Western Times News

Gujarati News

આપત્તિને અવસરમાં પલટાવવાનું ખમીર ગુજરાતના MSME ઝળકાવે:-મુખ્યમંત્રી

મુખ્યમંત્રીશ્રીનાયબ મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સ યોજી

રાજ્યના MSME એકમોને ઝડપી બેન્ક લોનવ્યાજ દર રાહત આપી અર્થતંત્ર પૂનચેતનવંતુ બનાવવા બેન્કર્સવેપાર ઊદ્યોગ અગ્રણીઓ સાથે મંથનચિંતન કર્યુ

  • હયાત MSME કસ્ટમર્સને વધારાની મળેલી લોન માટે માર્જિન મની નહિં લેવાય
  • મહત્તમ વ્યાજદર ૯.રપ ટકાથી પણ ઓછા વ્યાજ દરે બેન્કસ લોન આપી કોરોનાની સ્થિતીમાંથી ઝડપી પૂર્વવત થવા સહાયરૂપ થશે
  • લોનસહાયના ફોલોઅપ માટે જિલ્લાસ્તરે કલેકટરના અધ્યક્ષસ્થાને કમિટિની રચનાવેપાર ઊદ્યોગ સંગઠનMSME એકમોના સંગઠનોના પ્રતિનિધિઓનો સમાવેશ કરાશે
  • MSME અંતર્ગત આવરી લેવાયેલ સર્વિસ સેકટરને પણ લોનનો લાભ અપાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ-19 કોરોના વાયરસની સ્થિતી પછી ઉદભવનારી આર્થિક-ઔદ્યોગિક ગતિવિધિઓનો મહત્તમ લાભ રાજ્યના MSME એકમો ઉઠાવી આપત્તિને અવસરમાં પલટવાની ગુજરાતની ખૂમારી ફરી ઝળકાવે તેવું આહવાન કર્યુ છે.

તેમણે આ સંદેર્ભમાં બેન્કોને પણ અનુરોધ કર્યો કે, MSME એકમોને આવશ્યકતા મુજબ બેન્ક લોન-સહાય આપીને આ સેકટરને પૂન: વેગવંતુ બનાવવાનું દાયિત્વ બેન્કો નિભાવે.   મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના જિલ્લામથકોએ ઉપસ્થિત રહેલા બેન્ક અધિકારીઓ, જિલ્લા ઊદ્યોગ કેન્દ્રોના જનરલ મેનેજરશ્રીઓ, MSME એકમોના સંગઠનોના પદાધિકારીઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ સાથે ઊદ્યોગ-વેપાર ક્ષેત્રને ફરી એ જ ગતિએ ધબકતા કરવાની કાર્યયોજનાનું સામૂહિક મંથન-ચિંતન કર્યુ હતું.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ પણ આ કોન્ફરન્સમાં જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારત સરકારે પણ કોવિડ-19ની સ્થિતીમાં વેપાર-ઊદ્યોગ-નાના-લઘુ ઊદ્યોગોને બેઠા કરવા જે ર૦ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે તેમાં ૩.પ૦ લાખ કરોડનું પેકેજ MSME માટે આપ્યું છે. MSME એકમોને કોલેટરલ ફ્રી લોન આપવાની પણ ભારત સરકારે જાહેરાત કરી છે તેનો મહત્તમ લાભ ગુજરાતના MSME એકમોને મળે તે માટે તેમણે બેન્કર્સને પ્રો-એકટીવ થવા સૂચન કર્યુ હતું. શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં ૩૩ લાખથી વધુ MSME એકમો દ્વારા દોઢ કરોડથી વધુ લોકોને રોજગારી મળે છે તેમજ આવા MSME એકમોનો રિકવરી રેટ ૯પ ટકાથી પણ વધારે છે.

તેમણે બેન્કર્સને એવો પણ અનુરોધ કર્યો કે, રિઝર્વ બેન્કે રેપોરેટ ઘટાડયો છે તેમજ લીકવીડીટી (તરલતા) ફેસિલીટી વધુ વ્યાપક બનાવી છે ત્યારે રાજ્યના MSME એકમોને પણ વધુ સરળતાએ લોન-સહાય મળે તો આપણે વિકાસની રફતાર વેગવંતી બનાવી શકીશું.  મુખ્યમંત્રીશ્રીએ MSME કમિશનરેટ, સિંગલ વિન્ડો સિસ્ટમ વગેરે દ્વારા બેન્ક અને MSME વચ્ચે સરકાર સેતુરૂપ બનશે એમ પણ જણાવ્યું હતું.

