત્પન્ન થાય છે. 40-diseases-are-caused-in-the-body-due-to-bile-irritation

જેને પિત્ત વૃદ્ધિનાં લક્ષણો કહેવામાં આવે છે. આ પિત્ત વૃદ્ધિ જીવાણુઓના વિનાશાર્થ તેના એન્ટિબોડી ઉત્પન્ન કરવા માટે જ થાય છે. રોગના કારણભૂત જીવાણુઓ જ્યારે નષ્ટ થઈ જાય છે ત્યારે આ પિત્તવૃદ્ધિ શાંત થતા જ્વર, દાહ વગેરે લક્ષણો શાંત થાય છે.

પાચન પ્રણાલીનું પાચક પિત્ત વૃદ્ધિ પામીને વિદગ્ધ થાય છે, ત્યારે તે ખાટું બને છે, ત્યારે છાતીમાં દાહ-બળતરા, ઊબકા-ઉછાળા, ઊલટી વગેરે થાય છે. તેને અમ્લપિત્ત અથવા એસિડિટી થઈ એમ કહેવાય છે.

આ આપણા શરીરનું બીજું મૂળ તત્ત્વ પિત્ત છે. આ પિત્ત જ આહારપાચન. ધાતુપાક અને મળપાકનું મૂળ પ્રવર્તક છે. આ જ કારણથી શરીરના કોષો-સેલ્સમાં અનેક પ્રકારના પાચક રસો એન્ઝાઈમ ઉત્પન્ન થાય છે.

જે શરીરવ્યાપી પાચનક્રિયા અને મેટાબોલિઝમનું સંચાલન કરે છે. આ પાચક રસો દ્વારા જ આપણું શરીર આહારનું સરળ પાચન કરીને તેના સૂક્ષ્મ કણો કરી પોતાનામાં આત્મસાત્ કરે છે. અને તેનાથી જ શરીરના રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, વીર્ય-શુક્ર અને ઓજ ઉત્પન્ન થાય છે. આ પાચકરસો દ્વારા જ એટલે કે મૂળ તત્ત્વ પિત્ત દ્વારા જ મળ, મૂત્ર, સ્વેદાદિ, બિનજરૂરી કચરો શરીરની બહાર ફેંકાઈ જાય છે. આ રીતે પિત્ત અથવા દેહાગ્નિ શરીરને સ્વચ્છ, સુંદર અને નિર્મળ બનાવી રાખે છે.

શરીરનું પિત્તનું કર્મ તત્ત્વ સમ અવસ્થામાં કાર્ય કરે તો શરીરની ઉષ્મા-ટેમ્પરેચર યોગ્ય રીતે જળવાઈ રહે. ભૂખ, તરસ બરાબર લાગે, ત્વચાની કાંતિ-ચમક યોગ્ય રીતે જળવાઈ રહે.

નેત્રોની દૃષ્ટિ ઠીક રહે છે. રક્ત સ્વચ્છ રહે છે. મગજમાં હર્ષ-પ્રસાદ અને શૂરતાનો ભાવ રહે છે. બુદ્ધિ પણ નિર્મળ રહે છે. કોષ્ઠસ્થ અગ્નિને પાચકાગ્નિ પાચકપિત્ત કહેવાય છે.

યકૃત પ્લીહામાં રક્તરંજન કરનાર પિત્તને રંજકપિત્ત કહેવામાં આવે છે. નેત્રના રેટિનામાં રૂપદર્શન સંબંધી રાસાયણિક પરિવર્તનો કરનાર પિત્તને આલોચક પિત્ત કહેવામાં આવે છે.

તથા મગજમાં જે રાસાયણિક પ્રક્રિયાને લીધે અથવા પિત્ત દ્વારા વિભિન્ન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્રાવ-હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. તેનો વિચાર અને શારીરિક કાર્ય પર પ્રભાવ પડે છે. આ પિત્તને આયુર્વેદમાં સાધક પિત્ત કહેવામાં આવે છે. ત્વચામાં રહેલ જે પિત્ત દ્વારા કે તેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા ત્વચાની કાંતિ અથવા ભ્રાજકતા જળવાઈ રહે છે, તે પિત્તને આયુર્વેદમાં ભ્રાજક પિત્ત કહેવામાં આવે છે.

