Western Times News

Gujarati News

કચ્છ માધાપર જૈન સમાજ અને દરજી યુવાઓ રોજના એક લાખ માસ્ક તૈયાર કરી કચ્છ પંથકમાં વિનામૂલ્યે વિતરણ કરે છે

કોરોના જંગના મૂક યોદ્ધાઓને મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સથી અભિનંદન પાઠવ્યા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસ કોવિડ-19 સામેના જંગમાં મૂક યોદ્ધા તરીકે સેવાકાર્ય થકી રોજના ૧ લાખ માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ કરતા કચ્છી યુવાઓની સેવાપરાયણતાને અભિનંદન પાઠવ્યા છે.

માધાપર (કચ્છ) જૈન સમાજ અને દરજી યુવાઓ સંયુકતપણે રોજના ૧ લાખ માસ્ક તૈયાર કરે છે અને વહિવટીતંત્રના સહયોગથી વિનામૂલ્યે તેનું વિતરણ કરી કોરોના વાયરસ સંક્રમણને ફેલાતું અટકાવવાના મૂક સિપાઇ બન્યા છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સેવાવ્રતીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ સંવાદ કરીને તેમની સેવાભાવનાને બિરદાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ લડાઇ લાંબી છે અને જનસહયોગ-લોકજાગૃતિ અને સ્વયં માસ્ક બાંધી રાખવો, વારંવાર હાથ ધોવા જેવા નિયમોના અનુપાલનથી આપણે તેમાં પાર ઉતરવાનું છે.

તેમણે આ સેવાવ્રતીઓની સેવાને ઇશ્વરીય કાર્ય ગણાવતા કહ્યું કે, ઇશ્વરે માનવ સેવાના સારા-ઉમદા કાર્ય કરવાની તમને સૌને પ્રેરણા આપી છે એટલે તમને સૌને આ માસ્ક બનાવવાની અને તેનું વિતરણ કરીને કોરોના વાયરસની આ કપરી સ્થિતીમાં જીવન બચાવવાની સેવા તક મળી છે.

‘‘માસ્ક ન પહેરનાર વ્યકિત સ્વયં તો સંક્રમિત થાય છે જ પરંતુ પોતાના મ્હોમાંથી થૂંક-લાળ કે વાતચીત દ્વારા નીકળતા વાયરસથી અન્યને પણ સંક્રમિત કરે છે એટલે કે આત્મહત્યા અને ખૂન બેય ગૂના કરે છે’’ એવો મત વ્યકત કરતાં શ્રી વિજયભાઇ રૂપાણીએ આ બે-બે ગૂનામાંથી શકય તેટલા વધુ લોકોને બચાવવાના પ્રેરણા કાર્ય માટે માસ્ક બનાવવાથી વિતરણ સુધીની સેવાપ્રવૃત્તિમાં જોડાયેલા સૌને બિરદાવ્યા હતા અને કચ્છને કોરોનામુકત રાખવાનો સંકલ્પ પાર પાડવા અપિલ કરી હતી.

આ યુવાઓએ પણ કોરોના સામેના જંગમાં રાજ્ય સરકાર મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં જે ઝડપી અને અસરકારક પગલાં લઇ રહી છે તેનો આભાર વ્યકત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.