આ સંદર્ભમાં વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ અને ઊદ્યોગ અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ અને ઊદ્યોગ વિભાગના અધિકારીઓ સાથે બેન્કર્સની વિશદ ચર્ચા-વિચારણાઓ હાથ ધરવામાં આવી હતી.  તદ્દઅનુસાર, બેન્કોએ કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે જેમાં એવું નિર્ધારીત કરવામાં આવ્યું કે, બેન્કના હયાત MSME કસ્ટમર્સ જેમને વધુ લોનની સગવડતા મળેલી છે તેમણે આ વધારા માટે કોઇ માર્જિન મની આપવાના રહેશે નહિ.

જે MSME એકમો નવી લોન લેશે તેમને માર્જિન મની આપવાના રહેશે. એટલું જ નહિ, MSME અંતર્ગત સમાવેશ થયેલી સર્વિસ સેકટર ઇન્ડસ્ટ્રીને પણ બેન્ક લોનનો લાભ બેન્કર્સ આપશે. પ્રવર્તમાન કોરોના-કોવિડ-19ની પરિસ્થિતીમાંથી નાના-લઘુ-સુક્ષ્મ ઊદ્યોગોને ઝડપભેર પૂર્વવત કરવા બેન્કો મહત્તમ વ્યાજ દર ૯.રપ ટકાથી પણ ઓછા દરે લોન-સહાય આપશે તેવી લીડ બેન્કર્સ દ્વારા ખાતરી આપવામાં આવી હતી.

રાજ્યમાં MSME એકમોને લોન-સહાય સરળ અને ત્વરાએ મળી રહે તે માટેના ફોલોઅપ સહિતની કામગીરી માટે એક સમિતિ રચવાનું ચેમ્બર્સ ઓફ કોમર્સ અને MSME એકમોના સંગઠનોએ સૂચન કર્યુ હતું. આ સૂચનનો ત્વરિત પ્રતિસાદ આપતાં બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે આ હેતુસર દરેક જિલ્લામાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં આવશે. જિલ્લા ઊદ્યોગ કેન્દ્રના અધિકારી, લીડ બેન્ક ઓફિસર તેમજ ચેમ્બર ઓફ કોમર્સના અને MSME એકમોના સંગઠનના પદાધિકારીનો આ સમિતિના સભ્ય તરીકે સમાવેશ કરાશે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આ વિડીયો કોન્ફરન્સમાં જણાવ્યું કે, કોરોનાને કારણે વિશ્વભરમાં કરોડો લોકોના જનજીવન, વેપાર-ઊદ્યોગ ઠપ થઇ ગયેલા અને આપણે ચિંતામાં હતા કે આ સ્થિતીથી બેઠા કેમ થઇશું, ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ મોટું રાહત પેકેજ આપીને રાજ્યના નાના-લઘુ ઊદ્યોગોને ઝડપથી થાળે પડવાની નવી તક આપી છે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર તો આ માટે મદદરૂપ થાય છે પરંતુ બેન્કર્સ, ઊદ્યોગકારો સૌના સૂચનો અને સહયોગ મેળવવા આ કોન્ફરન્સ ઉપયુકત બનશે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ જેટલી ઝડપથી ગુજરાતમાં      ઊદ્યોગો ફરીથી ચેતનવંતા થશે તેટલી ઝડપે અર્થતંત્રને, ઊદ્યોગોને શ્રમિકોને ફાયદો થશે. રાજ્યની વિકાસ યાત્રામાં ગતિ આવશે તેવો વિશ્વાસ પણ દર્શાવ્યો હતો.

તેમણે રિઝર્વ બેન્કે લીકવીડીટી-તરલતા પ્રાપ્ત થાય તેવી ફંડ વ્યવસ્થા કરી છે તેનો લાભ MSMEને લેવા પણ અનુરોધ કર્યો હતો.        મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ અને ઊદ્યોગ અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસે આ કોન્ફરન્સનો વિષય સ્પષ્ટ કરી ગુજરાતમાં FDI ગ્રોથરેટ દેશ કરતાં ૧૭ ગણું વધારે છે તેનો શ્રેય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વને આપ્યો હતો. MSME સેકટરના વિકાસમાં પણ ગુજરાત દેશમાં મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશનમાં અગ્રેસર છે તેમ તેમણે ઉમેર્યુ હતું. ઊદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા, MSME કમિશનર શ્રી રંજીથકુમાર તથા ઇન્ડેક્ષ્ટ-બી ના એમ. ડી. નિલમ રાની આ બેઠકમાં જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.