પિત્તપ્રકોપનો ઉપચાર,શરીરના પ્રકોપ પામેલા પિત્તને શાંત રાખવા માટે આહાર પચવામાં સુપાચ્ય, સરળ હોવો જોઈએ. આહાર સમયસર લેવો જોઈએ વ્યાયામ અને શ્રમથી પિત્તપ્રકોપ થાય છે.

એટલે શ્રમ-વ્યાયામ પણ ત્યાજ્ય છે. પિત્ત વૃદ્ધિવાળા દર્દીની શક્તિ વધારવા તેને પૂર્ણ વિશ્રામ કરાવવો જોઈએ. તેને સુપાચ્ય અને પૌષ્ટિક આહાર આપવો જોઈએ, કે જેથી તેની જીવાણુ-નાશક શક્તિ વધે એવાં ઔષધ હોવાં જોઈએ કે જે દ્વારા પિત્તનું નિર્હરણ થાય તથા પિત્તવૃદ્ધિ દ્વારા સંચય પામેલાં મળ, મૂત્ર, સ્વેદાદિ શરીર દ્વારા બહાર ફેંકાય અને શરીર સ્વચ્છ-નિર્મળ રહે.

પિત્તપ્રકોપની શુદ્ધિ માટે વિરેચન કર્મને ઉત્તમ ગણાવ્યું છે. એટલે મૃદુ વિરેચન દ્રવ્યોમાં સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ, મધુ વિરેચન ચૂર્ણ, ત્રિફળા, અવિપતિકર ચૂર્ણ વગેરે પ્રયોજી શકાય. આ સિવાય ચંદનાસવ, કામદુઘા, સીતોપલાદી, સૂતશેખર, આમળાં, ધૃત વગેરે રોગ અને રોગીનું બળાબળ, ઋતુ, ઉંમર વગેરેનું ધ્યાન રાખીને પ્રયોજી શકાય.

વારંવાર પિત્તની તકલીફ થતી હોય,પિત્તપ્રકોપ થાય ત્યારે ઉગ્ર થયેલું પિત્ત પોતાના ઉષ્ણ, તીક્ષ્ણ અને સૂક્ષ્મ ગુણોને લીધે શરીરનાં કોઈપણ ભાગમાં

જેવા કે ગળું, જીભ, તાળવું, આંતરડા, મળદ્વાર, યોનિપ્રદેશ અને ગર્ભાશયમાં વગેરે કોઈપણ જગ્યાએ ચાંદા પાડી શકે છે. આવા પિત્તપ્રકોપ જન્ય ચાંદા-અલ્સરમાં શતાવરી ઉત્તમ પરિણામ આપે છે. જેમને વારંવાર પિત્તની તકલીફ થતી હોય, તેમણે સૌપ્રથમ તો પિત્ત વધારનાર આહાર-વિહારનો ત્યાગ કરવો જોઈએ.

તીખી, ખારી અને ખાટી એવી ચીજોના સતત કે વધારે પડતા ઉપયોગથી પિત્તપ્રકોપ થાય છે. ચિંતા, ઉજાગરો, ગુસ્સો અને તડકામાં ફરવાથી પણ પિત્તપ્રકોપ થાય છે.

એટલે આવા બધાં પિત્તપ્રકોપકનાં કારણોનો ત્યાગ કરીને પિત્તશામક શતાવરીનો ઉપયોગ કરવાથી પિત્તની અનેક તકલીફો મટે છે.

કેટલાંકનાં શરીર ગરમ રહેતાં હોય છે. અંદરથી શરીર ગરમ હોય એવી અનુભૂતિ થાય, વારંવાર મોઢા, જીભ કે તાળવામાં ચાંદા પાડવા કે ઉપર જણાવ્યાં પ્રમાણે શરીરના કોઈપણ ભાગમાં ચાંદા પડવા, રક્તસ્ત્રાવ થવો, શરીરની આંતરિક ગરમીને લીધે વજન વધતું ન હોય, શરીર દૂબળું રહેતું હોય એવી વ્યક્તિઓએ શતાવરીનો ઉપયોગ કરવો જોઈએ.

