Western Times News

Gujarati News

વલસાડ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા નિયંત્રણો અને પ્રતિબંધાત્‍મક આદેશો

વલસાડ, કેન્‍દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર ભારતમાં તા.૧૭/પ/૨૦૨૦ સુધી આવશ્‍યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકૂફ રાખવા વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી લોકડાઉન લંબાવવામાં આવ્‍યું છે. જે અન્‍વયે રાજ્‍ય સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના નોટીફિકેશનને ધ્‍યાને લઇ વલસાડ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનનું ચુસ્‍તપણે અમલવારી કરવાના હેતુસર જિલ્લા મેજિસ્‍ટ્રેટ સી.આર.ખરસાણે એક જાહેરનામા દ્વારા કેટલાક નિયંત્રણો અને પ્રતિબંધાત્‍મક આદેશો જારી કર્યા છે.

જે અનુસાર તબીબી સેવા સિવાય મુસાફરોની તમામ સ્‍થાનિક અને આંતરરાષ્‍ટ્રીય હવાઇ મુસાફરી બંધ રહેશે. પરંતુ એર એમ્‍બ્‍યુલન્‍સ અને સુરક્ષા હેતુઓ માટે અથવા એમ.એચ.એ. દ્વારા આપવામાં આપેલી પરવાનગીને આ લાગુ પડશે નહીં.  તમામ મુસાફર ટ્રેનો, પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટ માટે આંતરરાજ્‍ય બસો બંધ રહેશે. સલામતી હેતુ માટે અથવા કેન્‍દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી પરવાનગીને આ લાગુ પડશે નહીં.

તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક, તાલીમ, કોચિંગ સંસ્‍થા વગેરે બંધ રહેશે, પરંતુ ઓનલાઇન/ ડિસ્‍ટન્‍સ લર્નિંગથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે.

તમામ હોટેલ, અતિથિગૃહો બંધ રહેશે, સિવાય કે તેનો ઉપયોગ આરોગ્‍ય/ પોલીસ/ સરકારી અધિકારીઓ/ આરોગ્‍ય કર્મચારીઓ/ પ્રવાસીઓ સહિત અટવાઇ ગયેલા લોકો તથા ક્‍વોરોન્‍ટાઇનમાં રાખવામાં આવેલા લોકો માટે હોય. તમામ સિનેમા હોલ, શોપિંગ મોલ, જિમ્‍નેશીયમ, રમતગમત કોમ્‍પ્‍લેક્ષ, સ્‍વિમિંગ પુલ, બગીચા, થિયેટર તથા ઓડીટોરીયમ, એસેમ્‍બ્‍લી હોલ તથા અન્‍ય સરખી જગ્‍યાઓ બંધ રહેશે. તમામ સોશિયલ/ રાજકીય/રમતો/ મનોરંજન/ સાંસ્‍કૃતિક/ ધાર્મિક કાર્યક્રમો અન્‍ય મેળાવડા બંધ રહેશે. તમામ ધાર્મિક સ્‍થળો, પૂજા સ્‍થળો, પ્રાર્થના-બંદગીના સ્‍થળો બંધ રહેશે. ધાર્મિક કારણોસર એકઠા થવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે.

તબીબી કારણોસર અથવા એમ.એચ.એ. પ્રવૃત્તિઓને અપાયેલી પરવાનગી સિવાય આંતરરાજ્‍ય વ્‍યક્‍તિગત અવર-જવર બંધ રહેશે.

