Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૫૬ ટ્રેન દ્વારા  કુલ ૨.૨૯ લાખ શ્રમિકો વતન પહોંચાડાયા

પ્રતિકાત્મક

સૌથી વધુ ઉત્તર પ્રદેશ માટે ૧૦૯ ટ્રેન મારફતે ૧,૫૯,૦૬૦ શ્રમિકો વતન ભણી:અમદાવાદ પૂર્વમાંથી ૧,૧૯,૫૧૫ શ્રમિકો વતન પહોંચ્યા

શ્રમિકોની વતન વાપસી માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ આગવી વ્યવસ્થા ગોઠવી છે. એ શ્રુંખલામાં આજે ૧૪,૪૩૪ શ્રમિકો પોતાના વતન ભણી રવાના થયા છે. એ સાથે કુલ મળીને ૨,૨૮,૮૯૧ શ્રમિકો સુખ-સુવિધા અને સંતોષ સાથે સુરક્ષિત રીતે પોતાના પહોંચી ચુક્યા છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી કે.કે.નિરાલાએ જણાવ્યું છે કે, લોકડાઉનના પગલે અમદાવાદ જિલ્લામાં અટવાયેલા શ્રમિકોને સત્વરે પોતાના વતન મોકલાવાની જરૂરિયાતના પગલે જિલ્લા વહીવટી તંત્રએ સમગ્રતયા આયોજન કરીને આ વ્યવસ્થાને પરિણામલક્ષી બનાવી છે. શ્રી નિરાલાએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં ઠેક ઠેકાણે રહેતા શ્રમિકોને પોતાના ઘરેથી અમદાવાદ ખાતે નિયત કરાયેલ જગાએ  લાવવામાં આવે છે, અહીં તેમના ભોજન-પાણી-નાસ્તો અને અન્ય આનુષાંગિક વ્યવસ્થાઓ કરી ત્યાંથી જ એક સાથે બધાને રેલ્વે સ્ટેશન ખાતે લાવવામાં આવે છે.

શુક્રવારે કુલ ૧૦ ટ્રેન દ્વારા ૧૪,૪૩૪ શ્રમિકો વતન રવાના થયા છે. અમદાવાદથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડીસા, ઉત્તરાખંડ અને ઝારખંડ એમ વિવિધ રાજ્યોમાં શ્રમિકો-પર પ્રાંતિયોને મોકલવામાં આવ્યા છે. અમદાવાદથી ૧૦૯ ટ્રેન દ્વારા સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૯,૦૬૦ શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા છે. આજ રીતે અમદાવાદથી બિહારમાં ૩૩ ટ્રેન દ્વારા ૫૦,૧૨૨, ઓડીસામાં ૩ ટ્રેન દ્વારા ૪,૦૦૦, છત્તીસગઢ માટે ૬ ટ્રેન દ્વારા ૮,૫૪૪, ઉત્તરાખંડ માટે ૨ ટ્રેન દ્વારા ૨,૮૧૭ તથા અમદાસ્વાદથી ઝારખંડ ૩ ટ્રેન દ્વારા ૪,૩૪૮ શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા છે.

આમ સમગ્રતયા  અમદાવદથી ૧૫૬ ટ્રેન દ્વારા કુલ ૨,૨૮,૮૯૧ શ્રમિકો-પર પ્રાંતિયોને મોકલવામાં આવ્યા છે. જિલ્લામાંથી કયા વિસ્તારમાંથી શ્રમિકોને મોકલવામાં આવ્યા તેની વિગતો જોઈએ તો અમદાવાદ પશ્ચિમમાંથી ૩૯,૩૪૦, અમદાવાદ પૂર્વમાંથી સૌથી વધુ ૧,૧૯,૫૧૫ સાણંદમાથી ૧૪,૮૪૧ વિરમગામમાંથી ૧૦,૦૫૧, દસ્ક્રોઈમાંથી ૧૮,૩૮૩ ધોળકામાંથી ૬,૭૭૮ બાવળામાંથી ૧૧,૯૦૧ માંડલમાંથી ૧,૨૬૫ તથા અન્ય ૬,૮૧૭ એમ   મળી કુલ ૨,૨૮,૮૯૧ શ્રમિકો-પર પ્રાંતિયોને મોકલવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.