જેમને પિત્ત પ્રકોપને લીધે નાની મોટી તકલીફ થયા કરતી હોય, તેમણે શતાવરીનો ઉપયોગ કરવો જોઈએ. ગાંધીને ત્યાંથી સારી જાતનાં એટલે કે સડેલાં ન હોય, એવા સારા, પુષ્ટ મૂળીયા લાવી, તેને સાફ કરી, ખૂબ ખાંડીને તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી બાટલીમાં ભરી રાખવું. પછી જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે આ ચૂર્ણનો ઉપયોગ કરવો. ચૂર્ણ ઔષધો સામાન્ય રીતે બે થી ત્રણ મહિને પોતાના ઔષધિય ગુણો ગુમાવતાં હોય છે. એટલે જરૂર પૂરતું જ ચૂર્ણ બનાવવું.

આયુર્વેદમાં પિત્તશામક અનેક ઔષધો છે. પરંતુ આ ઔષધોમાંથી વૈદ્યો પિત્તના રોગોમાં કયું ઔષધ વધારે પસંદ કરીને વાપરે છે.

તે આપ જાણો છો? હા, તો એ ઔષધ છે શતાવરી. આયુર્વેદિય કાચા ઔષધો વેચતા વેપારી-ગાંધીને ત્યાંથી તમે તેના મૂળિયાં લાવીને તેનો પિત્તશામક ઘરગથ્થુ ઔષધ તરીકે ઉપયોગ કરી શકો.

પિત્ત પ્રકોપ થાય ત્યારે ઉગ્ર થયેલું પિત્ત પોતાના ઉષ્ણ, તીક્ષ્ણ અને સૂક્ષ્મ ગુણોને લીધે શરીરના કોઈપણ ભાગમાં જેવાં કે ગળુ, જીભ, તાળવું, હોજરી, આંતરડાં, મળદ્વાર, યોનિપ્રદેશ અને ગર્ભાશયમાં વગેરે કોઈપણ સ્થાને ચાંદા પાડી શકે છે.

આવા પિત્ત પ્રકોપજન્ય ચાંદા-અલ્સરમાં શતાવરી ઉત્તમ પરિણામ આપે છે. જેમને પિત્ત પ્રકોપને લીધે નાની-મોટી તકલીફો થયા કરતી હોય તેમણે શતાવરીનો ઉપયોગ કરવો જોઈએ. ગાંધીને ત્યાંથી સારી જાતના એટલે કે સડેલા ન હોય, એવા પુષ્ટ મૂળિયા લાવી તેને સાફ કરી ખૂબ ખાડી તેનું વસ્રગાળ ચૂર્ણ કરી બાટલીમાં ભરી રાખો. પછી જ્યારે જ્યારે જરૂર જણાય. ત્યારે આ શતાવરી ચૂર્ણનો ઉપયોગ કરો. ચૂર્ણ ઔષધો સામાન્ય રીતે બેથી ત્રણ મહિને પોતાના ઔષધિય ગુણો ગુમાવતા હોય છે. એટલે જરૂર પૂરતું જ ચૂર્ણ બનાવવું.

જેમને વારંવાર પિત્તની તકલીફ થતી હોય તેમણે સૌ પ્રથમ તો પિત્ત વધારનાર આહાર, વિહારનો ત્યાગ કરવો જોઈએ. તીખી, ખારી અને ખાટી આ ચીજોના સતત કે વધારે પડતા ઉપયોગથી પિત્તપ્રકોપ થાય છે. ચિંતા, ઉજાગરો, ગુસ્સો અને તડકામાં ફરવાથી પણ પિત્તપ્રકોપ થાય છે.

