Western Times News

Gujarati News

વલસાડ જિલ્લામાં શરતોને આધીન દુકાનો ચાલુ રાખવા અંગેનું જાહેરનામું

File

પ૦ ટકા સ્‍ટાફ સાથે માસ્‍ક પહેરીને સોશિયલ ડીસ્‍ટન્‍સ જાળવી સવારે ૭-૦૦ થી સાંજના ૭-૦૦ કલાક સુધી દુકાનો ચાલુ રાખી શકાશે

વલસાડ, કેન્‍દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર ભારતમાં તા.૧૭/પ/૨૦૨૦ સુધી આવશ્‍યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકૂફ રાખવા વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી લોકડાઉન લંબાવવામાં આવ્‍યું છે. જે અન્‍વયે રાજ્‍ય સરકારના ગૃહ વિભાગની સૂચના મુજબ જાહેર હિતને ધ્‍યાને લેતા પ્રજાને વધુ હાડમારી ન પડે તે માટે વલસાડ જિલ્લા મેજિસ્‍ટ્રેટ સી.આર.ખરસાણે એક જાહેરનામા દ્વારા નગરપાલિકા વિસ્‍તાર સિવાયના વિસ્‍તારમાં આવતી દુકાનો તાત્‍કાલિક અસરથી તા.૧૭/પ/૨૦૨૦ સુધી પ૦ ટકા સ્‍ટાફ સાથે સોશિયલ ડિસ્‍ટન્‍સિંગ રાખી શરતોને આધીન કેટલીક દુકાનો શરૂ કરવા તથા પ્રતિબંધ જાહેર કરવાનો હુકમ કર્યો છે.

જે અનુસાર નગરપાલિકા વિસ્‍તાર સિવાયના ગ્રામ્‍ય વિસ્‍તારમાં આવેલી તમામ દુકાનો કે જે શોપ અને એસ્‍ટાબ્‍લિશમેન્‍ટ એકટ હેઠળ નોંધાયેલી હોય તે તેઓના કુલ કર્મચારી/ કામદારોના પ૦ ટકા સ્‍ટાફ સાથે માસ્‍ક પહેરીને સોશિયલ ડીસ્‍ટન્‍સ જાળવી સવારે ૭-૦૦ થી સાંજે ૭-૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે, તે સિવાય માર્કેટ/ માર્કેટ કોમ્‍પ્‍લેક્ષ અને મલ્‍ટીબ્રાન્‍ડ અને સીંગલ બ્રાન્‍ડ મોલ તથા તેમાં આવેલી દુકાનો ચાલુ રાખી શકાશે નહીં.

નગરપાલિકા વિસ્‍તારમાં આવેલી દુકાનો પૈકી માર્કેટ કોમ્‍પ્‍લેક્ષ, મલ્‍ટીબ્રાન્‍ડ અને સીંગલ બ્રાન્‍ડ મોલમાં આવેલી દુકાનો સિવાયની તમામ દુકાનો કે શોપ અને એસ્‍ટાબ્‍લિશમેન્‍ટ એકટ હેઠળ નોંધાયેલી હોય તે તેઓના કુલ કર્મચારી/ કામદારોના પ૦ ટકા સ્‍ટાફ સાથે માસ્‍ક પહેરીને ફરજિયાત સોશિયલ ડીસ્‍ટન્‍સ જાળવી સવારે ૭-૦૦ થી બપોરે ૭-૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે.

આ જાહેરનામામાં જણાવ્‍યા મુજબ જિલ્લામાં ઇ-કોમર્સ કંપનીઓ આવશ્‍યક ચીજવસ્‍તુઓનું જ વેચાણ કરી શકશે. તમાકુ, પાન, ગુટકા, સિગરેટ તથા કેફી પદાર્થો વેચાણ કરતા એકમો, સ્‍પા, રેસ્‍ટોરન્‍ટ અને હોટલ બંધ રહેશે. સમગ્ર વલસાડ જિલ્લામાં કન્‍ટેઇનમેન્‍ટ ઝોન અને બફર ઝોનના વિસ્‍તારમાં દુકાનો બંધ રાખવાની રહેશે. દુકાનદારોએ દુકાનો આવવા-જવા માટે પોતાનું ઓળખકાર્ડ/ આધારકાર્ડ તથા દુકાનના લાયસન્‍સની નકલ સાથે રાખવાની રહેશે, જે માટે કોઇ પાસ લેવાની જરૂર રહેશે નહીં, એવી સ્‍પષ્‍ટતા પણ કરવામાં આવી છે.

દુકાનો શરૂ કરવા માટે દુકાનદારોએ કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે. જે અનુસાર જાહેરનામામાં દર્શાવેલી તેમજ રાજ્‍ય/ કેન્‍દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવનાર તમામ માર્ગદર્શિકાઓ તથા તમામ શરતોનું પાલન કરવાની જવાબદારી જે તે એકમ/ સંસ્‍થાના માલિકને રહેશે. કન્‍ટેઇનમેન્‍ટ ઝોન સિવાયના વિસ્‍તારોમાં જ ઉક્‍ત છુટછાટો લાગુ પડશે. અને ભવિષ્‍યમાં નવો કોઇ વિસ્‍તાર કન્‍ટેઇનમેન્‍ટ ઝોન જાહેર થશે તો તે વિસ્‍તાર માટે આ છુટછાટો તાત્‍કાલિક અસરથી નાબુદ થયેલી ગણાશે.

કોવિડ-૧૯ની પરિસ્‍થિતિ સંદર્ભે કેન્‍દ્ર/ રાજ્‍ય સરકાર, જિલ્લા કલેક્‍ટર, પોલીસ અધિક્ષક તેમજ અન્‍ય સંલગ્ન સરકારના સક્ષમ અધિકારી કે સંબંધિત વિભાગ દ્વારા જે કોઇ માર્ગદર્શિકા કે સૂચનાઓ બહાર પાડવામાં આવે તે તમામ માર્ગદર્શિકા/ શરતો/ સૂચનાઓનું ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે. સોશિયલ ડીસ્‍ટન્‍સ જાળવવા માટે દુકાનદારે કલરના કુંડાળા કે ચોરસ માર્કિંગ ફરજિયાતપણે કરવાનું રહેશે. દુકાનોમાં કામ કરનાર તમામ સ્‍ટાફે ફ્રેશ માસ્‍ક અને હેન્‍ડ ગ્‍લોવ્‍ઝ ફરજિયાતપણે પહેરવાના રહેશે. તેમજ દુકાન માલિકોએ કામના સ્‍થળે જરૂરી હાઇજીન/ સેનિટાઇઝીંગની વ્‍યવસ્‍થા રાખવાની રહેશે. દુકાનદારે હેન્‍ડ ગ્‍લોવ્‍ઝ પહેરીને જ તમામ ચીજવસ્‍તુઓ ગ્રાહકોને આપવાની રહેશે.

વલસાડ જિલ્લામાં કન્‍ટેઇનમેન્‍ટ ઝોન તરીકે જાહેર કરેલા વિસ્‍તારમાંથી કર્મચારી/ કામદારો આવી શકશે નહીં.   આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તેમજ નેશનલ ડીઝાસ્‍ટર મેનેજન્‍ટ એકટની કલમ-પ૧ થી ૬૦ની જોગવાઇ હેઠળ સજાને પાત્ર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.