Western Times News

Gujarati News

વલસાડ જિલ્લામાં કલમ -૧૪૪ તા.૧૭મી મે સુધી લાગુ રહેશે

વલસાડઃ વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019) ને વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશન દ્વારા  વૈશ્વિક  મહામારી જાહેર કરવામાં આવતાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.  જે અનુસંધાને નોવેલ કોરોના વાયરસના ઝડપથી સંક્રમણને ધ્‍યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવરવાળા જાહેર અને ખાનગી સ્‍થળોએ વાયરસને ફેલાતો અટકાવવા અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ એન.એ.રાજપૂત દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩-ની કલમ ૧૪૪ તથા ગુજરાત પોલીસ એકટની કલમ-૩૭(૪) તાત્‍કાલિક અસરથી તા. ૧૭/૦૫/૨૦૨૦ સુધી સમગ્ર જિલ્લામાં લાગુ કરવામાં આવી છે.

આ હુકમ હેઠળ સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનધિકૃત/ ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્‍યક્‍તિઓએ સમગ્ર વલસાડ જિલ્લામાં કોઇપણ જગ્‍યાએ એકીસાથે ભેગા થવા ઉપર પ્રતિબંધ રહેશે.

મોલ, મલ્‍ટીપ્‍લેક્ષ, સિનેમા અને નાટયગૃહો કે જયાં મોટી સંખ્‍યામાં લોકોની અવર-જવર થતી હોય તેવા તમામ સ્‍થળો તેમજ જીમ, સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ સ્‍વીમિંગ પુલ, ડાન્‍સ કલાસીસ, ગેમ ઝોન, કલબ હાઉસ, વોટર પાર્ક, ઓડીટોરીયમ, એમ્‍યુઝમેન્‍ટ પાર્ક, પાર્ટી પ્‍લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી કે જયાં મોટી સંખ્‍યામાં લોકોની અવરજવર થતી હોય તેવા તમામ સ્‍થળો જાહેર જનતા માટે બંધ રાખવાના રહેશે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્‍થાઓ ટયુશન કલાસ વગેરે સ્‍થળોએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું રહેશે.

કોઇપણ વ્‍યકિત/ સંસ્‍થા/ કોરાના વાયરસ અંગેની કોઇ પણ પ્રકારની અફવા પ્રિન્‍ટ કે સોશિયલ મીડીયા મારફતે ફેલાવશે તો તે ગુનો ગણાશે અને તેમના વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

જો કોઇ મુસાફર જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્‍તાર/ દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલા હોય તો તેમણે નજીકની સરકારી હોસ્‍પિટલ ખાતે તથા જિલ્લા  હેલ્‍પલાઇન નંબર ૧૦૪ ઉપર ફરજીયાત જાણકારી આપવાની રહેશે.

લગ્ન પ્રસંગમાં ૫૦થી વધુ વ્‍યક્‍તિઓ સામેલ થઇ શકશે નહીં તેમજ પ્રસંગમાં હાજર રહેનાર તમામ વ્‍યક્‍તિઓએ માસ્‍ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્‍ટન્‍સિંગ પણ જાળવવાનું રહેશે.

આ હુકમ જે વ્‍યકિત સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્‍ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્‍સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવાને તથા સ્‍મશાનયાત્રાને લાગુ પડશે નહીં. કરીયાણું-શાકભાજી- દુધ ચીજ વસ્‍તુઓનું જ વેચાણ ચાલુ રાખી શકાશે.

આ હુકમના ભંગ કરનાર વ્‍યકિત ભારતીય ફોજદારી અધિનિયમની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.