એટલે આવા બધા પિત્તપ્રકોપક કારણોનો ત્યાગ કરીને પિત્તશામક શતાવરી ઉપયોગ કરવાથી પિત્તની અનેક તકલીફો મટે છે. પિત્તના ચાલીસ રોગો હોય છે. કેટલાકનાં શરીર ગરમ રહેતા હોય છે. માપવાથી ટેમ્પરેચર નોર્મલ જણાય. પરંતુ અંદરથી શરીર ગરમ હોય એવી અનુભૂતિ થાય.

વારંવાર મોઢા, જીભ કે તાળવામાં ચાંદા પડવા કે ઉપર જણાવ્યા પ્રમાણે શરીરના કોઈપણ ભાગમાં ચાંદા પડવા, રક્તસ્રાવ થવો, શરીરની આંતરિક ગરમીને લીધે વજન વધતું ન હોય, શરીર દુબળું રહેતું હોય. એવી વ્યક્તિઓએ શતાવરીનો ઉપયોગ કરવો જોઈએ. શતાવરીના એક ઘરગથ્થુ પ્રયોગનું નિરૂપણ કરી આ લઘુ લેખ સમાપ્ત કરીશ. ૨૫૦ ગ્રામ જેટલા દૂધમાં એક ચમચી શતાવરી ચૂર્ણ. એક ચમચી જેટલો સાકરનો ભૂક્કો અને બે ચમચી ગાયનું ઘી નાખી તેને ગરમ કરવું.

બરાબર ઉકળે ત્યારે તેને ઠંડંુ પાડી ધીમેધીમે પી જવું. આ પ્રયોગમાં વપરાતા શતાવરી દૂધ, સાકર અને ઘી, આ ચારે દ્રવ્યો પરમ શામક છે. જો વજન વધારવું હોય. તેમણે આ પ્રયોગમાં અશ્વગંધા અને જેઠીમધનો ઉંમર પ્રમાણે અડધીથી એક ચમચી જેટલો ઉમેરો કરો. સૂંઠ, મરી, પીપર, અજમો, સિંધાલૂણ, જીરું, શાહજીરું અને ઘીમાં શેકેલી હિંગ, આ આઠે ઔષધ સો સો ગ્રામ લઈ ખૂબ ખાંડી બારીક ચૂર્ણ બનાવી બાટલી ભરી લેવી.

આ થયું વૈદ્યોનું ખૂબ માનીતું હિંગ્વાષ્ટક ચૂર્ણ હિંગ મુખ્ય ઔષધ છે તેની સાથે બીજા સાત ઔષધ પડે છે જેથી તેનું નામ હિંગ્વાષ્ટક છે આફરો, ગેસ, કબજિયાત જઠરાગ્નિની મંદતા આ બધામાં અડધીથી એક ચમચી જેટલું જમ્યા પહેલાં કે જમ્યા પછી છાશમાં નાંખી પીવું.

આ ચૂર્ણ ભાતમાં ઘી નાખી એક ચમચી ચૂર્ણ લઈ ચોળીને પણ લઈ શકાય તેનાથી જઠરાગ્નિની પ્રદિપ્ત થાય છે. લાંબા સમય સુધી નિયમિત ઉપયોગ કરવાથી તથા તેની જરૂરી પરેજી પાળવાથી વર્ષો જૂની પિત્તની તકલીફો મટી જાય છે. અમ્લપિત્તહર ટૅબલેટ બે ગોળી બે વાર.

પ્રવાલ પંચામૃત ટેબલેટ મુક્તા યુક્ત એક ગોળી સવાર સાંજ. ઔદુમ્બરાવલેહ બે બે ચમચી ત્રણ વખત. પથ્યાદી ઘનવટી બે બે ગોળી ત્રણ વાર. શતાવરી ચૂર્ણ બજારમાંથી લાવીને તેને દૂધમાં ઉકાળીને સાકર મેળવી ને સવાર- સાંજ પીવું. આ બધા પ્રયોગો હંમેશા કોઈ વૈદની સલાહ મુજબ કરવા અને ઔષધો સારી આયુર્વેદિક ફાર્મસીની લેવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.