Western Times News

Gujarati News

વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન લાવવા માટે ભારત સરકાર સુવિધા શરૂ કરશે

File photo

7 મેથી તબક્કાવાર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે

 PIB Ahmedabad, ભારત સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને અનિવાર્યતાના આધારે તબક્કાવાર વતન પરત લાવવાની સુવિધા શરૂ કરશે. તેમની મુસાફરીની વ્યવસ્થા વિમાન અથવા નૌસેનાના જહાજ દ્વારા કરવામાં આવશે. આ સંબંધે પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) તૈયાર કરવામાં આવ્યા છે.

ભારતીય દૂતાવાસો અને ઉચ્ચ આયુક્તો દ્વારા ફસાયેલા ભારતીયોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આ સુવિધા મેળવવા માટે મુસાફરોએ ચાર્જ ચુકવવાનો રહેશે. હવાઇ મુસાફરી માટે નોન-શિડ્યૂલ્ડ વ્યાપારિક ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવશે. આ મુસાફરીની શરૂઆત 7 મેથી તબક્કાવાર કરવામાં આવશે.

ફ્લાઇટમાં આવતા પહેલા તમામ મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવશે. જેમનામાં લક્ષણો ન દેખાતા હોય, માત્ર તેવા જ લોકોને મુસાફરીની મંજૂરી આપવામાં આવશે. મુસાફરી દરમિયાન, આ તમામ મુસાફરોએ આરોગ્ય મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આરોગ્ય પ્રોટોકોલ સહિત તમામ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.

ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા પછી, તમામે આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં નોંધણી કરાવવાની રહેશે. દરેકની તબીબી તપાસ કરવામાં આવશે. તમામ તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તેમને 14 દિવસ સુધી હોસ્પિટલમાં અથવા સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન સુવિધામાં રાખવામાં આવશે જ્યાં તેમણે આ માટે સંબંધિત રાજ્ય સરકારને ચાર્જ ચુકવવાનો રહેશે. 14 દિવસ પછી તેમનું કોવિડ પરીક્ષણ કરવામાં આવશે અને આરોગ્ય પ્રોટોકોલ અનુસાર ત્યારપછીની કાર્યવાહી કરવામાં આવશે.

વિદેશ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય ટૂંક સમયમાં આ સંબંધે તેમની વેબસાઇટ મારફતે વિગતવાર માહિતી પૂરી પાડશે.

રાજ્ય સરકારોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ વિદેશથી પરત ફરી રહેલા ભારતીયો માટે તેમના રાજ્યોમાં પરીક્ષણ, ક્વૉરેન્ટાઇન અને તે પછીની કામગીરી માટે જરૂરી વ્યવસ્થા કરી રાખે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.