Western Times News

Gujarati News

એસ.જી. હાઈવે નજીક કિન્નરોએ આર્કિટેકને ઢોરમાર માર્યો

એસ.જી.હાઈવે પર રાજપથ કલબની પાછળ આર્કિટેકે નવી ઓફિસ ખોલતા જ કિન્નરોએ બોનસ પેટે રૂપિયા ૩૦ હજાર માંગ્યા

આર્કિટેકે આટલી મોટી રકમ આપવાની ના પાડતાં જ મામલો ઉગ્ર બન્યો : વસ્ત્રાપુર પોલીસે ૧પ જેટલા કિન્નરો સામે ગુનો દાખલ કરી હાથ ધરેલી તપાસ

(પ્રતિનિધિ) અમદાવાદ 04062019: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાનીપરિસ્થિતિના પગલે ગુનેગારોને મોકળુ મેદાન મળી ગયું છે શહેરમાં ચારેબાજુ ચોરી અને લુંટફાટની ઘટનાઓ બની રહી છે જેના પગલે પોલીસતંત્ર દ્વારા સઘન કાર્યવાહી શરૂ કરાઈ છે હાલમાં શહેરમાં દારૂ અને જુગારની બંદી ડામી દેવા માટે મેગા ડ્રાઈવ ચાલી રહી છે આ ઉપરાંત શહેરમાં રાત્રિ દરમિયાન પેટ્રોલીંગ પણ સઘન બનાવાયું છે

આ પરિસ્થિતિ વચ્ચે શહેરના એસ.જી.હાઈવે પર એક ચોંકાવનારો બનાવ બન્યો છે જેમાં આર્કિટેક યુવાને રાજપથ કલબની પાછળ પોતાની નવી ઓફિસ શરૂ કરતા ગઈકાલે બપોરે રૂ.૩૦ હજારનું બોનસ લેવા માટે કિન્નરો આવતા આ યુવકે આટલી મોટી રકમ આપવાની ના પાડતાં મામલો ગરમાયો હતો અને કિન્નરોએ ઉશ્કેરાટમાં આવી વહેપારી પર હુમલો કરી ઢોરમાર મારતા નાસભાગ મચી ગઈ હતી દરમિયાનમાં આ ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરાતા તાત્કાલિક પોલીસ પણ આવી પહોંચી હતી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર વિસ્તારમાં પડયા છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ઠેરઠેર શુભ પ્રસંગે કિન્નરો બોનસ લેવા આવતા હોય છે આ ઉપરાંત ધાર્મિક તહેવારોમાં બોનસ લેતા હોય છે કેટલાક સ્થળો પર વધુ પડતુ બોનસ માંગવાના કારણે ઘર્ષણ પણ થતું હોય છે જાકે મોટાભાગના કિસ્સાઓમાં ધાર્મિક પરંપરા અનુસાર રૂપિયા આપી દેવામાં આવતા હોય છે શહેરને અડીને આવેલા બોપલ વિસ્તારમાં ફલોરીસ્ટ રો હાઉસમાં રહેતા આકાશ માધવદાસ ગોલાણી નામના ૪૧ વર્ષના આર્કિટેકે તાજેતરમાં જ એસ.જી.હાઈવે પર રાજપથ કલબની પાછળના ભાગે આવેલા વન વર્લ્ડ કેપીટલ કોમ્પલેક્ષમાં એક ઓફિસ ખરીદી હતી અને તેમાં તેણે પોતાની આર્કિટેકની ઓફિસ શરૂ કરી હતી આ માટે તેણે સ્ટાફની પણ ભરતી કરી દીધી હતી.

રાજપથ કલબની પાછળ આવેલા વન વર્લ્ડ કોમ્પલેક્ષમાં નવી ઓફિસ શરૂ થયાની જાણ થતાં જ ગઈકાલે બપોરે કિન્નરોનું એક ટોળુ ઓફિસ પર આવ્યુ હતું અને ઓફિસમાં હાજર પટાવાળા રોહિત ઠાકોર તથા અન્ય કર્મચારીઓ પાસે નવી ઓફિસ શરૂ થઈ છે તેથી રૂ.૩૦ હજારના બોનસની માંગણી કરી હતી આટલી મોટી રકમની માંગણી કરવામાં આવતા રોહિત ઠાકોરે ઓફિસના માલિક આકાશ ગોલાણીને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે ઓફિસની બહાર કિન્નરો આવ્યા છે અને તેઓ રૂ.૩૦ હજારની માંગણી કરી રહયા છે આ સાંભળતા જ આકાશ ગોલાણી થોડીજ વારમાં ઓફિસ પર આવી પહોંચ્યા હતાં

આ દરમિયાનમાં કિન્નરોએ આકાશભાઈ પાસેથી પણ રૂ.૩૦ હજારની માંગણી કરતા તેમણે આટલી મોટી રકમ આપવાની ના પાડી હતી.
રકમના મુદ્દે આકાશભાઈ અને કિન્નરો વચ્ચે બોલાચાલી થઈ હતી આકાશભાઈ આટલી મોટી રકમ નહી આપવા માટે મક્કમ હતાં જયારે બીજીબાજુ ઓફિસમાં આવી પહોંચેલા ૧૦ થી ૧પ કિન્નરો પણ બોનસ પેટે રૂ.૩૦ હજારની માંગણી કરતા હતા જેના પરિણામે ઉગ્ર બોલાચાલી બાદ વાતાવરણ ઉગ્ર બની ગયું હતું આ દરમિયાનમાં આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતાં

ઉશ્કેરાટમાં આવેલા કિન્નરોએ આકાશભાઈનો કોલર પકડી તેમના ઉપર હુમલો કર્યો હતો જેના પરિણામે આકાશભાઈ નીચે પટકાયા હતાં તેમ છતાં તેમના ઉપર હુમલો કરવાનુ ચાલુ રાખતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કિન્નરોના ટોળાએ આકાશભાઈ પર હુમલો કરતા જ સમગ્ર કોમ્પલેક્ષમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો

આ દરમિયાનમાં આકાશભાઈ કિન્નરોના ટોળામાંથી છટકી નીચે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે પોલીસ કંટ્રોલને જાણ કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં  પરિસ્થિતિ તંગ જણાતા તાત્કાલિક વસ્ત્રાપુર પોલીસને સ્થળ પર રવાના કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસની ટીમ રાજપથ કલબની પાછળ વન વર્લ્ડ કેપીટલમાં પહોંચી ગઈ હતી પોલીસે તાત્કાલિક મામલો થાળે પાડયો હતો.

જાકે કિન્નરોની સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જાવા મળી રહયો છે વસ્ત્રાપુર પોલીસે કિન્નરોની ધરપકડ કરી છે કે નહી તે અંગે સત્તાવાર કશું જ જાણવા મળ્યું નથી પરંતુ આ સમગ્ર ઘટના આ વિસ્તારમાં ભારે ચર્ચાસ્પદ બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.