Western Times News

Gujarati News

બાળકો અને સાયન્સ કમ્યુનિકેટર્સ સહિત નાગરીકોમાં ગ્રહણ અંગે વૈજ્ઞાનિક સમજ કેળવવાના આશયથી લાઈવ ટોક સીરિઝનું આયોજન

વેબિનારનું રેકોર્ડિંગ ગુજકોસ્ટની યૂટ્યૂબ ચેનલ પર જોઈ શકાશે

જૂન માસમાં બે ખગોળીય ઘટના ચંદ્રગ્રહણ (તા.૦૧/૦૬/૨૦૨૦) તથા સૂર્યગ્રહણ (તા. ૨૧/૦૬/૨૦૨૦) આકાર લેવા જઈ રહી છે ત્યારે આ અદભુત ઘટનાઓ કેવી રીતે આકાર પામે છે, ગ્રહણને કેવી રીતે સલામતીપૂર્વક નિહાળી શકાય જેવાં અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉદભવે છે. આ ઉપરાંત ગ્રહણને લઇને કેટલીક માન્યતાઓ તથા અંધશ્રદ્ધા પણ પ્રવર્તમાન હોય છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) સાયન્સ સિટી, અમદાવાદ તથા વિજ્ઞાન પ્રસાર, દિલ્હીના સંયુક્ત ઉપક્રમે “એક્સપ્લોર એકલીપ્સ, એન્જોય સાયન્સ (ગ્રહણ વિશે જાણીએ, વિજ્ઞાનને સમજીએ)” શીર્ષક હેઠળ એક મહિના સુધી લાઈવ ટોક સીરિઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આરંભ આજે તા.૩૦/૦૫/૨૦૨૦ના રોજ કરવામાં આવ્યો. લાઈવ ટોક સીરિઝ અંતર્ગત અન્ય વેબિનારનું આયોજન તા. ૩, ૫, ૧૫ તથા ૨૧ જૂનના રોજ કરવામાં આવ્યુ છે. બાળકો, સાયન્સ કમ્યુનિકેટર્સ સહિત નાગરીકોમાં ગ્રહણ અંગે વૈજ્ઞાનિક સમજ કેળવાય એવા આશયથી આ આયોજન કરવામાં આવ્યું હોવાનું ગુજકોસ્ટની યાદીમાં  જણાવવામાં આવ્યું છે.

સૂર્યગ્રહણ વિષે માહિતી આપતા વિજ્ઞાન પ્રસારના વૈજ્ઞાનિક ડૉ. બી. કે. ત્યાગીએ જણાવ્યું હતું કે સૂર્યગ્રહણ એ સંશોધનકર્તા માટે સૂર્યની આંતરિક સંરચના વિષે અભ્યાસ કરવા માટે ઉત્તમ તક છે. ડો.અરવિંદ રાનડે દ્વારા સૂર્યગ્રહણ કેવી રીતે સલામતીપૂર્વક નિહાળી શકાય તથા ઘરમાં રહીને કેવી પ્રવૃતિઓ દ્વારા સૂર્યગ્રહણ વિષે સમજણ કેળવી શકાય આ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. એસ.પી. યુનિવર્સિટી, ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના પ્રો. બ્રિજમોહન ઠાકોર દ્વારા સૂર્યગ્રહણ અંગેની ખગોળીય ગણતરીઓ, સૂર્યગ્રહણનો માર્ગ તથા ઈન્ટરનેટ પર ઉપલબ્ધ વિવિધ મોબાઇલ એપ્લિકેશન દ્વારા જાતે ખગોળીય અભ્યાસ કેવી રીતે કરી શકાય તે અંગે માહિતગાર કર્યાં હતા.

લાઈવ ટોકમાં જોડાયેલા ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓ-નાગરિકોને નિષ્ણાંતો દ્વારા ગ્રહણ વિષે માહિતી અને મૂંઝવતા પ્રશ્નો અંગે વૈજ્ઞાનિક સમજણ આપવામાં આવી હતી. વેબિનારનું રેકોર્ડિંગ ગુજકોસ્ટની યૂટ્યૂબ ચેનલ પર જોઈ શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. લાઈવ ટોક સીરિઝ અંતર્ગત બીજો વેબિનાર તા.૦૩/૦૬/૨૦૨૦ના રોજ યોજાનાર છે, જેનું રજીસ્ટ્રેશન ગુજકોસ્ટની વેબસાઈટ પરથી કરવાનું રહેશે.

ગુજકોસ્ટ દ્વારા આ ખગોળીય ઘટના વિષે લોકોમાં જાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં ઘરે બેસીને, સામાજિક અંતર જાળવીને સલામતીપૂર્વક કેવી રીતે ગ્રહણ નિહાળવું તથા પ્રાયોગિક પ્રવૃતિઓ વડે બાળકોમાં ગ્રહણ અંગે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો એ અંગે માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રહણને મહત્તમ લોકો નિહાળી શકે એ માટે ઓન લાઈન ટેલિકાસ્ટ કરવા અંગે પણ આયોજન ચાલી રહ્યું હોવાનું ગુજકોસ્ટના મેમ્બર સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.