Western Times News

Gujarati News

કોરોના વોરિયર્સ સફાઇ કામદારોનું સન્માન કરતા આહવાના શ્રેષ્ઠી નગરજનો

(ડાંગ માહિતી બ્યૂરો)ઃ આહવાઃ તાઃ ૦૯ઃ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કોરોના વોરિયર્સ ગ્રામ પંચાયતના સફાઇ કામદારોનું સન્માન આહવાનગરના સહયોગ સોસાયટીના રહીશો દ્વારા આજરોજ કરવામાં આવ્યું હતું.

કોરોના વાઇરસને અટકાવવા માટે સરકારશ્રી દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. સાથે સાથે આરોગ્ય સારૂ બની રહે તે માટે વારંવાર નાની નાની બાબતોમાં તકેદારી રાખવાનો અનુરોધ કરવામાં આવે છે. ત્યારે વહેલી સવારથી જ ગ્રામજનોની સુખાકારી માટે સફાઇ કામદારો પોતાની ફરજ બજાવવા નીકળી પડે છે. કોરોના વોરિયર્સના ઉત્સાહ વધારવાનો દિશા નિર્દેશ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપ્યો છે. વિશ્વવ્યાપી કોરોનાના કહેરને અટકાવવા માટે કપરી પરિસ્થિતિમાં પણ વહીવટીતંત્રના કોરોના વોરિયર્સ કર્મયોગી ભાવનાથી પોતાની ફરજ બજાવે છે.

આજરોજ આહવાનગરના સહયોગ સોસાયટીના રહીશો દ્વારા પ્રેરક કાર્ય કરવામાં આવ્યું હતું. ઉત્પલભાઇ પુરોહિતે માહિતી આપતા જણાવ્યું હતું કે વહેલી સવારે અડીખમ ફરજ બજાવતા કોરોના વોરિયર્સ સફાઇ કામદારો સાચા અર્થમાં ગ્રામજનોની સેવાઓ કરી રહયા છે. આજે લોકોના સન્માનની તક મળી છે. સોસાયટીના રહીશોએ આ કામદારોને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું. સાથે સાથે રોજીંદા વપરાશમાં આવતી નાની વસ્તુઓની કિટ તથા થોડી રોકડ રકમ પણ આપવામાં આવી હતી. આમ સોસાયટીના રહીશોએ તેઓના કામને બિરદાવી ઋણ સ્વિકારની ભાવના પ્રગટ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.