Western Times News

Gujarati News

કોરોનાના લક્ષણ હશે તો જ ટેસ્ટિંગ કરવા કમિશનરની જાહેરાત

file

અમદાવાદ કોરોના વાયરસના સકંજામા ફસાયું છે અને છેલ્લા 5 દિવસ થી રોજ 200 કરતા વધુ કેસો નોંધાઈ રહ્યાં છે. કેસની કુલ સંખ્યા 4100 નજીક પહોંચી છે અને મૃત્યુઆંક પણ 239ને પાર કરી ગયો છે. આવા સંજોગોમાં મ્યુનિસિપલ કમિશનરે પ્રથમ વખત ટેસ્ટિંગ ઓછા કરવા તેમજ મર્યાદિત સાધનો હોવાની કબૂલાત કરી છે.

મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે નાગરિકો ના વહેમ અને શંકાને દૂર કરવા માટેનો આ સમય નથી. મર્યાદિત સાધનો હોવાથી મોટાપાયે ટેસ્ટિંગ હાલમાં શક્ય નથી. જે લોકોને કોરોનાના લક્ષણો જોવા મળશે તેમનો જ ટેસ્ટ કરાશે. તેમણે ઉમેર્યું હતું કે જે લોકોના ઘર, સોસાયટી કે ઓફિસમાં કોરોના પોઝિટવ કેસ બહાર આવ્યા હોય તેવા અનેક લોકો ટેસ્ટિંગ માટે આગ્રહ કરી રહ્યાં છે

પરંતુ સાધનોની અછતને કારણે લક્ષણો દેખાયા વિના ટેસ્ટિંગ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. તેમણે ઉમેર્યું કે એવું બની શકે છે કે જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યો હોય અને તેનો તુરંત બીજા દિવસે ટેસ્ટ કરવામાં આવે તો તેનો રિપોર્ટ નેગેટિવ આવી શકે છે. પરંતુ એક સપ્તાહ બાદ તે સંપર્કમાં આવેલો વ્યક્તિ પોઝિટિવ નીકળે છે. જેથી કોરોનાના લક્ષણો દેખાયા બાદ જ ટેસ્ટિંગ કરાશે.

શહેરમાં પહેલી વખત કોરોના વાયરસનો ગ્રોથ રેટ પાંચ ટકાથી નીચો ગયો છે. અગાઉ આ ગ્રોથ રેટ 30-35 ટકા સુધી પણ પહોંચ્યો હતો. જેથી હવે આશા બંધાઈ છે અને ગ્રોથ રેટને ઝીરો સુધી લઈ જવા માટે પ્રયત્નો હાથ ધરી દેવાયા છે.

મ્યુનિ. કમિ. નેહરાએ લોકોને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે શાકભાજી લેતાં પૂર્વે ફેરિયાઓ પાસેથી સ્ક્રિનીંગ કાર્ડ જોવાનો આગ્રહ રાખો. શાકભાજીના ફેરિયાઓ સુપર સ્પ્રેડર્સની વ્યાખ્યામાં છે અને મોટાપાયે તેમના ટેસ્ટિંગ કરી તેમને સ્ક્રિનીંગ કાર્ડ અપાયા છે.

જેથી કાર્ડ રજૂ નહીં કરી શકનારા ફેરિયાઓ પાસેથી શાકભાજી ખરીદવાનું ટાળવા તેમણે ખાનગી પ્રેક્ટીસ કરનારા તબીબોને પણ અપીલ કરી છે કે હવે તેઓ પોતાના દવાખાના, ક્લિનીક, હોસ્પિટલો શરૂ કરે. આવા કપરા સંજોગોમાં તેમની મદદની ખાસ જરૂર છે. તેમને કોઈપણ પ્રકારની તકલીફ ઉભી થશે તો અમદાવાદ મહાનગરપાલિકા તેમની તુરંત મદદ કરશે તેવી તેમણે હૈયા ધરપત પણ આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.