લોકોના કલ્‍યાણઅને સલામતીના પગલાંરૂપે આવશ્‍યક સેવામાં ન આવતી હોય તેવી તમામ પ્રવૃત્તિ માટે વ્‍યક્‍તિઓની આવનજાવન સાંજના ૭-૦૦ થી સવારના ૭-૦૦ વાગ્‍યા સુધી સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે. ૬૫ વર્ષથી વધુ ઉંમરની વ્‍યક્‍તિઓ, ગર્ભવતી મહિલાઓ તથા ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ ઘરમાં રહેવું ફરજિયાત છે. સિવાય કે આવશ્‍યક જરૂરિયાતો પૂરી કરવા કે આરોગ્‍યના કારણો માટે બહાર જવું પડે. વલસાડ જિલ્લામાં સામેલ તમામ કન્‍ટેઇનમેન્‍ટ ઝોનમાં ઓપીડી તથા મેડીકલ કલીનીક ખોલી શકાશે નહીં. ઉપરાંત કન્‍ટેઇનમેન્‍ટ ઝોનમાં અગાઉના જાહેરનામા મુજબની અમલવારી કરવાની રહેશે.

વલસાડ જિલ્લો ઓરેન્‍જ ઝોનમાં છે. જેથી સરકારની માર્ગદશિકા અને સૂચના મુજબ ખાસ કિસ્‍સામાં મળેલી પરવાનગી સિવાય આંતરરાજ્‍ય તથા આંતરજિલ્લા બસ પરિહન બંધ રહેશે. ટેકસી અને કેબની અવરજવર, એક ડ્રાઇવર અને બે પેસેન્‍જર સાથેની નિર્ધારિત નિયંત્રણો સાથે છૂટ રહેશે. ખાનગી ફોર વ્‍હીલરમાં ડ્રાઇવર ઉપરાંત માત્ર બે વ્‍યક્‍તિઓ અવરજવર કરી શકશે. વ્‍યક્‍તિ અને વાહનોની આંતર રાજ્‍ય અવર-જવર પરવાનગી વગર કરી શકાશે નહીં.

આવશ્‍યક પ્રવૃત્તિઓ જેવી કે, ખાલી ટ્રકો/ માલસામાન સહિતની ટ્રકો/ કાર્ગોના આંતરરાજ્‍ય પરિવહન માન્‍ય રહેશે. અવરજવરને અટકાવાશે નહીં. આ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા ૩જી મે સુધીના લોકડાઉન દરમિયાન આપવામાં આવેલી પરવાનગી તા.૧૭મી મે સુધી માન્‍ય રહેશે, જેના માટે નવેસરથી પરવાનગી લેવાની રહેશે નહીં.

કેદ્રિય ગૃહ મંત્રાલય દ્વારા જે સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ (એસઓપી) જારી કરવામાં આવેલા છે, તે અમલમાં રહેશે. જેમાં તા.૨/૪/૨૦નો ભારતમાં વિદેશી નાગરિકોની ટ્રાન્‍ઝિટ વ્‍યવસ્‍થા તથા કવોરિન્‍ટિનમાં રાખેલા લોકોને મુક્‍તિ, તા.૨૧/૪/૨૦નો રાજ્‍ય, કેન્‍દ્રશાસિત પ્રદેશમાં ફસાયેલા મજૂરોની તેમજ ભારતીય માછીમારોની અવરજવર અંગેનો, તા.૨૯/૪/૨૦ અને તા.૧/૫/૨૦નો અટવાઇ ગયેલા સ્‍થળાંતરિત મજૂરો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ તથા અન્‍ય વ્‍યક્‍તિઓની અવરજવર અંગેના એસ.ઓ.પી.નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત નેશનલ ડિરેકિટવ્‍સ ફોર કોવિલ-૧૯ મેનેજમેન્‍ટ પગલાંનું જાહેર સ્‍થળે તથા કામના સ્‍થળે ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે.           કોઇપણ વ્‍યક્‍તિ લોકડાઉનના આ પગલાંનું તથા કોવિડ-૧૯ માટે નેશનલ ડિરેક્‍ટિવ્‍સ મેનેજમેન્‍ટનું ઉલ્લંઘન કરશે તેમની વિરુદ્ધ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટ-૨૦૦૫ની કલમ ૫૧ થી ૬૦ની જોગવાઇઓ તેમજ આઇપીસી કલમ ૧૮૮ હેઠળ પગલાં લેવાશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.