Western Times News

Gujarati News

તાપી જિલ્લાના પ્રથમ “કોરોના” પેશન્ટને રજા અપાઈ ;

સારવાર કરનાર તબીબોનો આભાર વ્યક્ત કરતા કંસાબેન ગામિત

વ્યારા: તા: 4: તાપી જિલ્લાના વ્યારા તાલુકાનાં માયપુર ગામના 35 વર્ષીય મહિલા નામે કંસાબેન ગામીતનો “કોરોના”નો રિપોર્ટ પોઝેટિવ આવ્યા બાદ, તેમને ગત તા. 20 4 2020 ના રોજ, વ્યારાની સિવિલ હોસ્પીટલ ખાતે કાર્યરત કોવિદ-19 ડેડીકેટેડ હોસ્પીટલમાં આઇસોલેટ કરાયા હતા. જ્યાં “કોરોના” પેશન્ટ માટેના નિયત પ્રોટોકોલ સાથે સારવાર અપાયા બાદ, આ દર્દીના અન્ય 2 જેટલા રિપોર્ટ્સ નેગેટિવ આવતા, આજે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

તાપી જિલ્લાના સી.ડી.એમ.ઓ.શ્રી ડો.નૈતિક ચૌધરીના જણાવ્યા અનુસાર,તાપી જિલ્લાના આ પ્રથમ “કોરોના” પોઝેટિવ દર્દીને કોવિદ-19 ડેડીકેટેડ હોસ્પિટલમાં ફિજીશિયન તરીકે ડો.નિમેશ ચૌધરી, ડો.કુંજન ચૌધરી,ડો.હેમાંગીની ચૌધરી,ડો.નિલેશ ચૌધરી,અને ડો.જૈનિસગામિતે સારવાર આપી હતી. જેમને જનરલ હોસ્પિટલ તબીબી અધિકારીઓ ડો.ભદ્રેશ પટેલ, ડો.જિગ્નેશ ચૌધરી, ડો.હિનાબેન પટેલ, ડો.હિતેશ ગામિત, ડો.રાજન ચૌધરી, ડો મનીષ રાણા,ડો.કુણાલ સોની, ડો.જયશ્રી ચૌધરી, ડો.અંકુર પટેલ વિગેરેનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

આ ઉપરાંત સ્ટાફ નર્સ તરીકે સ્વાતિ ગામિત, યુનિતા ગામિત, હર્શિદા ગામિત,કાજલ ગામિત, સહિત વોર્ડકર્મી તુષાર ગામિત, કિશોર ગામિત,કામિની સોલંકી દ્વારા 24/7 સેવા, સુશ્રુષા આપીને, આજે તેને સ્વગૃહે જવા માટે રજા આપવામાં આવી છે. તાપી જિલ્લાના પ્રથમ “કોરોના” દર્દી તરીકે દાખલ કરાયેલા આ દર્દીનો સારવાર દરમિયાન પ્રથમ રિપોર્ટ તા. 2 5 2020 ના રોજ, તથા બીજો રિપોર્ટ તા.3 5 2020ના રોજ નેગેટિવ આવતા, તા.4 5 2020ના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, તેમ પણ ડો. ચૌધરીએ વધુમાં જણાવ્યુ હતું.

તાપી જિલ્લાના પ્રથમ દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાતા હવે આજની તારીખે, તાપી જિલ્લામાં એક પણ “કોરોના” દર્દી સારવાર હેઠળ નથી, તેમ જણાવતા તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હર્ષદ પટેલે વાલોડ તાલુકાનાં કલમકુઇ ગામના આરોગ્ય કર્મચારી કે જેઓ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ફરજ બજાવતા હતા તે સુરત ખાતે, અને કુકરમુંડા તાલુકાનાં કેન્સરગ્રસ્ત યુવાન કે જેનો “કોરોના” રિપોર્ટ પણ અમદાવાદ ખાતે પોઝેટિવ આવ્યો હતો, તે દર્દી અમદાવાદ ખાતે સારવાર લઈ રહ્યા છે તેમ જણાવ્યુ હતું.

જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાની આરોગ્ય ટિમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી હાથ ધરવા સાથે, તાપી જિલ્લાને “કોરોના મુક્ત” બનાવવા માટે સૌના સહયોગની પણ ડો.હર્ષદ પટેલે અપીલ કરી છે.

તાપી જિલ્લાના પ્રથમ “કોરોના” દર્દીને રજા આપી સ્વગૃહે મોકલવા બદલ સમગ્ર આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવતા જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીએ આજથી શરૂ થતાં “લોકડાઉન”ના ત્રીજા તબક્કામાં જિલ્લાના પ્રજાજનોને મળેલી છૂટછાટનો ખૂબ જ સંયમપૂર્વક ઉપયોગ કરવા, અને બિનજરૂરી રીતે બહાર નહીં નીકળવા, ફેસ માસ્ક, હેન્ડ ગ્લોઝ, અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાતપણે પાલન કરવા પણ આહ્વાન કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.